News of Sunday, 29th March 2026
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના નગારા વાગવાની તૈયારી : ૧ એપ્રિલે આખરી મતદાર યાદી પ્રસિદ્ધ થયા બાદ ગમે ત્યારે જાહેરનામું બહાર પડશે
જિલ્લા-તાલુકા પંચાયત અને નગરપાલિકાઓમાં વહીવટદારોના શાસનનો અંત આવશે : એપ્રિલ માસના અંત સુધીમાં મતદાન પ્રક્રિયા હાથ ધરાવાની શક્યતાને પગલે ભાજપ, કોંગ્રેસ અને આપ દ્વારા સેમીફાઈનલ જંગ માટે કમર કસાઈ

ગાંધીનગર:ગુજરાતમાં લાંબા સમયથી જેની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી છે તેવી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ (Local Body Election) ને લઈને રાજકીય ગરમાવો તેજ બન્યો છે. રાજ્ય ચૂંટણી પંચ દ્વારા ચૂંટણીની તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. મળતી વિગતો અનુસાર, આગામી ૧ એપ્રિલના રોજ રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ માટેની આખરી મતદાર યાદી જાહેર કરવામાં આવશે. આ યાદી પ્રસિદ્ધ થયા બાદ રાજ્યમાં ગમે ત્યારે ચૂંટણીનું સત્તાવાર જાહેરનામું બહાર પડી શકે છે, જેને પગલે વહીવટી તંત્ર અને રાજકીય પક્ષોમાં ભારે સળવળાટ જોવા મળી રહ્યો છે.
વહીવટદારોના શાસનનો આવશે અંત:
વર્તમાન સમયમાં રાજ્યની અનેક જિલ્લા પંચાયતો, તાલુકા પંચાયતો અને નગરપાલિકાઓમાં ચૂંટાયેલી પાંખની મુદત પૂર્ણ થઈ ગઈ હોવાથી વહીવટદારો દ્વારા શાસન ચલાવવામાં આવી રહ્યું છે. જનતાના પ્રતિનિધિઓની પસંદગી માટેનો તખ્તો હવે નિર્ણાયક તબક્કે પહોંચ્યો છે. ૧ એપ્રિલ પછી ગમે તે ક્ષણે ચૂંટણી પંચ મતદાનની તારીખો જાહેર કરે તેવી પૂરેપૂરી સંભાવના છે. વહીવટી તંત્ર દ્વારા મતદાર યાદી સુધારણા, નવા મતદારોના નામ ઉમેરવા, મતદાન મથકોનું લિસ્ટિંગ અને ઇવીએમ (EVM) ચેકિંગ જેવી તમામ ટેકનિકલ પ્રક્રિયાઓ પૂર્ણ કરી લેવામાં આવી છે.
રાજકીય પક્ષો માટે સેમીફાઈનલ જંગ:
આ ચૂંટણીઓને આગામી મોટા જંગ પહેલાની 'સેમીફાઈનલ' માનવામાં આવી રહી છે. સત્તાધારી પક્ષ ભાજપ સહિત વિરોધ પક્ષ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ પાયાના સ્તરે સંગઠનને મજબૂત કરવા માટે અત્યારથી જ દોડધામ શરૂ કરી દીધી છે. ગ્રામીણ અને શહેરી વિસ્તારોના સ્થાનિક પ્રશ્નો તેમજ વિકાસના કામો આ વખતે ચૂંટણીમાં મુખ્ય મુદ્દાઓ બની રહેશે. રાજકીય વિશ્લેષકોના મતે, એપ્રિલ મહિનાના મધ્ય કે અંત સુધીમાં મતદાનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી શકે છે.
ચૂંટણી પંચની સજ્જતા:
રાજ્ય ચૂંટણી પંચના સૂત્રોના જણાવ્યા અનુસાર, ૧ એપ્રિલની ખાસ જાહેરાત બાદ આખું રાજ્ય ચૂંટણીના માહોલમાં રંગાઈ જશે. જે રીતે તૈયારીઓ ચાલી રહી છે તે જોતા વહીવટી તંત્ર દ્વારા આખરી ઓપ આપી દેવાયો છે અને હવે માત્ર તારીખોની સત્તાવાર જાહેરાતની જ રાહ જોવાઈ રહી છે. લાંબા સમયથી અટકેલી સત્તાની આ લડાઈ હવે તેના અંતિમ પડાવ પર છે, જેમાં જનતા ફરી એકવાર પોતાના સ્થાનિક પ્રતિનિધિઓને પસંદ કરશે.
(10:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
