તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 3rd April 2026
પાલીતાણાના શેત્રુંજય ડુંગર પર અચાનક ભીષણ આગ ફાટી નીકળતા તંત્રમાં દોડધામ
ડુંગર પર આવેલા 108 મંદિર નજીકના વિસ્તારમાં લાગેલી આગ જોતજોતામાં પ્રસરી ગઈ:મોટી માત્રામાં વનરાજી બળીને ખાખ થઈ હોવાની આશંકા

જૈન ધર્મના સુપ્રસિદ્ધ તીર્થધામ પાલીતાણાના શેત્રુંજય ડુંગર પર આજે અચાનક ભીષણ આગ ફાટી નીકળતા તંત્રમાં દોડધામ મચી ગઈ છે. ડુંગર પર આવેલા 108 મંદિર નજીકના વિસ્તારમાં લાગેલી આ આગ જોતજોતામાં પ્રસરી ગઈ હતી, જેના કારણે મોટી માત્રામાં વનરાજી બળીને ખાખ થઈ હોવાની આશંકા સેવાઈ રહી છે. ઉનાળાની શરૂઆતમાં જ લાગેલી આ આગને પગલે વન વિભાગ અને સ્થાનિક તંત્ર હરકતમાં આવ્યું છે.
શેત્રુંજય ડુંગર પર જ્યાં શ્રદ્ધાળુઓની મોટી અવરજવર હોય છે તેવા 108 મંદિરના પટ્ટણ વિસ્તારમાં અચાનક ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. આગની જાણ થતા જ પાલીતાણા વન વિભાગની ટીમ અને ફાયર ફાઇટરોનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો છે. જોકે, ડુંગર પર પવનની ગતિ વધુ હોવાથી આગ પર કાબૂ મેળવવામાં મુશ્કેલીઓ પડી રહી છે. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી.
ઉલ્લેખનીય છે કે, શેત્રુંજય પર્વતમાળા માત્ર ધાર્મિક રીતે જ નહીં પણ પર્યાવરણની દ્રષ્ટિએ પણ અત્યંત મહત્વની છે. આ વિસ્તારમાં સિંહ સહિતના હિંસક વન્યજીવો અને અન્ય દુર્લભ પશુ-પક્ષીઓ વસવાટ કરે છે. આગની આ ઘટનાને કારણે વન્યજીવોના રહેઠાણ અને તેમના જીવ પર મોટું જોખમ ઉભું થયું છે. વન વિભાગ દ્વારા આગને વધુ પ્રસરતી અટકાવવા માટે યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી છે. સ્થાનિક સેવાભાવી સંસ્થાઓ અને લોકો પણ આગ બુઝાવવાના પ્રયાસોમાં સહભાગી થઈ રહ્યા છે.
(12:10 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
