તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 5th April 2026
અમદાવાદમાં લેન્ડ ગ્રેબિંગ એક્ટના ફિયાસ્કા જેવી સ્થિતિ: વર્ષે 700 ફરિયાદો છતાં 5 વર્ષમાં માત્ર 183 કેસમાં જ FIR
જમીન માફિયાઓને નાથવા બનાવેલો કાયદો કાગળ પર? 60 ટકા જેટલી ફરિયાદો તપાસના અંતે દફ્તરે કરી દેવાતા અરજદારોમાં નિરાશા

અમદાવાદ:અમદાવાદ શહેરમાં જમીન પચાવી પાડતા માફિયાઓ પર લગામ કસવા માટે અમલી બનાવેલો ‘ગુજરાત લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબિશન એક્ટ’ તેના મૂળ હેતુમાં નિષ્ફળ જતો હોય તેમ જણાઈ રહ્યું છે.
જિલ્લા કલેક્ટર કચેરીમાં મળતી વિગતો મુજબ, અમદાવાદમાં દર વર્ષે સરેરાશ 700 જેટલી લેન્ડ ગ્રેબિંગની ફરિયાદો નોંધાય છે, પરંતુ કાયદાકીય ગુંચવણો અને તપાસની ધીમી ગતિને કારણે તેમાંથી 60 ટકા જેટલા કેસ દફ્તરે (ક્લોઝ) કરી દેવામાં આવે છે. સૌથી ચોંકાવનારી બાબત એ છે કે, છેલ્લા પાંચ વર્ષના લાંબા સમયગાળામાં હજારો અરજીઓ સામે માત્ર 183 કિસ્સાઓમાં જ પોલીસ ફરિયાદ (FIR) નોંધવામાં આવી છે.
જમીન માલિકો પોતાની કિંમતી મૂડી બચાવવા માટે ન્યાયની આશાએ કલેક્ટર કચેરીની સ્પેશિયલ કમિટી સમક્ષ અરજીઓ કરે છે.
જોકે, તપાસ સમિતિના કડક વલણ છતાં અનેક ફરિયાદો પુરાવાના અભાવે અથવા ટેકનિકલ કારણોસર ફાઈલ કરી દેવામાં આવે છે. આંકડાકીય વિશ્લેષણ દર્શાવે છે કે, જેટલી ઝડપથી ફરિયાદો આવે છે તેની સામે ગુનો નોંધાવવાનો દર અત્યંત નબળો છે. આ સ્થિતિને કારણે એક તરફ જેની જમીન હડપ થઈ છે તેવા સામાન્ય નાગરિકો ધક્કા ખાઈ રહ્યા છે, તો બીજી તરફ જમીન માફિયાઓમાં કાયદાનો કોઈ ફડકો રહ્યો હોય તેવું જણાતું નથી. જો તંત્ર દ્વારા આ મામલે કડક પગલાં ભરીને FIRની પ્રક્રિયા ઝડપી બનાવવામાં નહીં આવે, તો આ કાયદો માત્ર શોભાના ગાંઠિયા સમાન બની રહેશે તેવું નિષ્ણાતો માની રહ્યા છે.
(2:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
