તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 5th April 2026
વડોદરા ભાજપમાં આંતરિક અસંતોષ: ટિકિટ વહેંચણી મુદ્દે ધારાસભ્ય યોગેશ પટેલના આકરા તેવર
"જો બહારની વ્યક્તિને ટિકિટ આપવામાં આવે તો તેનો વિરોધ કરો અને લડત આપો" - ધારાસભ્ય યોગેશ પટેલ

વડોદરા:ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જાહેર થતા જ રાજકીય માહોલ ગરમાયો છે. આ વચ્ચે, વડોદરા ભાજપમાં ટિકિટ વહેંચણીને લઈને ચાલી રહેલી ખેંચતાણ અને કાર્યકરોમાં રહેલા આંતરિક અસંતોષને લઈને વરિષ્ઠ ધારાસભ્ય યોગેશ પટેલે મોટું નિવેદન આપ્યું છે.
સ્થાનિક કાર્યકરોમાં અન્યાયનો ભય
ભાજપમાં અન્ય પક્ષોમાંથી આવેલા નેતાઓના આગમનથી મૂળ અને જૂના કાર્યકરોમાં ટિકિટ ન મળવાનો ડર પેસી ગયો છે. વડોદરામાં ચૂંટણી કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે સંબોધન કરતા ધારાસભ્ય યોગેશ પટેલે કાર્યકરોની આ વ્યથાને વાચા આપી હતી. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, જે તે વિસ્તારમાં સતત કામ કરનાર કાર્યકરોને જ ટિકિટ મળવી જોઈએ. બહારથી આવેલા ઉમેદવારોને પ્રાધાન્ય આપવું યોગ્ય નથી.
કાર્યકરોને સજ્જ રહેવા ટકોર
યોગેશ પટેલે કાર્યકરોને સીધો સંદેશ આપતા કહ્યું કે, "જો બહારની વ્યક્તિને ટિકિટ આપવામાં આવે, તો તેનો વિરોધ કરવો જોઈએ અને જરૂર પડે તો લડત આપવી જોઈએ." આ સાથે જ તેમણે કાર્યકરોને અપીલ કરી હતી કે ટિકિટ ન મળે તો પણ પક્ષના સત્તાવાર ઉમેદવારને જીતાડવાની જવાબદારી સૌની છે.
આ નિવેદન બાદ ભાજપમાં ટિકિટ વહેંચણીનો મુદ્દો વધુ ગંભીર બન્યો છે અને સ્થાનિક કાર્યકરોને પ્રાધાન્ય આપવાની માંગ વધુ તેજ થવાની શક્યતા છે. આગામી દિવસોમાં આ અંગે વધુ રાજકીય ગરમાવો જોવા મળી શકે છે.
(2:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
