તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 4th April 2026
હોટલ-રેસ્ટોરન્ટમાં પનીરના નામે વેચાતા ‘એનાલોગ’ પનીર સામે સરકાર લાલઘૂમ : હવે મેન્યુકાર્ડ અને નોટિસ બોર્ડ પર ‘પનીર’ છે કે ‘વેજીટેબલ ફેટ પનીર’ તે સ્પષ્ટપણે દર્શાવવું ફરજિયાત : ગ્રાહકોને છેતરતા એકમો સામે થશે કડક કાયદેસરની કાર્યવાહી
ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, ગુજરાત રાજ્ય દ્વારા રાજ્યવ્યાપી ખાસ અભિયાનની જાહેરાત : દૂધના પનીરને બદલે વનસ્પતિ ચરબી અને સ્ટાર્ચમાંથી બનેલા મિશ્રણને પનીર તરીકે ખવડાવતા તત્વો સામે ફૂડ સેફ્ટી ઓફિસરોની ટીમો ત્રાટકશે

ગાંધીનગર: ગુજરાત રાજ્યમાં હોટલ, રેસ્ટોરન્ટ અને તૈયાર ખોરાકનું વેચાણ કરતા એકમોમાં પનીરના નામે ગ્રાહકોને પીરસવામાં આવતા ભેળસેળિયા પદાર્થો સામે સરકાર દ્વારા મોટું પગલું ભરવામાં આવ્યું છે. ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, ગાંધીનગર દ્વારા આજે તા. ૦૪/૦૪/૨૦૨૬ના રોજ એક મહત્વપૂર્ણ આદેશ બહાર પાડવામાં આવ્યો છે. આ આદેશ મુજબ, હવે દરેક ખાદ્ય વ્યવસાય સંચાલકોએ તેમના મેન્યુકાર્ડ અથવા નોટિસ બોર્ડ પર સ્પષ્ટપણે જણાવવું પડશે કે તેઓ વાસ્તવિક પનીરનો ઉપયોગ કરે છે કે "એનાલોગ" (Analogue) પનીરનો.
ગ્રાહકોને ભ્રમિત કરતી પ્રવૃત્તિઓ પર રોક:
તંત્રના ધ્યાન પર આવ્યું છે કે તાજેતરમાં બજારમાં વાસ્તવિક પનીરની જગ્યાએ "Analogue / Vegetable-Fat Paneer Alternative" તરીકે ઓળખાતા ઉત્પાદનોનો ઉપયોગ વધી રહ્યો છે. ઘણા સંચાલકો દૂધમાંથી બનતા શુદ્ધ પનીરને બદલે વેજીટેબલ ફેટ અને સ્ટાર્ચના મિશ્રણથી બનેલા આ એનાલોગ પદાર્થોને ગ્રાહકો સમક્ષ પનીર તરીકે રજૂ કરીને તેઓને છેતરી રહ્યા છે. આ પ્રકારની ભ્રામક પ્રથા અટકાવવા અને પારદર્શિતા લાવવા માટે સરકારે આ ખાસ અભિયાન હાથ ધર્યું છે.
નિયમોનું પાલન અને લેબલિંગની કડકાઈ:
ખાદ્ય સુરક્ષા અને સલામતી અધિનિયમ, ૨૦૦૬ અંતર્ગત ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અને યોગ્ય લેબલિંગ સુનિશ્ચિત કરવું અનિવાર્ય છે. નવા આદેશ અનુસાર:
* દરેક ખાદ્ય વ્યવસાયે ઉત્પાદન, પેકેજિંગ અને લેબલિંગમાં સંપૂર્ણ પારદર્શિતા રાખવી પડશે.
* જો પનીર આધારિત વાનગીઓમાં એનાલોગનો ઉપયોગ થતો હોય, તો ગ્રાહકોને તેની પૂર્વ જાણકારી આપવી ફરજિયાત છે.
* લેબલ પર પદાર્થના ઘટકો, ગુણવત્તા અને તેની પ્રકૃતિની સાચી માહિતી દર્શાવવી પડશે જેથી ગ્રાહકોમાં કોઈ ગેરસમજ ન થાય.
કડક કાર્યવાહીની ચેતવણી:
ફૂડ સેફ્ટી ઓફિસર્સ દ્વારા હવે રાજ્યભરમાં હોટલો અને અન્ય ખાણીપીણીના સ્થળોએ નિયમિત નિરીક્ષણ, ચકાસણી અને સેમ્પલિંગની કામગીરી હાથ ધરવામાં આવશે. ખાદ્ય સુરક્ષા અને સલામતી અધિનિયમ ૨૦૦૬ની વિવિધ કલમો તેમજ FSS (Food Products Standards & Food Additives) Regulations, 2011 અને FSS (Labelling & Display) Regulations, 2018 મુજબના નિયમોનું ઉલ્લંઘન કરનાર સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
ડેઝિગ્નેટેડ ઓફિસર (સ્ટેટ), ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા ગ્રાહકોને પણ અનુરોધ કરવામાં આવ્યો છે કે તેઓ કોઈપણ ખાદ્ય પદાર્થ ખરીદતી વખતે લેબલની માહિતી ધ્યાનપૂર્વક વાંચે. જો કોઈ શંકાસ્પદ કે ભ્રામક ઉત્પાદન જણાય, તો તાત્કાલિક નજીકની ખાદ્ય સુરક્ષા કચેરીનો સંપર્ક કરવો. આ પ્રેસ નોટ દ્વારા સમગ્ર રાજ્યમાં જનજાગૃતિ ફેલાવવા અને ખાદ્ય પદાર્થોની શુદ્ધતા જાળવવા પર ભાર મૂકવામાં આવ્યો છે.
(6:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
