તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 2nd April 2026
અમદાવાદના બારેજામાં પ્રેમ પ્રકરણ અને બહેનના સોનાના હારના વિવાદમાં પરિણીતાનો આપઘાત: પતિ, સાસુ અને પ્રેમી સહિત ૪ની ધરપકડ
પરિણીતાને બારેજાના જ સમીર ઉર્ફે ગુડ્ડુ કાદરખાન નામના શખ્સ સાથે પ્રેમસંબંધ હતો.

અમદાવાદ નજીકના બારેજા ગામમાં એક હચમચાવી મૂકે તેવી ઘટના સામે આવી છે. એક પરિણીતાએ પ્રેમ પ્રકરણ અને બહેને પહેરવા આપેલા સોનાના હારના વિવાદમાં ફસાઈને ઘઉંમાં નાખવાની ઝેરી દવા પીને પોતાનું જીવન ટૂંકાવી લીધું છે. પ્રાપ્ત માહિતી અનુસાર, બાવળાના રહેવાસી એવા મૃતકના ભાઈએ પોલીસમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, તેની બહેનના લગ્ન વર્ષ ૨૦૧૭માં બારેજાના અમિત રમેશભાઈ બેલદાર સાથે થયા હતા. પરિણીતાને બારેજાના જ સમીર ઉર્ફે ગુડ્ડુ કાદરખાન નામના શખ્સ સાથે પ્રેમસંબંધ હતો.
એક પ્રસંગમાં પહેરવા માટે સગી બહેને આપેલો સોનાનો હાર પરિણીતાએ પોતાના પ્રેમી સમીરને આપી દીધો હતો. સમીરે આ હાર પોતાના ભાઈ મુસ્તુફા મારફતે એક જ્વેલર્સને ત્યાં ગીરવે મૂકી દીધો હતો અને વારંવાર માંગવા છતાં પરત નહોતો આપતો.
બીજી તરફ, હાર પરત લાવવા પતિ અમિત અને સાસુ મંજુલાબેન (ટીનીબેન) દ્વારા અસહ્ય શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. મારઝૂડના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. પ્રેમીના દગા અને સાસરિયાઓના ત્રાસથી કંટાળીને પરિણીતાએ ઝેર પી લેતા તેનું અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં મોત નીપજ્યું છે. પોલીસે પતિ, સાસુ, પ્રેમી અને એક મહિલા સહિત ૪ લોકોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
(6:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
