તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 27th March 2026
સુરતના લિંબાયતમાં અસામાજિક તત્વોના ત્રાસથી હિન્દુઓનું પલાયનઃ સંગીતા પાટીલ
ગુજરાત વિધાનસભામાં ભાજપના ધારાસભ્યનો ગંભીર આક્ષેપઃ કડક કાર્યવાહીની માંગ : અશાંતધારા હેઠળ સંપત્તિની લે-વેચ માટે કલેક્ટરની મંજૂરી ફરજિયાત અને સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ દ્વારા તપાસની જોગવાઈઓનું સ્વાગત : આ વિસ્તારના ૮-૧૦ હજાર તેલુગુ પરિવાર પણ અસુરક્ષાના લીધે સ્થળાંતર કરી રહ્યા છે : હિન્દુ ઘરોની આસપાસ નોનવેજ ફેંકી ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડાઇ રહી છે : એક સમયની હિન્દુ બહુમતીવાળી સોસાયટીઓમાંથી હિન્દુ પરિવારો લુપ્ત થવાની આરે

રાજકોટ, તા.ર૭:ગુજરાત વિધાનસભામાં અશાંત ધારા સુધારા બિલ પરની ચર્ચા દરમિયાન સુરતના લિંબાયત વિસ્તારના ભારતીય જનતા પાર્ટીના મહિલા ધારાસભ્ય સંગીતા પાટીલે ગંભીર આક્ષેપો કરતાં જણાવ્યું છે કે અસામાજિક તત્વોના માનસિક ત્રાસ અને ગુંડાગીરીના કારણે લિંબાયતમાંથી હિન્દુ પરિવારો પલાયન કરવા મજબૂર બન્યા છે. વિવિધ ડિજિટલ માધ્યમોના અહેવાલો મુજબ, અગાઉ પણ આ વિસ્તારમાં વસ્તીના સંતુલનને બગાડવાના અને જમીન પચાવી પાડવાના ષડયંત્રો અંગે વ્યાપક ફરિયાદો નોંધાઈ ચૂકી છે.
સંગીતા પાટીલે વિધાનસભામાં જણાવ્યું કે અશાંત ધારો અમલમાં હોવા છતાં, હિન્દુઓને તેમના મકાનો સસ્તા ભાવે વેચી દેવા અથવા તો મકાનોને તાળાં મારીને અન્ય વિસ્તારોમાં ભાડાના મકાનોમાં રહેવા જવા માટે મજબૂર કરવામાં આવી રહ્યા છે.
પ્રધાનમંત્રી આવાસ યોજના અને મુખ્યમંત્રી આવાસ યોજના જેવી સરકારી યોજનાઓમાં ડ્રો પદ્ધતિથી તમામ ધર્મના લોકોને મકાનો ફાળવવામાં આવે છે, ત્યાં પણ હિન્દુ પરિવારોને પરેશાન કરવામાં આવી રહ્યા હોવાની ગંભીર ફરિયાદ તેમણે નોંધાવી છે.
ધારાસભ્યએ વિશેષમાં જણાવ્યું હતું કે લિંબાયત વિસ્તારમાં અગાઉ આઠ થી દસ હજાર જેટલા તેલુગુ પરિવારો અત્યંત શાંતિથી રહેતા હતા, પરંતુ હવે તેઓ પણ અસુરક્ષા અનુભવી રહ્યા છે અને અન્યત્ર સ્થળાંતર કરી રહ્યા છે.
અસામાજિક તત્વો દ્વારા આયોજનબદ્ધ રીતે મિલકતો પચાવી પાડવાનું અભિયાન ચાલી રહ્યું છે, જેમાં તેઓ પહેલા એક મકાન ખરીદે છે, તેના પર ગેરકાયદેસર રીતે ચાર કે પાંચ માળનું બાંધકામ કરે છે અને પછી આસપાસના હિન્દુઓને હેરાન કરીને તેમના મકાનો પણ પડાવી લે છે.
આ ઉપરાંત, શાકાહારી હિન્દુ પરિવારોના ઘરોની આસપાસ ઈરાદાપૂર્વક માંસના ટુકડા અને કચરો ફેંકીને તેમની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવામાં આવે છે, જેથી તેઓ માનસિક રીતે ભાંગી પડે.
તેમણે મારુતિ નગર, પદ્માવતી નગર, ગોવિંદ નગર, બુદ્ધ સોસાયટી, અંબિકા નગર અને અંબા નગર જેવી સોસાયટીઓના નામ આપીને જણાવ્યું હતું કે એક સમયે હિન્દુ બહુમતી ધરાવતી આ સોસાયટીઓમાં હવે હિન્દુ પરિવારો લુપ્ત થવાના આરે છે અને માત્ર એક કે બે પરિવારો જ ભય અને આતંકના ઓથાર હેઠળ પોતાનું જીવન ગુજારી રહ્યા છે.
આ ગંભીર પરિસ્થિતિને રોકવા માટે ધારાસભ્ય સંગીતા પાટીલે વિધાનસભામાં માંગ કરી છે કે જો કોઈ હિન્દુ પોતાની સંપત્તિ અન્ય હિન્દુને વેચવા માંગતો હોય, તો તેને અશાંત ધારા હેઠળ તાત્કાલિક મંજૂરી મળવી જોઈએ જેથી તેઓ અડચણ વિના સુરક્ષિત જગ્યાએ પોતાનું નવું ઘર વસાવી શકે.
જોકે, અન્ય ધર્મના લોકોને સંપત્તિ વેચવાના કિસ્સામાં અત્યંત કડક નિયંત્રણો હોવા જોઈએ તેવો આગ્રહ તેમણે વ્યક્ત કર્યો હતો. આ રજૂઆત પાછળનો મુખ્ય તર્ક એ છે કે લિંબાયતની સામાજિક રચના જાળવી રાખવા માટે હિન્દુ વસ્તીનું પ્રમાણ અને સંતુલન જળવાઈ રહેવું અત્યંત જરૂરી છે.
અશાંત ધારા હેઠળ મિલકત ટ્રાન્સફરની તપાસ હવે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ દ્વારા કરવામાં આવશે અને જિલ્લા કલેક્ટરની પૂર્વ મંજૂરી વિના કોઈ પણ ફાઈલ પાસ કરવામાં આવશે નહીં, તેવા નવા સુધારા બિલના નિર્ણયને ભાજપના ધારાસભ્ય સંગીતા પાટીલે આવકાર્યો હતો. તેમણે સરકારને અપીલ કરી છે કે હિન્દુ પરિવારો પર થતા આ માનસિક અત્યાચાર પર તાત્કાલિક નિયંત્રણ લાવવામાં આવે અને કડકમાં કડક કાયદાકીય પગલાં ભરવામાં આવે.
(3:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
