તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 2nd April 2026
સાણંદના છારોડીમાં SMCનો મેગા રેડ : પીઆઈ એ.જે. ચૌહાણની ટીમે 1.15 કરોડનો મુદ્દામાલ ઝડપ્યો : મુખ્ય આરોપી ઈમરાન ઉર્ફે ઓબામા સહિત 9 શખ્સો સામે ગુનો : જુઓ વિડીયો
માનસી ઇન્ડસ્ટ્રીઝના ખુલ્લા પ્લોટમાં ચાલતા દારૂના કટિંગ પર ત્રાટકી પોલીસ : 81.92 લાખની કિંમતની 11,332 વિદેશી દારૂની બોટલો અને 33 લાખના વાહનો જપ્ત : જુમ્માખાન પઠાણની ધરપકડ

સાણંદ:રાજ્ય સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં દારૂબંધીના કાયદાનો કડક અમલ કરાવવા માટે એક મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સાણંદ-વિરમગામ હાઈવે પર આવેલા છારોડી ગામ પાસે માનસી ઇન્ડસ્ટ્રીઝના ખુલ્લા પ્લોટમાં વિદેશી દારૂનું કટિંગ ચાલી રહ્યું હોવાની ચોક્કસ બાતમીના આધારે એસએમસીના પીઆઈ એ.જે. ચૌહાણ અને તેમની ટીમે દરોડો પાડ્યો હતો. આ દરોડા દરમિયાન પોલીસને મોટી સફળતા સાંપડી છે અને લાખોની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે.
દારૂનો અધધ જથ્થો અને મુદ્દામાલ જપ્ત:
પોલીસની તપાસ દરમિયાન પ્લોટમાંથી અલગ-અલગ બ્રાન્ડની કુલ 11,332 વિદેશી દારૂની બોટલો મળી આવી હતી, જેની બજાર કિંમત અંદાજે ₹81,92,782 જેટલી થવા જાય છે. આ દારૂનો જથ્થો રાજસ્થાન અને પંજાબની વિવિધ ડિસ્ટિલરીઓમાં બનાવવામાં આવ્યો હોવાનું ખુલ્યું છે. આ ઉપરાંત, પોલીસે સ્થળ પરથી ₹33,00,000 ની કિંમતના 3 વાહનો (ડમ્પર, ઇનોવા અને અન્ય ગાડીઓ), મોબાઈલ ફોન અને રોકડ રકમ મળી કુલ ₹1,15,00,192 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
ધરપકડ અને વોન્ટેડ આરોપીઓની યાદી:
દરોડા દરમિયાન પોલીસે સ્થળ પરથી એક આરોપી જુમ્માખાન ભલજીખાન પઠાણ (રહે. છારોડી) ની ધરપકડ કરી તેને સાણંદ જીઆઈડીસી પોલીસ સ્ટેશનને સોંપ્યો છે. જોકે, આ કેસનો મુખ્ય સૂત્રધાર ઈમરાન ઉર્ફે ઓબામા દિલાવરખાન મલેક (રહે. પીપળી, દસાડા) સહિત અન્ય 9 આરોપીઓ હાલ ફરાર છે, જેમને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે. વોન્ટેડ આરોપીઓમાં બિલ્કીશબાનુ હનીફખાન મલેક, સોહિલ વઘેલા, અબ્બાસ વઘેલા તેમજ ડમ્પર અને ઇનોવા કારના માલિકો તથા ડ્રાઈવરોનો સમાવેશ થાય છે. આ સિવાય અન્ય 5 થી 6 અજાણ્યા શખ્સો સામે પણ ગુનો નોંધવામાં આવ્યો છે.
કડક કાયદાકીય કાર્યવાહી:
આ સમગ્ર મામલે સાણંદ જીઆઈડીસી પોલીસ મથકે ગુજરાત પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો 65(એ)(ઈ), 81, 83, 98(2) અને 116(બી) મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. એસએમસીની આ સફળ કામગીરીથી અમદાવાદ ગ્રામ્ય પંથકના બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે. હાલ પોલીસ વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા માટે અલગ-અલગ દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
(6:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
