<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 30th March 2026

ઇન્‍સ્‍ટાગ્રામ પરથી ૯ રૂપિયા કિલો ડુંગળી ખરીદવા ગયેલા વેપારીએ ૫૦ હજાર ગુમાવ્‍યા

સાયબર માફિયાએ વિવિધ મોડસ ઓપરેન્‍ડીથી નાણાં ખંખેર્યાના વિચિત્ર બનાવો : ગેમ રમતા રમતા અજાણી એપ્‍લિકેશન ડાઉનલોડ કરનાર યુવકનો ફોન હેક થયો, ૯૯ હજારનું સાયબર ફ્રોડ

અમદાવાદ તા.૩૦: સાયબર માફિયાઓએ વિવિધ મોડસ ઓપરેન્‍ડીથી લોકોના નાણાં ખંખેરી લીધા હોવાના વિચિત્ર કિસ્‍સા પ્રકાશમાં આવ્‍યા છે. જમાલપુરના એક વેપારીએ ઈન્‍સ્‍ટાગ્રામ પર સસ્‍તા ભાવે ડુંગળી ખરીદવા સર્ચ કર્યું હતું. બાદમાં એક આઇડી પર ફોટો વીડિયો જોઈને તેમાં આપેલા નંબર પર ફોન કરીને ૯ રૂ. કિલો ડુંગળી લેખે ૧૨ ટન ડુંગળીની ડીલ કરીને ઓનલાઈન પેમેન્‍ટ કર્યું હતું. વેપારીએ ૫૦ હજાર આપતા જ ગઠિયાએ ફોન બંધ કરી દીધો હતો. જ્‍યારે અન્‍ય બનાવમાં ગેમ રમતા રમતા અજાણી એપ્‍લિકેશન ડાઉનલોડ કરનાર યુવકનો ફોન હેક થયા બાદ રૂ. ૯૯ હજાર ટ્રાન્‍સફર થઈ ગયા હતા. બંને બનાવને લઈને પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ગાયકવાડ પોલીસ સ્‍ટેશન પાસે રહેતો ૩૪ વર્ષીય યુવક જમાલપુર બજારમાં ડુંગળીનો હોલસેલ વેપાર કરે છે. થોડા દિવસ પહેલા વેપારીએ ડુંગળીની ખરીદી માટે ઈન્‍સ્‍ટાગ્રામ પર સર્ચ કર્યું હતું. ત્‍યારે એક આઈડી પર સસ્‍તી ડુંગળીનો વીડિયો અને ફોટો જોતા તેમાં આપેલા નંબર પર તેણે મેસેજ કર્યો હતો. જેથી સામેવાળાએ ડુંગળીના ફોટો અને વીડિયો મોકલીને એક કિલોના રૂ. ૯ ભાવ જણાવ્‍યો હતો. વેપારીએ ૧૨ ટન ડુંગળી ખરીદવાની વાત કરતા સામેવાળાએ ૨ રૂ. ભાડુ અને ૯ રૂપિયે કિલો ડુંગળી આપવાની વાત કરી હતી. જેથી વેપારીએ ઓનલાઈન નાણાં પણ ચુકવ્‍યા હતા. સામેવાળાએ ડુંગળીનો જથ્‍થો મોકલી આપવાનું કહીને બે ત્રણ દિવસ સુધી માલ ન મોકલીને છેતરપિડી આચરી હતી. જેથી વેપારીએ ૫૦ હજારનું સાયબર ફ્રોડ આચરનાર સામે ફરિયાદ નોંધાવતા ગાયકવાડ હવેલી પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

 જ્‍યારે સરસપુરમાં રહેતો ૩૬ વર્ષીય યુવક મોબાઈલ ફોનમાં ગેમ રમતો હતો. ત્‍યારે અલગ અલગ એપ્‍લિકેશન ડાઉનલોડ કરવાની જાહેરાત આવી હતી. જેથી યુવકે એપ્‍લિકેશન ડાઉનલોડ કરી અને ખોલતા જ અચાનક ફોન હેક થઈ ગયો હતો. જેથી ગભરાયેલા યુવકે ફોન ઘરમાં મૂકી દીધો હતો. રાત્રે તે નજીકની દુકાનમાં દૂષ લેવા ગયો અને ૩૦ રૂ. ઓનલાઈન પેમેન્‍ટ કર્યું હતું. પેમેન્‍ટ કરતા જ તેના ફોનમાં ખાતામાંથી રૂ. ૯૯ હજાર કપાઈ ગયાનો મેસેજ આવ્‍યો હતો. જેથી યુવકે બેંકમાં જઈને તપાસ કરતા અજાણ્‍યા વ્‍યક્‍તિએ તેના ખાતામાંથી રૂ. ૯૯ હજાર ઓનલાઈન ટ્રાન્‍સફર કર્યા હોવાની જાણ થઈ હતી. યુવકે શહેરકોટડા પોલીસ સ્‍ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

(1:13 PM IST)