<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 31st March 2026

અમદાવાદ એલિસબ્રિજમાં રહેણાંક મકાનોમાં નજર ચૂકવી મોબાઈલની ચોરી કરતી મહિલા ચોર ઝડપાઇ

-રીઢી મહિલા ખુલ્લા દરવાજાવાળા મકાનોમાં પ્રવેશી કિંમતી મોબાઈલ ચોરી લેતી:પોલીસે બાતમીના આધારે આ મહિલાની અટકાયત કરી:ચોરીના પાંચ મોબાઈલ ફોન કબજે કર્યા

અમદાવાદમાં ઘરફોડ ચોરી અને મોબાઈલ સ્નેચિંગની ઘટનાઓ વચ્ચે એલિસબ્રિજ પોલીસે એક રીઢા મહિલા ચોરને ઝડપી પાડવામાં મોટી સફળતા મેળવી છે. આ મહિલા રહેણાંક મકાનોમાં નજર ચૂકવીને પ્રવેશી જતી હતી અને મોબાઈલ ફોનની ચોરી કરીને ફરાર થઈ જતી હતી. પોલીસે બાતમીના આધારે આ મહિલાની અટકાયત કરી તેની પાસેથી ચોરીના પાંચ મોબાઈલ ફોન કબજે કર્યા છે. 

એલિસબ્રિજ વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી ઘરમાંથી મોબાઈલ ગાયબ થવાની ફરિયાદો ઉઠી હતી. આ મામલે એલિસબ્રિજ પોલીસ મથકના સ્ટાફે સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસ તેજ કરી હતી. તપાસ દરમિયાન એક શંકાસ્પદ મહિલા પોલીસના હાથે ઝડપાઈ હતી. મહિલાની સઘન પૂછપરછ અને જડતી લેતા તેની પાસેથી અલગ-અલગ કંપનીના કુલ પાંચ મોબાઈલ ફોન મળી આવ્યા હતા, જેની તે યોગ્ય જાણકારી આપી શકી નહોતી.

પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, આ મહિલા એકલી જ ચોરીની ઘટનાઓને અંજામ આપતી હતી. તે રહેણાંક વિસ્તારોમાં રેકી કરતી અને જે ઘરનો દરવાજો ખુલ્લો હોય અથવા જ્યાં લોકોની અવરજવર ઓછી હોય ત્યાં ઘૂસી જઈ કિંમતી મોબાઈલ ચોરી લેતી હતી. એલિસબ્રિજ પોલીસે ચોરીના મુદ્દામાલ સાથે મહિલાની ધરપકડ કરી છે અને તેની પૂછપરછમાં શહેરના અન્ય કયા વિસ્તારોમાં તેણે આ પ્રકારની ચોરીઓ કરી છે તે દિશામાં તપાસ શરૂ કરી છે.

(12:06 AM IST)