<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 5th April 2026

ચૈત્રમાં ચોમાસું! ભર ઉનાળે આકાશે ઠાલવ્યું પાણી: ૧૮ જિલ્લામાં ગાજવીજ સાથે માવઠાની આગાહી

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કહેરથી ખેડૂતોની ચિંતામાં વધારો; પવનના સુસવાટા સાથે વરસાદી માહોલ જામતા ઉનાળુ પાક પર સંકટના વાદળ

અમદાવાદ:ચૈત્ર મહિનો એટલે ગરમીનો પર્યાય, પણ આ વખતે કુદરત કંઈક અલગ જ ખેલ ખેલતી હોય તેમ લાગે છે! ગુજરાતના વાતાવરણમાં આવેલા અચાનક પલટાને કારણે ભર ઉનાળે રાજ્યમાં 'ચોમાસા' જેવો માહોલ જામ્યો છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરે રાજ્યના ૧૮ જેટલા જિલ્લાઓમાં મેઘરાજાએ ફરી એકવાર ધમાકેદાર એન્ટ્રી કરતા ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા છે.
હવામાન વિભાગની ચેતવણી મુજબ, કમોસમી વરસાદનું આ સંકટ હજુ ટળ્યું નથી. સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં વાદળછાયા આકાશ વચ્ચે વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ ખાબકી શકે છે. ભારે પવનના સુસવાટા અને ગાજવીજ સાથે પડતા આ માવઠાને કારણે જનજીવન અને ખેતીકામ પર મોટી અસર પડી રહી છે.
ખેડૂતોની ચિંતામાં થયો વધારો
ખેતરમાં લણણીને આરે ઉભેલા પાક માટે આ માવઠું આફત બનીને આવ્યું છે. ક્યાંક કેરીના પાકને તો ક્યાંક અન્ય ઉનાળુ પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. ગ્રામ્ય વિસ્તારોમાં અચાનક બદલાયેલા આ મિજાજને કારણે ખેડૂતો ચિંતિત છે, કારણ કે હાથમાં આવેલો કોળિયો છીનવાઈ જવાનો ડર તેમને સતાવી રહ્યો છે.
૭ એપ્રિલે ફરી માવઠાનો રાઉન્ડ!
હવામાન ખાતાએ તો એવી પણ આગાહી કરી છે કે, અત્યારની રાહત કામચલાઉ છે. ૭ એપ્રિલની આસપાસ વધુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાની શક્યતા છે, જેને પગલે માવઠાનો બીજો રાઉન્ડ આવી શકે છે. જે બાદ, ૮ એપ્રિલ પછી જ વાતાવરણમાં સ્થિરતા આવશે અને ગરમીનો પારો ફરી ઊંચકાશે.
હાલ તો ગુજરાતવાસીઓએ આ 'ડબલ ઋતુ'નો અનુભવ કરવો પડી રહ્યો છે. એક તરફ ગરમી અને બીજી તરફ માવઠાની આગાહીને કારણે આરોગ્ય બાબતે પણ સાવચેત રહેવા તબીબો સલાહ આપી રહ્યા છે.

(12:00 PM IST)