તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 4th April 2026
કોંગ્રેસના ‘ચાણક્ય' અને સૌરાષ્ટ્રના પનોતા પુત્ર શક્તિસિંહ ગોહિલનો આજે જન્મદિવસ

રાજકોટઃ ગુજરાત રાજકારણના કદાવર નેતા, પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ અને રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલ આજે જન્મદિવસ છે. ભાવનગરના લીમડા રાજવી પરિવારમાં જન્મેલા શક્તિસિંહ માત્ર લોહીથી જ રાજવી નથી, પરંતુ તેમના સંસ્કારો અને રાજકીય શુદ્ધતામાં પણ તે ખાનદાની દેખાઈ આવે છે.
વિપક્ષમાં હોવા છતાં સત્તાધારી પક્ષના નેતાઓ પણ જેમના જ્ઞાન અને તર્કબદ્ધ રજૂઆતના ચાહક છે, તેવા શક્તિસિહનો જન્મ ૪ એપ્રિલ, ૧૯૬૦ના રોજ થયો હતો.
શક્તિસિંહ ગોહિલ પાસે માત્ર રાજકીય વારસો જ નથી, પરંતુ તેઓ શૈક્ષણિક રીતે પણ ખૂબ જ સજ્જ છે. LL.M.ની પદવી ધરાવતા શ્રી ગોહિલ કાયદાના નિષ્ણાત મનાય છે. વર્ષ ૧૯૯૦માં તેઓ પ્રથમ વખત ધારાસભ્ય બન્યા અને માત્ર ૩૦ વર્ષની વયે રાજ્ય સરકારમાં મંત્રી બનીને સૌથી યુવા મંત્રી હોવાનું બહુમાન મેળવ્યું હતું. તેમણે શિક્ષણ, આરોગ્ય અને નર્મદા જેવા મહત્વના વિભાગો સંભાળીને પોતાની વહીવટી કુશળતા સાબિત કરી હતી. ગુજરાત વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન તેમણે સરકારને અનેકવાર ભીંસમાં લીધી હતી.
શક્તિસિંહના જીવનનો સૌથી યાદગાર કિસ્સો ૧૯૯૪નો છે. જ્યારે ભાવનગરને મેડિકલ કોલેજ આપવાની વાત આવી અને તેમાં વિલંબ થયો, ત્યારે તેમણે જનહિતમાં પોતાના મંત્રીપદ પરથી રાજીનામું ધરી દીધું હતું. સત્તાના મોહ વગર લોકોના પ્રશ્નો માટે લડવાની તેમની આ વૃત્તિએ તેમને ગુજરાતના લોકપ્રિય નેતા બનાવ્યા છે. રાષ્ટ્રીય કક્ષાએ બિહાર અને દિલ્હી જેવા રાજ્યોના પ્રભારી તરીકે પણ તેમણે કોંગ્રેસ પક્ષમાં મહત્વની ભૂમિકા ભજવી છે.
હાલમાં જ્યારે ગુજરાત કોંગ્રેસ કપરા સમયમાંથી પસાર થઈ રહી છે, ત્યારે હાઈકમાન્ડે ફરી એકવાર શક્તિસિહ પર ભરોસો મૂકીને તેમને પ્રદેશ અધ્યક્ષની જવાબદારી સોંપી છે. તેમના જન્મદિવસ નિમિત્તે આજે વહેલી સવારથી જ સોશિયલ મીડિયા પર અને રૂબરૂ મળીને શુભેચ્છાઓનો ધોધ વહી રહ્યો છે.
(11:58 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
