<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th March 2026

અમદાવાદમાં યુવતિ ઉપર એસીડ એટેકની હચમચાવનારી ઘટનાઃ પિતાએ હુમલો કરાવ્‍યાનો આક્ષેપ

યુવિતના પિયર પક્ષ દ્વારા પોલીસ ફરિયાદઃ ૧૩ વર્ષથી યુવતિ તેની માતા અને બહેનો સાથે રહેતી' તી

અમદાવાદ,તા. ૨૮:  સરદારનગર વિસ્‍તારમાં એક યુવતી પર થયેલા એસિડ એટેકની હચમચાવનારી ઘટના સામે આવી છે. આ મામલે પિયર પક્ષ દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે, જેમાં યુવતીના પિતા દ્વારા હુમલો કરાવ્‍યો હોવાનો ગંભીર આરોપ મૂકવામાં આવ્‍યો છે.

ગઈકાલે સાંજે સરદારનગરની નીલકમલ સોસાયટીઅને નરોડા ગેલેક્‍સી કોમ્‍પ્‍લેક્‍સ પાસે ૨૫ વર્ષીય યુવતી પર એસિડ એટેક કરવામાં આવ્‍યો હતો. યુવતી જ્‍યારે ઘરે પરત ફરી રહી હતી ત્‍યારે હેલ્‍મેટ  પહેરીને બાઈક પર આવેલા એક અજાણ્‍યા શખ્‍સે તેના પર એસિડ ફેંકયું હતું અને ફરાર થઈ ગયો હતો.

સ્‍થાનિક રહેવાસી સુરેન્‍દ્ર પ્રસાદ શર્માના  જણાવ્‍યા અનુસાર, એસિડ પડતા જ યુવતી ચીસો પાડવા લાગી હતી. લોકોએ તરત જ ઘરેથી પાણી લાવીને તેના પર છાંટયું હતું, જેનાથી તેને થોડી રાહત થઈ હતી. હાલ ઇજાગ્રસ્‍ત યુવતીને અસારવા સિવિલ હોસ્‍પિટલ ખાતે ખસેડવામાં આવી છે, જ્‍યાં તેને હોઠ અને આંખના ભાગે સખત બળતરા હોવાનું જાણવા મળ્‍યું છે.

આ કેસમાં પ્રેમ લગ્નનો વિરોધ અને કૌટુંબિક વિખવાદ મુખ્‍ય કારણ હોવાનું મનાય રહ્યું છે,પીડિત યુવતીએ વર્ષ ૨૦૨૩ માં પ્રેમ લગ્ન  કર્યા હતા, જે તેના પિતાને પસંદ ન હતા. તેમજ યુવતી છેલ્લા ૧૩ વર્ષથી તેની માતા અને બહેનો સાથે પિતાથી અલગ રહેતી હતી. માતા-પિતા વચ્‍ચે ભરણપોષણનાકેસ પણ કોર્ટમાં ચાલી રહ્યો છે.ત્‍યારે પિયર પક્ષનો આક્ષેપ છે કે પ્રેમ લગ્નની અદાવત રાખી પિતાએ પોતે અથવા તેના માણસો દ્વારા આ એસિડ હુમલો કરાવ્‍યો છે. સરદારનગર પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. સીસીટીવી ફૂટેજ અને સ્‍થાનિકોના નિવેદનોના આધારે હુમલાખોરની શોધખોળ શરૂ કરવામાં આવી છે.

(3:38 PM IST)