તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 27th March 2026
૯૩ લાખથી વધુ વાહનો પરમિટ, પીયુસી, HSRP વગર દોડે છે
કેગના અહેવાલમાં આરટીઓની લાલિયાવાડી સામે આવી : ૧૫ વર્ષ જૂના પાંચ લાખ વાહનો હજી રસ્તા પર, નિયમોનો ભંગ કરનારાઓને મેસેજ મોકલાતો હોવાનો કમિશનરનો લૂલો બચાવ

અમદાવાદ,તા.૨૭: રાજ્યના માર્ગો પર ૬૯.૨૬ લાખ વાહનો પીયુસી વગર, ૨૧.૮૭ લાખ વાહનો અદ્યતન નંબર પ્લેટ વગર અને ૧.૯૧ લાખ વાહનો પરમિટ વગર દોડી રહ્યા હોવાનો કેગના ઓડિટ રિપોર્ટમાં ખુલાસો થયો હતો. આજે વિધાનસભામાં રજૂ કરાયેલા આ અહેવાલથી રાજ્યના કેટલાક આરટીઓ અને એઆરટીઓમાં ચાલતી ગેરીતિઓથી પરથી જાણે પડદો ઉઠી ગયો છે.
રાજ્યના કેટલાક આરટીઓ અને એઆરટીઓમાં ચાલતી ગેરીતિઓને ડામવામાં તંત્ર જાણે નિષ્ફળ નીવડયું છે. આ અંગે ભારતના નિયંત્રક અને મહાલેખાપરીક્ષક દ્વારા બહાર પડાયેલા અહેવાલ અનુસાર વર્ષ ૨૦૧૯થી ૨૦૨૪ દરમિયાન ૬૯. ૨૬ લાખ વાહનોએ એક પણ વખત પીયુસી કઢાવ્યું ન હતું. જ્યારે ૩૮.૪૪ લાખ વાહનોએ પાંચ વર્ષમાં માત્ર એક જ વખત પીયુસી કઢાવ્યું હતું. બીજી બાજુ ૧.૯૧ લાખ ટ્રાન્સપોર્ટના વાહનો પરમિટ વગર અને ૨૧.૮૭ વાહનો એચેએસઆરપી એટલે કે અદ્યતન નંબર પ્લેટ વગર તેમજ ૬૦ હજાર વાહનો ખોટા ચેસિસ નંબર સાથે માર્ગો પર દોડી રહ્યા છે. વાહન સ્ક્રેપિગ પોલિસીની વાતો વચ્ચે ૧૫ વર્ષ જૂના ૫.૩૬ લાખ વાહનો હજી રસ્તા પર ફરે છે. જો કે આ સમગ્ર તપાસના જવાબમાં વાહનવ્યવહાર કમિશનરે નિયમોનું પાલન ન કરનારા વાહનમાલિકોને મેસેજ મોકલાતો હોવાનું રટણ કર્યું હતું. જે કેગે ફગાવી દીધું હતું
આરટીઓનું પોલંપોલઃ ઈલેક્ટ્રિક વાહનોની નોંધણી ફી માફ છતાં ૧.૮૨ કરોડ વસૂલાયા
વર્ષ ૨૦૨૧ના ઓગસ્ટ મહિનાથી ઈલેક્ટ્રિક વાહનોની ખરીદી પર નોંધણી ફીમાંથી મુક્તિ અપાઈ હતી. તેમ છતાં ઓગસ્ટ ૨૦૨૧થી માર્ચ ૨૦૨૪ સુધી નવા નોંધાયેલા ૧.૨૦ લાખમાંથી ૭૭,૯૫૯ વાહનો પાસેથી જે તે આરટીઓ દ્વારા ૧.૮૨ કરોડની ફી ગેરકાયદેસર રીતે વસૂલાઈ હતી.
ઈ-ચલણના છબરડા : કારચાલકોને હેલ્મેટ માટે અને મોપેડ, બાઈક ચાલકોને સીટબેલ્ટ માટે દંડ!
ટ્રાફિક નિયમો ભંગ કરવા બદલ અપાતામાં ચલણમાં છબરડો સામે આવ્યો છે. ૩૧૦૩ જેટલા રિક્ષા અને કાર ચાલકોને હેલ્મેટ ન પહેરવા બદલ દંડ ફટકારાયો હતો! બીજી બાજુ મોપેડ, બાઈક અને રિક્ષા ચાલકોને સીટ બેલ્ટ ન પહેરવા બદલ ૬૭૯ ચલણ, જ્યારે ડ્રાઈવિંગ લાયસન્સ નંબર નોંધ્યા વગર જ ૭૧,૨૧૧ ચલણ આપી દેવાયા હતા.
(10:05 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
