<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th March 2026

રાજ્યમાં ભારે ગરમી વચ્ચે કમોસમી વરસાદની આગાહી: કેટલાક જિલ્લામાં યલો એલર્ટ જાહેર

કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ અને મહીસાગર જેવા જિલ્લાઓમાં અચાનક વાતાવરણમાં ફેરફાર થઇ શકે

અમદાવાદ : રાજયમાં એક તરફ કાળઝાળ ગરમીનો ત્રાસ વધી રહ્યો છે, બીજી તરફ હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરતા લોકોમાં ચિંતા ફેલાઈ છે. 29 અને 30 માર્ચ દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં માવઠું વરસવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગે આ બે દિવસ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે. જેમાં ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ અને મહીસાગર જેવા જિલ્લાઓમાં અચાનક વાતાવરણમાં ફેરફાર જોવા મળી શકે છે. 

હવામાન નિષ્ણાત અનુસાર આ બદલાવ પાછળ બે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થવા સાથે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સિસ્ટમનો પણ મોટો ફાળો છે. આ સિસ્ટમોના કારણે વાતાવરણમાં અસ્થિરતા વધતા કમોસમી વરસાદની પરિસ્થિતિ સર્જાઈ રહી છે. સાથે જ 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. જે ખેતી અને સામાન્ય જનજીવન પર અસર કરી શકે છે. આ વચ્ચે મહત્વની વાત એ છે કે આગામી 7 દિવસ સુધી તાપમાનમાં ખાસ કોઈ ફેરફાર નહીં થાય એટલે ગરમીનો પ્રભાવ યથાવત રહેશે. 

અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન રાજસ્થાન ઉપરથી પસાર થશે તેની અસર ગુજરાતને થશે. 28 માર્ચથી પશ્ચિમી વિક્ષેપની અસર પણ ગુજરાતને થશે. આગામી 29 અને 30 માર્ચ ઉત્તર ગુજરાતમાં વરસાદની સંભાવના રહેલી છે. માટે ઉત્તર ગુજરાતમાં યલો એલર્ટ આપવામાં આવે છે. અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના છે. આગામી દિવસોમાં મહહતં તાપમાન 30-40 ડિગ્રી આસપાસ રહેવાની શક્યતા છે.

(9:17 PM IST)