તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 5th April 2026
કમલમમાં ટિકિટ માટે 'કુંભમેળો': અમદાવાદ મનપાની ૧૯૨ બેઠકો હસ્તગત કરવા ૨૩૬૪ મુરતિયાઓ મેદાને
ભાજપના ગઢ ગણાતા અમદાવાદમાં કોર્પોરેશનની ચૂંટણી પૂર્વે કેસરીયો માહોલ અને કાર્યકરોમાં અભૂતપૂર્વ ઉત્સાહ, એક બેઠક દીઠ સરેરાશ ૧૨ થી વધુ દાવેદારો વચ્ચે જંગ ખેલાતા નિકોલ વોર્ડમાં સૌથી વધુ ૯૫ દાવેદારોએ શક્તિપ્રદર્શન કરી ટિકિટ માટે દાવો ઠોક્યો

અમદાવાદ:અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આગામી ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે સત્તાધારી પક્ષ ભાજપમાં ટિકિટ મેળવવા માટે કાર્યકરોમાં ભારે ખેંચતાણ અને પડાપડી જોવા મળી રહી છે. શહેરના તમામ ૪૮ વોર્ડમાં ભાજપના નિરીક્ષકો દ્વારા હાથ ધરવામાં આવેલી 'સેન્સ' પ્રક્રિયા પૂર્ણ થઈ છે, જેમાં આશ્ચર્યજનક રીતે ૧૯૨ બેઠકો માટે કુલ ૨૩૬૪ દાવેદારોએ પોતાની દાવેદારી નોંધાવી છે. આ આંકડાઓ સ્પષ્ટ કરે છે કે પક્ષમાં સંગઠન સ્તરે ચૂંટણી લડવા માટે કાર્યકરોમાં જબરદસ્ત હોડ જામી છે અને દરેક બેઠક પર સરેરાશ ૧૨ થી વધુ ઉમેદવારો ટિકિટની રેસમાં દોડી રહ્યા છે, જે ભાજપ હાઈકમાન્ડ માટે પસંદગીની પ્રક્રિયાને કસોટી સમાન બનાવી દેશે.
મહિલા સશક્તિકરણના દાવાઓ વચ્ચે ભાજપમાં મહિલા કાર્યકરોનો ઉત્સાહ પણ આ વખતે આસમાને જોવા મળ્યો છે. શહેરમાં મહિલાઓ માટે અનામત રાખવામાં આવેલી ૯૬ બેઠકો પર ૧૦૩૪ મહિલાઓએ ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી બાયોડેટા જમા કરાવ્યા છે, જેનો અર્થ એ છે કે એક બેઠક પર સરેરાશ ૧૧ મહિલાઓ વચ્ચે સ્પર્ધા છે. બીજી તરફ, પુરુષો માટેની ૯૬ બેઠકો પર ૧૩૩૦ મુરતિયાઓએ દાવેદારી નોંધાવી છે, જ્યાં એક બેઠક પર ૧૪ થી વધુ દાવેદારો મેદાને છે. વોર્ડ મુજબની સ્થિતિ જોતા નિકોલ વોર્ડમાં સૌથી વધુ ૯૫ દાવેદારો સાથે ટિકિટની પડાપડી થઈ છે, જ્યારે મક્તમપુરા વોર્ડમાં સૌથી ઓછા ૧૬ કાર્યકરોએ જ રસ દાખવ્યો છે.
ભારતીય જનતા પાર્ટીની આ સેન્સ પ્રક્રિયામાં જ્ઞાતિ અને વર્ગ મુજબનું સમીકરણ પણ ખૂબ જ રસપ્રદ જોવા મળી રહ્યું છે. તમામ વર્ગના લોકોએ પક્ષના બેનર હેઠળ ચૂંટણી લડવા માટે ઉત્સાહ બતાવ્યો છે, જેના કારણે હવે પક્ષના મોવડી મંડળ સામે યોગ્ય અને જીતી શકે તેવા ઉમેદવાર પસંદ કરવાનું મોટું ધર્મસંકટ ઉભું થયું છે. આગામી દિવસોમાં આ ૨૩૬૪ દાવેદારોના નસીબનો ફેંસલો ભાજપનું હાઇકમાન્ડ કરશે અને તેમાંથી કયા ૧૯૨ ભાગ્યશાળી ઉમેદવારો પર પસંદગીનો કળશ ઢોળવામાં આવે છે તેના પર સૌની નજર ટકેલી છે. હાલ તો અમદાવાદના રાજકારણમાં 'સેન્સ' પ્રક્રિયાના આ આંકડાઓએ ભારે ગરમાવો લાવી દીધો છે.
(11:16 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
