<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 5th April 2026

સાવલીમાં ભાજપને મોટો ઝટકો: ૧૦૦થી વધુ કાર્યકરોએ 'કેસરીયો' છોડી 'પંજો' પકડ્યો

ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો સાથે ભાજપના ગઢમાં ગાબડું; સ્થાનિક સ્તરે સત્તાધારી પક્ષમાં આંતરિક કકળાટના એંધાણ

વડોદરા: વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં રાજકીય ગરમાવો તેજ બન્યો છે. આગામી સમયમાં સ્થાનિક ચૂંટણીઓ પહેલા ભાજપને મોટો આંચકો લાગ્યો છે. સાવલીના ૧૦૦થી વધુ સક્રિય કાર્યકરો અને હોદ્દેદારોએ ભાજપ સાથે છેડો ફાડીને કોંગ્રેસનો ખેસ ધારણ કરી લેતા રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે.
ભ્રષ્ટાચારના મુદ્દે ભાજપમાંથી રાજીનામાં
પક્ષપલટો કરનાર કાર્યકરોએ ભાજપ પર આકરા પ્રહાર કર્યા છે. કાર્યકરોનો મુખ્ય આક્ષેપ છે કે, સાવલી ભાજપમાં ભ્રષ્ટાચાર માઝા મૂકી રહ્યો છે અને સામાન્ય કાર્યકરોની ઉપેક્ષા કરવામાં આવી રહી છે. ભાજપના નેતૃત્વ પર ભ્રષ્ટાચાર અને મનમાનીના આરોપો લગાવીને આ કાર્યકરોએ કોંગ્રેસમાં જોડાવાનો નિર્ણય કર્યો છે. કોંગ્રેસના સ્થાનિક આગેવાનોએ આ કાર્યકરોને પક્ષનું ખેસ પહેરાવીને આવકાર્યા હતા.
ભાજપ માટે ચિંતાનો વિષય
સાવલીમાં ભાજપના ૧૦૦ જેટલા કાર્યકરોનું એકસાથે પક્ષ છોડવું એ ભાજપના સ્થાનિક સંગઠન માટે ગંભીર ચિંતાનો વિષય છે. જો આ રીતે પક્ષપલટાનો દોર ચાલુ રહેશે, તો આગામી ચૂંટણીઓમાં ભાજપને તેની અસર ભોગવવી પડી શકે છે. વિશ્લેષકોના મતે, આ ઘટના પક્ષમાં ચાલી રહેલા આંતરિક જૂથવાદ અને નારાજગીનું પરિણામ છે.
કોંગ્રેસના ઉત્સાહમાં વધારો
બીજી તરફ, આ પક્ષપલટાને કારણે કોંગ્રેસમાં નવો પ્રાણ ફૂંકાયો છે. સાવલીમાં આટલી મોટી સંખ્યામાં કાર્યકરો જોડાતા કોંગ્રેસના સ્થાનિક નેતાઓનું મનોબળ વધ્યું છે. કોંગ્રેસનો દાવો છે કે હજુ પણ ઘણા કાર્યકરો ભાજપની કાર્યપદ્ધતિથી નારાજ છે અને ટૂંક સમયમાં તેઓ પણ કોંગ્રેસમાં જોડાશે.

(3:20 PM IST)