તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 28th March 2026
ગુજરાતમાં પેટ્રોલ, ડીઝલ અને ગેસ સહિતની આવશ્યક ચીજવસ્તુઓનો પૂરતો જથ્થો ઉપલબ્ધ : મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની ઉચ્ચસ્તરીય બેઠકમાં સમીક્ષા
સંગ્રહખોરો સામે કડક કાર્યવાહી કરવા આદેશ અને નવા પી.એન.જી. કનેક્શન આપવાની કામગીરી યુદ્ધના ધોરણે તેજ : સપ્લાય ચેઇન જાળવવા મુખ્ય સચિવના અધ્યક્ષસ્થાને સ્ટેટ લેવલ કોર્ડીનેશન કમિટીની રચના

ગાંધીનગર: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વૈશ્વિક પરિસ્થિતિના સંદર્ભમાં દેશમાં પેટ્રોલ, ડીઝલ, ગેસ અને અન્ન પુરવઠાની સ્થિતિ અંગે રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે યોજેલી વિડિયો કોન્ફરન્સના પગલે ગુજરાતમાં પણ વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. આજે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને એક ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી, જેમાં રાજ્યમાં આવશ્યક ચીજવસ્તુઓના જથ્થા અને વિતરણ વ્યવસ્થાની સર્વગ્રાહી સમીક્ષા કરવામાં આવી હતી. આ બેઠકમાં સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે રાજ્યમાં ગેસ, પેટ્રોલ, ડીઝલ અને ખાતરનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને ભવિષ્યમાં પણ સપ્લાય જળવાઈ રહે તે માટે સરકાર કટિબદ્ધ છે.
પી.એન.જી. કનેક્શન અને ગેસ પુરવઠા પર ભાર:
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે કેન્દ્ર સરકારની માર્ગદર્શિકા મુજબ રાજ્યમાં નવા પી.એન.જી. કનેક્શન આપવાની કામગીરી ઝડપી બનાવવા સૂચના આપી હતી. ખાસ કરીને રહેઠાણો, શૈક્ષણિક સંસ્થાઓ અને હોસ્પિટલોને અગ્રતા આપવા જણાવાયું છે. ઉલ્લેખનીય છે કે ગુજરાત દેશમાં સૌથી વધુ ૨૩ ટકા પી.એન.જી. કનેક્શન અને ૧૨ ટકા સી.એન.જી. સ્ટેશન ધરાવતું રાજ્ય છે. છેલ્લા ૧૦ દિવસમાં જ ૧૨ હજારથી વધુ નવા ડોમેસ્ટિક અને ૩૦૦થી વધુ કોમર્શિયલ કનેક્શન આપવામાં આવ્યા છે. રાજ્યમાં હાલ ૧.૨૮ કરોડ એલ.પી.જી. કનેક્શન ધારકો છે, જેમની સમસ્યાઓના નિવારણ માટે કાર્યરત હેલ્પલાઇન દ્વારા ૧૦,૦૦૦ જેટલી ફરિયાદો ઉકેલવામાં આવી છે.
સંગ્રહખોરી સામે લાલ આંખ અને વહીવટી સંકલન:
બેઠકમાં મુખ્યમંત્રીએ સંગ્રહખોરી અને કાળાબજાર કરનારા તત્વો સામે કડકાઈથી પેશ આવવા અને દાખલારૂપ સજા કરવા તાકીદ કરી હતી, જેથી જનતામાં અછતનો ખોટો ભય દૂર થાય. રાજ્યમાં સપ્લાય ચેઇન જાળવી રાખવા માટે મુખ્ય સચિવના અધ્યક્ષસ્થાને 'સ્ટેટ લેવલ કોર્ડીનેશન કમિટી' અને જિલ્લા સ્તરે કલેક્ટરના અધ્યક્ષસ્થાને સમિતિઓની રચના કરવાનો નિર્ણય લેવાયો છે. આ ઉપરાંત બિનનિવાસી ગુજરાતીઓ (NRI) ની મદદ માટે વિશેષ હેલ્પલાઇન શરૂ કરી તેમને સતત સંપર્કમાં રહેવા સૂચના અપાઈ છે.
ખેતી અને શ્રમિકોના હિતમાં નિર્ણયો:
કૃષિ વિભાગ દ્વારા આગામી ખરીફ સીઝન માટે ખાતરનો પૂરતો જથ્થો ઉપલબ્ધ હોવાની ખાતરી આપવામાં આવી છે. રાજ્યના બંદરો પર કાર્ગોના વ્યવસ્થિત સંચાલન અને શ્રમિકોને તેમના મહેનતાણાની સમયસર ચૂકવણી થાય તે સુનિશ્ચિત કરવા સંબંધિત વિભાગોને આદેશ અપાયા છે. આ બેઠકમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, ઉર્જા મંત્રી ઋષિકેશભાઈ પટેલ, નાગરિક પુરવઠા મંત્રી રમણભાઈ સોલંકી સહિત મુખ્ય સચિવ એમ.કે. દાસ, પોલીસ મહાનિદેશક અને વરિષ્ઠ સચિવો ઉપસ્થિત રહ્યા હતા.
(2:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
