<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 2nd April 2026

મહેસાણા મહાનગરપાલિકાની પ્રથમ ઐતિહાસિક ચૂંટણીને લઈને ભાજપની સેન્સ પ્રક્રિયા : 450 થી વધુ દાવેદારો મેદાનમા આવ્યા

કુલ 13 વોર્ડની 52 બેઠકો માટે પક્ષમાં આંતરિક સ્પર્ધા ચરમસીમાએ પહોંચી: સરેરાશ એક બેઠક દીઠ 8 થી 9 ઉમેદવારો મેદાનમાં હોવાથી પસંદગી સમિતિ માટે પસંદગી કરવી પડકારજનક

મહેસાણા નગરપાલિકાનું અપગ્રેડેશન થયા બાદ અસ્તિત્વમાં આવેલી નવી મહાનગરપાલિકાની પ્રથમ ઐતિહાસિક ચૂંટણીને લઈને ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. આગામી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી માટે સત્તાધારી પક્ષ ભાજપે પોતાની વ્યૂહાત્મક તૈયારીઓના ભાગરૂપે ઉમેદવારોની પસંદગી માટે 'સેન્સ' લેવાની પ્રક્રિયાનો વિધિવત પ્રારંભ કર્યો છે. કુલ 13 વોર્ડની 52 બેઠકો માટે પક્ષમાં આંતરિક સ્પર્ધા ચરમસીમાએ પહોંચી છે, જેમાં ટિકિટ મેળવવા માટે 450 થી વધુ મૂરતિયાઓએ દાવેદારી નોંધાવતા સંગઠન સ્તરે પણ ભારે ઉત્સાહ અને રસાકસીનો માહોલ જોવા મળી રહ્યો છે. ભાજપના આંતરિક સૂત્રોના જણાવ્યા અનુસાર, સરેરાશ એક બેઠક દીઠ 8 થી 9 ઉમેદવારો મેદાનમાં હોવાથી પસંદગી સમિતિ માટે મજબૂત નેતૃત્વ પસંદ કરવાનું કામ પડકારજનક બની રહેશે.

 

પક્ષના હાઈકમાન્ડ દ્વારા નિમણૂક કરાયેલા નિરીક્ષકોની પેનલ દ્વારા બે દિવસીય સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જેમાં કેબિનેટ મંત્રી પ્રદ્યુમ્ન વાંઝા, કચ્છ જિલ્લા ભાજપના પૂર્વ મહામંત્રી જયસુખ પટેલ અને પ્રદેશ કારોબારી સભ્ય જીજ્ઞાબેન પંડ્યા દાવેદારોના બાયોડેટા અને રજૂઆતોનું નિરીક્ષણ કરી રહ્યા છે. પ્રક્રિયાના પ્રથમ દિવસે વોર્ડ નંબર 1 થી 6 ના કાર્યકરો અને આગેવાનોના મંતવ્યો સાંભળવામાં આવ્યા હતા, જ્યારે બીજા દિવસે વોર્ડ નંબર 7 થી 13 ના દાવેદારો પોતાની રજૂઆત કરશે. આ પ્રક્રિયામાં જ્ઞાતિગત સમીકરણો, વફાદારી અને સ્થાનિક વિસ્તારમાં ઉમેદવારની પકડને મુખ્ય માપદંડ તરીકે ગણવામાં આવી રહ્યા છે.

 

મહેસાણામાં મહાનગરપાલિકાની સ્થાપના બાદ આ પ્રથમ ચૂંટણી હોવાથી ભાજપ કોઈ પણ પ્રકારની કચાશ રાખવા માંગતું નથી. ભૌગોલિક અને વસ્તીની દ્રષ્ટિએ વિસ્તરેલી આ નવી કોર્પોરેશનમાં સત્તાના સૂત્રો હાંસલ કરવા માટે પક્ષ દ્વારા 'જીતી શકે તેવા' ચહેરાઓ પર જ પસંદગીનો કળશ ઢોળવામાં આવશે તેવી ચર્ચા છે. નિરીક્ષકો દ્વારા તૈયાર કરવામાં આવેલો રિપોર્ટ પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડને સોંપવામાં આવશે, જ્યાં આખરી નામો પર મહોર મારવામાં આવશે. આ ચૂંટણી માત્ર મહેસાણા શહેર જ નહીં, પરંતુ સમગ્ર ઉત્તર ગુજરાતના રાજકીય પ્રભુત્વ માટે પક્ષો માટે લિટમસ ટેસ્ટ સમાન સાબિત થશે.

 

(11:03 PM IST)