તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 29th March 2026
અમદાવાદ: બિટકોઈન કેસમાં ઈડીની મોટી કાર્યવાહી મુખ્ય સૂત્રધારો ગણાતા નિકુંજ ભટ્ટ, સંજય કોટડિયા સહિત 14 સામે ફરિયાદ દાખલ
44 કરોડથી વધુનું ક્રિપ્ટોકરન્સી લોન્ડરિંગનો આરોપ :વર્ષ 2018 ના અપહરણ કેસ સાથે મળી કડી:બોગસ એકાઉન્ટ દ્વારા નાણાંની હેરાફેરી:આગામી 1 એપ્રિલે સ્પેશિયલ કોર્ટમાં સુનાવણી

અમદાવાદ:ગુજરાતમાં વર્ષ 2018 થી ચર્ચામાં આવેલો બિટકોઈન કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટએ મોટી કાર્યવાહી કરી છે.ઈડીએ આ કેસના મુખ્ય સૂત્રધારો ગણાતા નિકુંજ ભટ્ટ અને સંજય કોટડિયા સહિત કુલ 14 વ્યક્તિઓ સામે વિધિવત રીતે ફરિયાદ દાખલ કરી છે. આ ફરિયાદ સાથે જ કરોડો રૂપિયાના ક્રિપ્ટોકરન્સી લોન્ડરિંગના પર્દાફાશની દિશામાં મોટું ડગલું ભરાયું છે.
તપાસ એજન્સીના જણાવ્યા અનુસાર, આરોપીઓએ બોગસ એકાઉન્ટ્સનો ઉપયોગ કરીને કરોડો રૂપિયાની હેરાફેરી કરી છે. આ કૌભાંડમાં અંદાજે 44 કરોડથી વધુની રકમનું મની લોન્ડરિંગ થયું હોવાનો અંદાજ છે. મહત્વની વાત એ છે કે, આ કેસની કડીઓ વર્ષ 2018 ના ચર્ચિત અપહરણ અને ખંડણીના કેસ સાથે સીધી રીતે જોડાયેલી છે. તે સમયે પોલીસ અધિકારીઓ અને વગદાર લોકોના નામ પણ આ બિટકોઈન વિવાદમાં ઉછળ્યા હતા.
ઈડી દ્વારા રજૂ કરવામાં આવેલા પુરાવાઓ અને ફરિયાદને ધ્યાને લઈને વિશેષ કોર્ટે તમામ 14 આરોપીઓ સામે કાયદેસરની પ્રોસેસ શરૂ કરવાનો આદેશ આપ્યો છે. આ કેસમાં આગામી સુનાવણી 1 એપ્રિલના રોજ હાથ ધરવામાં આવશે. આ તપાસમાં હજુ પણ અનેક મોટા માથાઓના નામ સામે આવવાની સંભાવના છે, કારણ કે ક્રિપ્ટોકરન્સીના માધ્યમથી વિદેશમાં નાણાં મોકલવા માટે હવાલા નેટવર્કનો પણ ઉપયોગ થયો હોવાની શંકા છે
(6:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
