<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 5th April 2026

ડાયમંડ સિટીને મોટો ફટકો: સુરતથી બેંગકોક જતી ફ્લાઈટ કાયમી ધોરણે બંધ, આંતરરાષ્ટ્રીય કનેક્ટિવિટીના સપના પર લાગ્યું ગ્રહણ

નફાના અભાવે એર ઈન્ડિયા એક્સપ્રેસનો નિર્ણય: 1 જુલાઈથી સુરત-બેંગકોક રૂટની સેવાઓ સમેટાઈ જશે, મુસાફરોમાં રોષ અને નિરાશા

સુરત:ડાયમંડ સિટી અને ટેક્સટાઈલ હબ તરીકે વિશ્વભરમાં જાણીતા સુરત શહેર માટે ઉડ્ડયન ક્ષેત્રે અત્યંત ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. અગાઉ શારજાહ અને દુબઈ જેવી મહત્વની આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ બંધ થયા બાદ, હવે સુરતથી બેંગકોક જતી સીધી વિમાન સેવા પણ કાયમી ધોરણે બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
1 જુલાઈથી બંધ થશે બુકિંગ:
એર ઈન્ડિયા એક્સપ્રેસ દ્વારા સંચાલિત આ ફ્લાઈટ હાલમાં અઠવાડિયામાં 4 દિવસ કાર્યરત છે. જોકે, એરલાઈન મેનેજમેન્ટે આ રૂટ પરથી પોતાની સેવાઓ સમેટી લેવાનું નક્કી કર્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આ રૂટ કંપની માટે અપેક્ષા મુજબ નફાકારક સાબિત થયો ન હતો. આ આર્થિક કારણોસર કંપનીએ 1 જુલાઈથી આ ફ્લાઈટ માટેનું તમામ બુકિંગ સત્તાવાર રીતે બંધ કરી દીધું છે.
સુરતીઓએ હવે અમદાવાદ કે મુંબઈ પર નિર્ભર રહેવું પડશે:
સુરતમાંથી મોટી સંખ્યામાં વેપારીઓ અને પ્રવાસીઓ બિઝનેસ કે ફરવા માટે વિદેશ જતા હોય છે. બેંગકોક જેવો લોકપ્રિય રૂટ બંધ થવાથી દક્ષિણ ગુજરાતના મુસાફરોમાં ભારે હતાશા જોવા મળી રહી છે. હવે વિદેશ જવા માટે સુરતીઓએ ફરજિયાતપણે અમદાવાદ કે મુંબઈ એરપોર્ટ સુધી લાંબા થવું પડશે, જેના કારણે પ્રવાસીઓના સમય અને નાણાં બંનેનો વધારાનો વ્યય થશે.
એરપોર્ટની વિશ્વસનીયતા પર ઉઠ્યા સવાલો:
સુરત એરપોર્ટને આંતરરાષ્ટ્રીય દરજ્જો તો મળ્યો છે, પરંતુ સતત એક પછી એક ફ્લાઈટ્સ બંધ થવાને કારણે આ દરજ્જો માત્ર કાગળ પર હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે. રનવે અને આધુનિક ટર્મિનલના વિસ્તરણ પાછળ કરોડો રૂપિયા ખર્ચવા છતાં ગ્લોબલ કનેક્ટિવિટીમાં થયેલો આ ઘટાડો એરપોર્ટ ઓથોરિટીની કાર્યક્ષમતા સામે ગંભીર પ્રશ્નાર્થો ઊભા કરી રહ્યો છે.

(3:02 PM IST)