<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 29th March 2026

અમદાવાદ-ખેડા હાઇવે પર આવેલ વડાલા પાટિયા પાસે આઇસર ટ્રકે ટક્કર મારતા પિતા-પુત્ર સહીત ત્રણના મોત

પિતા અને બંને પુત્રો પોતાની દુકાન ખોલવા માટે અમદાવાદથી નીકળ્યા હતા. તે દરમિયાન વડાલા પાટિયા પાસે પહોંચતા જ આઈસર ટ્રકે ટક્કર મારી

અમદાવાદ-ખેડા હાઇવે પર આવેલ વડાલા પાટિયા પાસે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આઈસર ચાલકે ટક્કર મારતા શાહ પરિવારના 3 લોકોના કરુણ મોત થઈ ગયા છે.  આ પરિવાર મૂળ આણંદ જિલ્લાના તારાપુરના અને હાલ અમદાવાદમાં રહેતો  હતો. પરિવારમાં પિતા અને બે પુત્રો મોત થતાં ભારે ગમગીનતા છવાઈ ગઈ છે. ખેડા ટાઉન પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ નવલભાઈ શાહ અને તેમના બે પુત્રો જય અને જીજ્ઞેશ વર્ષોથી અમદાવાદમાં સ્થાયી થયા હતા, પરંતુ ખેડા પાસે આવેલા લીંબાસી ગામમાં  તેમની કપડાની દુકાન આવેલી છે. દરરોજની જેમ આજે પણ પિતા અને બંને પુત્રો પોતાની દુકાન ખોલવા માટે અમદાવાદથી નીકળ્યા હતા. તે દરમિયાન વડાલા પાટિયા પાસે પહોંચતા જ આઈસર ટ્રકે ટક્કર મારી હતી. આ ગંભીર અકસ્માતમાં  જય નવલભાઈ શાહનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.

ઘટનાની જાણ થતા જ 108 અને ખેડા ટાઉન પોલીસની ટીમ દોડી આવી હતી. ગંભીર રીતે ઈજાગ્રસ્ત પિતા નવલભાઈ મણીભાઈ શાહ અને પુત્ર જીજ્ઞેશ નવલભાઈ શાહને તાત્કાલિક સારવાર માટે ખેડા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે, તેમની હાલત વધુ નાજુક જણાતા તેમને વધુ સારવાર માટે અમદાવાદ રિફર કરવામાં આવ્યા હતા, પરંતુ કમનસીબે રસ્તામાં જ પિતા-પુત્રએ અંતિમ શ્વાસ લીધા હતા. ખેડા ટાઉન પોલીસે આ મામલે અકસ્માતનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મૃતકોના નામ

1. નવલ મણીભાઈ શાહ - ઉંમર 67 વર્ષ
2. જય નવલભાઈ શાહ - ઉંમર 34 વર્ષ
3. જીજ્ઞેશ નવલભાઈ શાહ - ઉંમર 34 વર્ષ

મળતી જાણકારી અનુસાર ખેડા-બારેજા હાઇવે પર વડાલા પાટિયા પાસે આવેલ ગેસ પ્લાન્ટ પાસે અવારનવાર અકસ્માતો સર્જાતા રહે છે. સ્થાનિકોના મતે આ વિસ્તાર હવે અકસ્માતનું હબ બની ગયો છે.જ્યારે શાહ પરિવાર પોતાની દુકાને જઈ રહ્યો હતો, ત્યારે કાળમુખા અકસ્માતે હસતા-રમતા પરિવારનો માળો વિખેરી નાખ્યો હતો.

(5:29 PM IST)