<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 30th March 2026

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આ સપ્તાહે જાહેર થવાની શકયતા :બુધવારે પ્રસિદ્ધ કરાશે આખરી મતદાર યાદી

આખરી પ્રસિદ્ધ થયેલી મતદાર યાદી (પુરવણી સહિત)ની બે નકલો (એક છાપેલી અને બીજી ફોટો વગરની સોફ્ટકોપી PDF સ્વરૂપે) નિયમોનુસાર માન્ય રાજકીય પક્ષોને પૂરી પાડવામાં આવશે.

અમદાવાદ :રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની ઘોષણા એકાદ સપ્તાહમાં થઈ શકે છે. રાજ્ય ચૂંટણી પંચ દ્વારા આગામી 1 એપ્રિલ, 2026ના રોજ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની આખરી મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવનારી છે. આ ચૂંટણીઓમાં 15 મહાનગરપાલિકાઓ, 84 નગરપાલિકાઓ, 34 જિલ્લા પંચાયતો અને 260 તાલુકા પંચાયતોની સામાન્ય ચૂંટણીઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, કેટલીક નગરપાલિકાઓની ખાલી પડેલી બેઠકો માટે પેટાચૂંટણીઓ પણ યોજાશે.

સ્થાનિક સ્વરાજ્યની આ સંસ્થાઓ માટેની મતદાર યાદી ગુજરાત વિધાનસભાની તૈયાર થયેલી અધ્યતન મતદાર યાદીના આધારે તૈયાર કરવામાં આવી છે. અગાઉ, 23 માર્ચ, 2026ના રોજ તેની પ્રાથમિક પ્રસિદ્ધિ કરવામાં આવી હતી. હવે, સંબંધિત કાયદા અને નિયમોની જોગવાઈ મુજબ, 1 એપ્રિલ, 2026ના રોજ મતદાર યાદી (પુરવણી સહિત)ની આખરી પ્રસિદ્ધિ નિર્ધારિત સ્થળોએ કરવામાં આવશે. આખરી પ્રસિદ્ધિ બાદ તેનો અહેવાલ ચૂંટણી પંચને સુપરત કરવાનો રહેશે.

ખાસ નોંધનીય છે કે, જિલ્લા અને તાલુકા પંચાયતોના મતદાર વિભાગો માટેની આખરી મતદાર યાદીમાં ગુજરાત પંચાયત અધિનિયમ, 1993ની કલમ-20(6) અને રાજ્ય ચૂંટણી આયોગના 1995ના આદેશ મુજબ, ઉમેદવારી પત્રો રજૂ કરવાની છેલ્લી તારીખ સુધી નવા નામો ઉમેરી શકાશે, સુધારા કરી શકાશે અને નામો રદ કરી શકાશે. આ અંગે તમામ મતદાર નોંધણી અધિકારીઓને જાણ કરવા સૂચના આપવામાં આવી છે.

આખરી પ્રસિદ્ધ થયેલી મતદાર યાદી (પુરવણી સહિત)ની બે નકલો (એક છાપેલી અને બીજી ફોટો વગરની સોફ્ટકોપી PDF સ્વરૂપે) નિયમોનુસાર માન્ય રાજકીય પક્ષોને પૂરી પાડવામાં આવશે. ચૂંટણી પ્રક્રિયા માટે જરૂરી હોય તેટલી નકલો તૈયાર રાખવા માટે પૂર્વ આયોજન હાથ ધરવા પણ સૂચના અપાઈ છે. આ વિગતો અંગે મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ, જિલ્લા પંચાયતો અને તાલુકા પંચાયતોના મતદાર નોંધણી અધિકારીઓને તાત્કાલિક જાણ કરવા જણાવાયું છે.

(1:13 PM IST)