તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 28th March 2026
વડોદરામાં રુંવાડા ઉભા કરી દે તેવા દ્રશ્યો: સાતમા માળે મોતની છલાંગ લગાવવા ચડેલા યુવકને બચાવવા પોલીસ અને ફાયર વિભાગનું દિલધડક રેસ્ક્યુ ઓપરેશન
માતૃકા રેસીડન્સીમાં ઘરકંકાસને કારણે યુવકે આત્યંતિક પગલું ભરવા કર્યો પ્રયાસ, કલાકોની સમજાવટ બાદ જવાનો આકાશને મોતના મુખમાંથી સુરક્ષિત ખેંચી લાવ્યા

વડોદરા: તા.૨૮: સંસ્કારી નગરી વડોદરાના દરબાર ચોકડી વિસ્તારમાં આજે બપોરે એક એવી ઘટના બની જેણે સ્થાનિક રહીશોના શ્વાસ અધ્ધર કરી દીધા હતા. શહેરની સાત માળની 'માતૃકા રેસીડન્સી' બિલ્ડિંગના ધાબા પર એક યુવક આપઘાત કરવાના ઈરાદે ચડી જતાં સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ હતી. આકાશ નામનો આ યુવક બિલ્ડિંગની પેરાપેટ (કિનારે) પર ઉભો રહી નીચે કૂદવાની ધમકી આપી રહ્યો હતો, જેને જોઈ નીચે ઉભેલા લોકોના જીવ તાળવે ચોંટ્યા હતા.
ઘટનાની જાણ થતા જ વડોદરા ફાયર બ્રિગેડ, પોલીસ કાફલો અને ૧૦૮ની ટીમ એમ્બ્યુલન્સ સાથે ઘટનાસ્થળે દોડી આવી હતી. સ્થિતિ અત્યંત નાજુક હતી, કારણ કે યુવક ખૂબ જ આવેશમાં હતો. રેસ્ક્યુ ટીમે ખૂબ જ સમયસૂચકતા વાપરીને એક તરફ નીચે સુરક્ષા જાળ બિછાવી દીધી હતી, તો બીજી તરફ કેટલાક જવાનોએ ઉપર જઈને યુવક સાથે વાતચીત શરૂ કરી તેનું ધ્યાન ભટકાવવાનો પ્રયાસ કર્યો હતો.
કલાકો સુધી ચાલેલા આ હાઈ-વોલ્ટેજ ડ્રામા અને ભારે જહેમત બાદ, પોલીસ અને ફાયરના જવાનો યુવકને સુરક્ષિત રીતે નીચે ઉતારવામાં સફળ રહ્યા હતા. યુવક જેવો નીચે આવ્યો કે તરત જ લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો અને જવાનોની કાબિલેદાદ કામગીરીને બિરદાવી હતી.
પોલીસની પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું છે કે, આકાશ તેની મહિલા પાર્ટનર સાથે ચાલતા સતત ઘરકંકાસ અને માનસિક તણાવથી કંટાળી ગયો હતો. આ ઝઘડાએ એટલું ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું કે તેણે જીવન ટૂંકાવવાનો નિર્ણય કરી લીધો હતો. હાલ પોલીસે યુવકને કસ્ટડીમાં લઈ તેનું કાઉન્સિલિંગ શરૂ કર્યું છે જેથી તે ફરી આવું કોઈ પગલું ન ભરે.
તંત્રની સતર્કતાને કારણે આજે વડોદરામાં એક મોટી દુર્ઘટના ટળી છે અને એક પરિવારનો માળો વિખાતા બચી ગયો છે.
(6:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
