<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 29th March 2026

સ્ટેટ મોનીટરીંગ સેલનો સપાટો :ડીસા પાસે બટાકાની આડમાં દારૂની હેરાફેરી ટ્રકમાંથી રૂ.1.09 કરોડનો વિદેશી દારૂ ઝડપાયો

વિજિલન્સની ટીમે માત્ર ટ્રક જ નહીં પરંતુ પાઇલટિંગ કરી રહેલી બે ગાડીઓને પણ કોર્ડન કરી :ટ્રક ડ્રાઇવર સહિત કુલ 5 આરોપીઓની ધરપકડ

અમદાવાદ :સ્ટેટ મોનિટરિંગ સેલ (વિજિલન્સ) એ ફરી એકવાર સપાટો બોલાવ્યો છે બનાસકાંઠાના ડીસા નજીકથી પસાર થતી એક ટ્રકમાંથી કરોડોની કિંમતનો વિદેશી દારૂ ઝડપાતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. પોલીસની સતર્કતાને કારણે લાખોની કિંમતનો નશો ગુજરાતની ધરતી પર ઉતરે તે પહેલા જ પકડી પાડવામાં આવ્યો છે.

 

મળતી માહિતી મુજબ, રાજસ્થાન તરફથી એક શંકાસ્પદ ટ્રક ગુજરાતમાં પ્રવેશી રહી હોવાની વિજિલન્સ ટીમને ચોક્કસ બાતમી મળી હતી. આ બાતમીના આધારે ડીસા પાસે વોચ ગોઠવવામાં આવી હતી. જ્યારે ટ્રકને અટકાવી તેની તલાશી લેવામાં આવી, ત્યારે પ્રથમ દૃષ્ટિએ તેમાં બટાકાના કટ્ટા ભરેલા દેખાતા હતા. જોકે, ઊંડાણપૂર્વક તપાસ કરતા બટાકાની આડમાં સંતાડેલો વિદેશી દારૂનો જંગી જથ્થો મળી આવ્યો હતો. આ દારૂની કુલ કિંમત અંદાજે ₹1 કરોડ 9 લાખ જેટલી આંકવામાં આવી છે.

 

બુટલેગરો આ માલને સુરક્ષિત રીતે પહોંચાડવા માટે ફૂલપ્રૂફ પ્લાનિંગ સાથે નીકળ્યા હતા. ટ્રકની આગળ અને પાછળ બે અન્ય લક્ઝુરિયસ ગાડીઓ ચાલી રહી હતી, જે સતત ટ્રક ડ્રાઇવરને રસ્તામાં પોલીસની હાજરી અંગે સૂચના (પાઇલટિંગ) આપી રહી હતી. વિજિલન્સની ટીમે માત્ર ટ્રક જ નહીં, પરંતુ પાઇલટિંગ કરી રહેલી આ બંને ગાડીઓને પણ કોર્ડન કરી લીધી હતી. આ ઓપરેશનમાં ટ્રક ડ્રાઇવર સહિત કુલ 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

 

પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે આ દારૂનો જથ્થો રાજસ્થાનથી ભરીને ગુજરાતના કોઈ મોટા શહેરમાં સપ્લાય કરવાનો હતો. સ્ટેટ વિજિલન્સની ટીમે હવે આ મામલે ઊંડી તપાસ શરૂ કરી છે. દારૂ કોણે મંગાવ્યો હતો, રાજસ્થાનમાં કયા શખ્સે આ માલ ભરાવ્યો હતો અને આ નેટવર્ક પાછળ કયા મોટા માથાઓનો હાથ છે, તે દિશામાં પૂછપરછ ચાલી રહી છે. પકડાયેલા પાંચેય શખ્સો પાસેથી મોબાઈલ ફોન અને અન્ય દસ્તાવેજો કબજે કરીને તેમના કોન્ટેક્ટ લિસ્ટની પણ તપાસ કરવામાં આવી રહી છે.

બનાસકાંઠા સરહદી જિલ્લો હોવાથી અહીંથી દારૂ ઘુસાડવાના પ્રયાસો અવારનવાર થતા રહે છે. જોકે, ₹1 કરોડથી વધુની કિંમતનો જથ્થો પકડાવો એ વિજિલન્સ માટે મોટી સફળતા માનવામાં આવે છે. બટાકા જેવી ખેતપેદાશોનો ઉપયોગ કરીને પોલીસની આંખમાં ધૂળ નાખવાનો પ્રયાસ નિષ્ફળ રહ્યો છે. આગામી દિવસોમાં આ કેસમાં વધુ મોટા ખુલાસા થવાની શક્યતા સેવાઈ રહી છે.

(4:49 PM IST)