News of Tuesday, 31st March 2026
નર્મદા જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓનો માહોલ ગરમાયો:ભાજપની સેન્સ પ્રક્રિયામાં ઉમેદવારોનો ઘસારો
સંગઠનાત્મક માળખામાં પોતાની દાવેદારી મજબૂત કરવા માટે અનેક સ્તરના કાર્યકરો અને સ્થાનિક નેતાઓએ પોતપોતાના બાયોડેટા અને ફોર્મ રજૂ કર્યા

નર્મદા જિલ્લામાં સ્થાનિક સ્વરાજની આગામી ચૂંટણીઓનો માહોલ ગરમાયો છે, જે અંતર્ગત ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારોની પસંદગી માટેની મહત્ત્વપૂર્ણ 'સેન્સ' પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. રાજપીપલા સ્થિત ભાજપના જિલ્લા કાર્યાલય 'કમલમ' ખાતે પ્રદેશ કક્ષાએથી નિયુક્ત કરવામાં આવેલા નિરીક્ષકોની ઉપસ્થિતિમાં આ પ્રક્રિયા યોજાઈ હતી. રાજ્યમાં સત્તાધારી પક્ષ તરીકે ભાજપમાં ટિકિટ મેળવવા માટે કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો, જેના પરિણામે વહેલી સવારથી જ કાર્યાલય પર મુરતિયાઓનો ભારે ધસારો જોવા મળ્યો હતો. સંગઠનાત્મક માળખામાં પોતાની દાવેદારી મજબૂત કરવા માટે અનેક સ્તરના કાર્યકરો અને સ્થાનિક નેતાઓએ પોતપોતાના બાયોડેટા અને ફોર્મ રજૂ કર્યા હતા.
ચૂંટણી પ્રક્રિયાના આ પ્રથમ ચરણમાં ખાસ કરીને નર્મદા જિલ્લા પંચાયત, નાંદોદ, ગરુડેશ્વર, સાગબારા, તિલકવાડા અને ડેડીયાપાડા એમ 5 તાલુકા પંચાયતો તેમજ રાજપીપલા નગરપાલિકાના 7 વોર્ડની 28 બેઠકો માટે ઉમેદવારોએ પોતાની દાવેદારી નોંધાવી હતી. નિરીક્ષકોએ દરેક બેઠકના સમીકરણો સમજીને વ્યક્તિગત અને સામૂહિક રીતે કાર્યકરો સાથે સંવાદ કર્યો હતો. સામાન્ય રીતે સેન્સ પ્રક્રિયામાં ઉમેદવારની પક્ષ પ્રત્યેની વફાદારી, સ્થાનિક સ્તરે જનસંપર્ક, જીતવાની ક્ષમતા અને સામાજિક સમીકરણોને મુખ્ય આધાર બનાવવામાં આવે છે. મોડી સાંજ સુધી ચાલેલી આ કવાયતમાં હજારોની સંખ્યામાં ફોર્મ ભરાયા હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.
હાલમાં ભાજપ દ્વારા "નો રિપીટ થીયરી" કે વય મર્યાદાના કડક નિયમો લાગુ કરવામાં આવશે કે કેમ, તે અંગે કાર્યકરોમાં ભારે કુતૂહલ જોવા મળી રહ્યું છે. નિરીક્ષકો દ્વારા તૈયાર કરવામાં આવેલો આ વિગતવાર અહેવાલ હવે પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ રજૂ કરવામાં આવશે, જ્યાં આખરી મહોર મારવામાં આવશે. આ પ્રક્રિયા દરમિયાન પક્ષના આંતરિક જૂથવાદને ડામવા અને સક્ષમ ચહેરાઓને તક આપવા પર ભાર મૂકવામાં આવ્યો છે. આગામી દિવસોમાં જ્યારે સત્તાવાર યાદી જાહેર થશે ત્યારે જ સ્પષ્ટ થશે કે કયા જૂના જોગીઓનું પત્તું કપાય છે અને કયા નવા ચહેરાઓને ચૂંટણીના મેદાનમાં ઉતારવામાં આવે છે. નર્મદા જિલ્લાની આ ચૂંટણીઓ આગામી વિધાનસભા કે લોકસભાના સમીકરણો માટે પણ સૂચક માનવામાં આવી રહી છે.
(10:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
