<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th March 2026

ગામમાં દારૂડિયાઓને પાંસરા કરવા માટે ખાસ 'પાંજરું' તૈયાર કરાયું :ખેરાલુનાં પાંછા ગામે દારૂબંધી માટે અનોખો નિર્ણય

નશાની હાલતમાં પકડાયેલા વ્યક્તિને 12 કલાક પાંજરામાં રખાશે કેદ:ગામમાં કોઈ મહિલા યુવાનીમાં વિધવા ન બને અને ગામમાં દારૂનું દૂષણ ડામી શકાય તે માટે સરપંચ સહિતના ગ્રામજનોએ નિર્ણય લીધો

મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાના એક નાના એવા ગામ 'પાંછા' એ સમગ્ર રાજ્યનું ધ્યાન ખેંચ્યું છે. ગામમાં જ્યારે દારૂનું વ્યસન વધવા લાગ્યું, ત્યારે ગ્રામજનોએ કાયદો હાથમાં લીધા વગર એક એવો રસ્તો અપનાવ્યો છે ગામમાં દારૂડિયાઓને પાંસરા કરવા માટે હવે ખાસ 'પાંજરું' તૈયાર કરવામાં આવ્યું છે. ખેરાલુના પાંછા ગામમાં દારૂના દૂષણના કારણે ગામના અનેક આશાસ્પદ યુવાનોના જીવ ગયા છે. ગામમાં કોઈ મહિલા યુવાનીમાં વિધવા ન બને અને ગામમાં દારૂનું દૂષણ ડામી શકાય તે માટે સરપંચ સહિતના ગ્રામજનોએ આ અનોખો નિર્ણય લીધો છે 

મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાનું પાન્છા ગામ અત્યારે આખા સોશિયલ મીડિયામાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. ગામમાં દારૂડિયાઓ પર લગામ કસવા માટે ગામમાં લોખંડનું પાંજરું બનાવવામાં આવ્યું હતું, પણ કોને ખબર હતી કે આ પાંજરાનો 'બોહણી' દારૂ પીધા વગરના એક મહેમાન કાકા કરશે!

 

ગામમાં દારૂ પીને છાકટા બનતા તત્વોને પાઠ ભણાવવા માટે ગામના ચોક વચ્ચે એક મજબૂત અને લોખંડનું ખાસ પાંજરું મૂકવામાં આવ્યું છે. આ પાંજરું કોઈ પ્રાણી માટે નહીં, પણ ગામમાં દારૂ પીને છાકટા બનતા શખ્સો માટે છે. જો કોઈ પણ વ્યક્તિ નશાની હાલતમાં ગામમાં પકડાશે, તો તેને સીધો આ પાંજરામાં 12 કલાક માટે પૂરી દેવામાં આવશે. દરમિયાન, બાજુના ગામથી એક કાકા પાન્છા ગામે આવ્યા હતા. લોખંડનું નવું નક્કોર પાંજરું જોઈને કાકાને કુતૂહલ જાગ્યું અને રમુજી સ્વભાવના કાકા 'જોઈએ તો ખરા કેવું લાગે છે' તેમ કહી મજા-મસ્તીમાં પાંજરાની અંદર ગયા.

કાકા અંદર ગયા એટલે હાજર રહેલા કોઈક ઇસમને પણ મજાક સૂઝી. જેવી કાકા પાંજરામાં ગયા, કે તરત જ બહારથી દરવાજો બંધ કરી દેવામાં આવ્યો! કાકા જે મસ્તીમાં અંદર ગયા હતા, તે હવે મુંઝવણમાં ફેરવાઈ ગઈ. બહાર નીકળવું એટલું સરળ નહોતું. થોડીવાર માટે તો કાકા ખરેખર 'કેદી' બની ગયા હોય તેવો માહોલ સર્જાયો હતો. આ આખી ઘટનાનો વીડિયો કોઈએ બનાવ્યો અને સોશિયલ મીડિયા પર વહેતો કરી દીધો. વીડિયો (Viral Video) જોતજોતામાં ‘સ્પેશિયલ ગેસ્ટ’ તરીકે વાયરલ થઈ ગયો.

(11:58 PM IST)