<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 5th April 2026

સુરતમાં કાપડના વેપારીનો આપઘાતનો પ્રયાસ: વ્યાજખોરના ત્રાસથી ફિનાઈલ પીધું :90 લાખ સામે 2.5 કરોડ વ્યાજ પેટે ચૂકવ્યા છતાં ધમકી

મોટી રકમ ચૂકવવા છતાં વ્યાજખોરોની ભૂખ સંતોષાઈ નહોતી અને તેઓ સતત વધુ પૈસાની ઉઘરાણી કરીને વેપારીને માનસિક ત્રાસ આપતા હતા

સુરત:શહેરમાં વ્યાજખોરોનો આતંક વધી રહ્યો છે, જેના કારણે વધુ એક વેપારીએ પોતાનું જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો છે. સુરતના ટેક્સટાઈલ હબ ગણાતા સલાબતપુરા વિસ્તારમાં એક કાપડના વેપારીએ વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને ફિનાઈલ ગટગટાવી આપઘાતનો પ્રયાસ કર્યો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે.

 

મળતી માહિતી મુજબ, ભોગ બનનાર વેપારીએ પોતાના વ્યવસાય માટે વ્યાજખોરો પાસેથી અંદાજે ₹90 લાખની લોન લીધી હતી. આ રકમની સામે વેપારીએ અત્યાર સુધીમાં વ્યાજ પેટે અંદાજે ₹2.5 કરોડ જેટલી માતબર રકમ ચૂકવી દીધી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આટલી મોટી રકમ ચૂકવવા છતાં વ્યાજખોરોની ભૂખ સંતોષાઈ નહોતી અને તેઓ સતત વધુ પૈસાની ઉઘરાણી કરીને વેપારીને માનસિક ત્રાસ આપી રહ્યા હતા.

વ્યાજખોરો દ્વારા આપવામાં આવતી જાનથી મારી નાખવાની ધમકીઓ અને માનસિક દબાણને કારણે વેપારી ભાંગી પડ્યા હતા. અંતે, સલાબતપુરા દરગાહ પાસે તેમણે ફિનાઈલ ગટગટાવી લીધું હતું. ઘટનાની જાણ થતા જ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને વેપારીને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. 

આ મામલે સલાબતપુરા પોલીસે  ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સુરત પોલીસ દ્વારા વ્યાજખોરો વિરુદ્ધ ચલાવવામાં આવતી ઝુંબેશ છતાં આવા કિસ્સાઓ પ્રકાશમાં આવતા વેપારી આલમમાં રોષ જોવા મળી રહ્યો છે. પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે આ વ્યાજખોરો કોણ છે અને તેમની પાછળ અન્ય કેટલા લોકો સંડોવાયેલા છે.

(5:23 PM IST)