તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 4th April 2026
ગાંધીનગરમાં મધરાતે રક્તરંજિત હિટ એન્ડ રન : પૂરપાટ ઝડપે આવતી લક્ઝરી કારે રેસ્ટોરન્ટના 18 વર્ષીય કર્મીને કચડ્યો : શુકન સ્કાય પાસે અકસ્માત સર્જી ચાલક કાર મૂકી ફરાર
પશ્ચિમ બંગાળથી રોજગારી માટે આવેલા હીમાંગશુ શર્માનું ગંભીર ઈજાઓ બાદ કરુણ મોત : ઇન્ફોસિટી પોલીસે કાર નંબરના આધારે ગુનો નોંધી અજાણ્યા ચાલકની શોધખોળ હાથ ધરી

ગાંધીનગર: રાજ્યના પાટનગરમાં બેફામ ગતિએ વાહન હંકારતા ચાલકોનો આતંક યથાવત છે, જેનો વધુ એક ભોગ એક આશાસ્પદ યુવાન બન્યો છે. ગાંધીનગરના કોબા સર્કલથી શહેર તરફ આવતા મુખ્ય માર્ગ પર ગત મોડી રાત્રે એક કંપારી છૂટી જાય તેવી હિટ એન્ડ રનની ઘટના પ્રકાશમાં આવી છે. આ ગમખ્વાર અકસ્માતમાં રસ્તો ક્રોસ કરી રહેલા 18 વર્ષીય યુવકને કાર ચાલકે અડફેટે લેતા તેનું સારવાર મળે તે પૂર્વે જ મોત નીપજ્યું છે.
ઘટનાની વિગત:
મૂળ પશ્ચિમ બંગાળનો વતની અને હાલ ગાંધીનગરના રાંદેસણ વિસ્તારમાં રહેતો 18 વર્ષીય હીમાંગશુ અર્જુનભાઈ શર્મા કુડાસણ સ્થિત 'ધ મસાલા સિક્રેટ' રેસ્ટોરન્ટમાં કિચન હેલ્પર તરીકે ફરજ બજાવતો હતો. ગત 3 એપ્રિલની રાત્રે આશરે સાડા અગિયાર વાગ્યાના સુમારે હીમાંગશુ કોબા સર્કલથી ગાંધીનગર તરફ આવતા રોડ પર શુકન સ્કાય એપાર્ટમેન્ટ પાસેથી પગપાળા પસાર થઈ રહ્યો હતો. આ દરમિયાન GJ-18-BN-6637 નંબરની કારના ચાલકે પોતાના કબજાનું વાહન પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી હીમાંગશુને જોરદાર ટક્કર મારી હતી.
સારવાર દરમિયાન મોત:
ટક્કર એટલી પ્રચંડ હતી કે હીમાંગશુ રોડ પર પટકાયો હતો અને તેને માથાના ભાગે તેમજ શરીરે જીવલેણ ઇજાઓ પહોંચી હતી. અકસ્માત સર્જાયા બાદ આસપાસના લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા અને 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. લોહીલુહાણ હાલતમાં યુવકને તાત્કાલિક ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના તબીબોએ તેને તપાસીને મૃત જાહેર કર્યો હતો.
પોલીસ કાર્યવાહી:
આ ઘટના અંગે રેસ્ટોરન્ટના મેનેજર આદિલભાઈ આરીફભાઈ પરમારે ઇન્ફોસિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ મુજબ, રેસ્ટોરન્ટના હેડ શેફ સુખદેવભાઈ ભટ્ટે તેમને અકસ્માત અંગે ટેલિફોનિક જાણ કરી હતી. અકસ્માત સર્જ્યા બાદ કાર ચાલક પોતાની ગાડી ઘટનાસ્થળે જ મૂકીને અંધારાનો લાભ ઉઠાવી ફરાર થઈ ગયો હતો. ઇન્ફોસિટી પોલીસે કારના નંબરના આધારે ગુનો નોંધીને ફરાર ચાલકની અટકાયત કરવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
(4:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
