તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 5th April 2026
'ખાખી'માં દેખાયા માનવતાના દર્શન: નર્મદા પરિક્રમામાં ભક્તોની ભીડ કાબૂ કરવા પોલીસે લાઠીને બદલે 'ભક્તિ'નો સહારો લીધો
ઉત્તરવાહિની નર્મદા પરિક્રમામાં ઉમટેલા લાખો શ્રદ્ધાળુઓના ઘોડાપૂરને વ્યવસ્થિત કરવા પોલીસે રામધૂન અને લોકસાહિત્યના સથવારે ભીડનું વ્યવસ્થાપન કરી પરિક્રમાર્થીઓનો થાક ઉતાર્યો અને પોલીસ-પ્રજા વચ્ચેના મિત્રતાભર્યા સંબંધોનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું

નર્મદા:ધાર્મિક આસ્થાના પ્રતીક સમાન ઉત્તરવાહિની નર્મદા પરિક્રમામાં અત્યારે શ્રદ્ધાળુઓનું મહેરામણ ઉમટી રહ્યું છે, ત્યારે નર્મદા પોલીસે 'ખાખી'નો એક અનોખો અને સંવેદનશીલ ચહેરો રજૂ કરીને સૌના દિલ જીતી લીધા છે. રજાના દિવસોમાં ભક્તોની સંખ્યા અચાનક વધી જતાં ભીડ બેકાબૂ બનવાની ભીતિ હતી, પરંતુ લાઠીચાર્જ કે કડક શિસ્તને બદલે પીઆઈ વી.કે. ગઢવી અને તેમની ટીમે ભક્તોને પ્રેમથી અટકાવી ભક્તિમય માર્ગ અપનાવ્યો હતો. લાઈનમાં ઉભેલા કંટાળેલા શ્રદ્ધાળુઓ માટે પોલીસે રામધૂન અને લોકસાહિત્યની રમઝટ બોલાવી હતી, જેના કારણે સુરક્ષા વ્યવસ્થા જળવાઈ રહેવાની સાથે સાથે પરિક્રમાર્થીઓમાં ઉત્સાહનો સંચાર થયો હતો.
અમદાવાદ અને વડોદરા જેવા શહેરોથી આવેલા પરિક્રમાર્થીઓએ પોલીસના આ અનોખા અભિગમના મુક્તકંઠે વખાણ કર્યા છે. ત્રીજી વખત પરિક્રમા કરી રહેલા ભક્તોના જણાવ્યા અનુસાર, અગાઉના વર્ષોમાં ભીડમાં જે ધક્કામુક્કી અને તણાવનો સામનો કરવો પડતો હતો, તેના બદલે આ વખતે પોલીસનો નરમ અને મનોરંજનભર્યો વ્યવહાર જોઈને તેમને માનસિક શાંતિનો અનુભવ થયો હતો. પીઆઈ ગઢવીની ટીમે માત્ર ભીડ જ કાબૂમાં નહોતી રાખી, પરંતુ લોકગીતો અને ધૂન દ્વારા પદયાત્રીઓનો શારીરિક થાક પણ હળવો કરી દીધો હતો. આ પ્રકારનો મિત્રતાભર્યો વ્યવહાર ધાર્મિક સ્થળોએ પોલીસ પ્રત્યેનો જનતાનો વિશ્વાસ વધુ મજબૂત બનાવે છે.
આ વર્ષે નર્મદા પરિક્રમામાં આશરે 15 લાખ જેટલા શ્રદ્ધાળુઓ ઉમટી પડવાની શક્યતાને જોતા વહીવટી તંત્ર અને પોલીસ પ્રશાસન હાઈ-એલર્ટ પર છે. પીઆઈ વી.કે. ગઢવીએ જણાવ્યું હતું કે, જ્યારે ભીડ મર્યાદા કરતા વધી જાય ત્યારે અફરાતફરી રોકવા માટે શ્રદ્ધાળુઓને થોડો સમય રોકવા અનિવાર્ય બને છે. આ પ્રતીક્ષાના સમયમાં લોકો કંટાળે નહીં અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી રામધૂન અને સાહિત્યનો આશરો લેવામાં આવ્યો હતો. પોલીસના આ 'ભક્તિ માર્ગ'ને કારણે પરિક્રમા પદયાત્રીઓ માટે યાદગાર બની ગઈ છે અને સોશિયલ મીડિયા પર પણ નર્મદા પોલીસની આ કામગીરીના ચોમેરથી વખાણ થઈ રહ્યા છે.
(11:15 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
