તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 25th March 2026
ખૂન કા બદલા ખૂન : વાસણામાં ભાઈની હત્યાનો બદલો લેવા હિતેશ મેઘવાલની ક્રૂર હત્યા કરનાર વિનોદ ઉર્ફે વિકી રંગવાલને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઝડપ્યો
પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્રસિંહ મલ્લિક અને ડીસીપી અજિત રાજિયાણના નેતૃત્વમાં પીઆઈ એમ. આઈ. સાલુખેની ટીમે ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલ્યો : દોઢ વર્ષ પૂર્વે ભાઈના થયેલા શંકાસ્પદ મોતની અદાવતમાં આરોપીએ ખેલ્યો લોહિયાળ ખેલ

રાજકોટ:શહેરના વાસણા વિસ્તારમાં આવેલા ગુપ્તનગર ખાતે મધરાતે થયેલી એક યુવકની સનસનીખેજ હત્યાનો ભેદ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ગણતરીના કલાકોમાં ઉકેલી કાઢ્યો છે. પોતાના ભાઈના મોત માટે જવાબદાર હોવાની શંકાના આધારે વિકી અગ્રવાલે (રંગવાલ) હિતેશ મેઘવાલની છરીના ઘા ઝીંકી નિર્મમ હત્યા કરી હોવાનું બહાર આવ્યું છે. ક્રાઈમ બ્રાન્ચની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોના આધારે આરોપીને વી.એસ. હોસ્પિટલના પાછળના ગેટ પાસેથી દબોચી લીધો છે.
ઘટનાની વિગત અને બદલાની આગ
પોલીસ અખબારી યાદી મુજબ, ગત તારીખ ૨૪/૦૩/૨૦૨૬ના રોજ મોડી રાત્રે ૨:૦૦ થી ૨:૩૦ વાગ્યાના અરસામાં વાસણાના ગુપ્તનગરમાં રહેતા હિતેશ રમણલાલ મેઘવાલ પોતાના ઘરની બહાર પલંગ પર સૂતા હતા. આ દરમિયાન એક અજાણ્યા શખ્સે આવી તેમના પેટના ભાગે છરીના ઉપરાછાપરી ઘા ઝીંકી દીધા હતા, જેમાં હિતેશનું કરુણ મોત નીપજ્યું હતું.
હત્યાના આ 'અન-ડિટેક્ટ' ગુનાને ઉકેલવા માટે પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્રસિંહ મલ્લિક, જોઇન્ટ પોલીસ કમિશનર (ક્રાઈમ) અને ડીસીપી અજિત રાજિયાણ દ્વારા સૂચના આપવામાં આવી હતી. જેના પગલે ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એમ. આઈ. સાલુખે અને તેમની ટીમે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. તપાસમાં સામે આવ્યું કે આરોપી વિનોદ ઉર્ફે વિકી રામલાલ રંગવાલ (ઉ.વ. ૨૮) ના ભાઈ શ્રવણ રંગવાલની લાશ દોઢ વર્ષ પહેલા ચંદ્રનગર બ્રિજ નીચેથી મળી આવી હતી. વિકીને દ્રઢ શંકા હતી કે તેના ભાઈના મોત પાછળ હિતેશ મેઘવાલનો હાથ છે, જેના બદલામાં તેણે આ હત્યાકાંડનું કાવતરું ઘડ્યું હતું.
પોલીસની ચોકસાઈ અને ધરપકડ
આરોપીએ કબૂલાત કરી છે કે ૨૩મીની મોડી રાત્રે અંદાજે ૧:૩૦ વાગ્યે તેણે પોતાની ઓળખ છુપાવવા માટે જેકેટ અને ટોપી પહેર્યા હતા અને છરી સાથે હિતેશના ઘરે પહોંચ્યો હતો. નિદ્રાધીન હિતેશ પર અચાનક હુમલો કરી તે ફરાર થઈ ગયો હતો. ક્રાઈમ બ્રાન્ચે બાતમીના આધારે ૨૫ માર્ચ ૨૦૨૬ના રોજ આરોપીને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.
વાસણા પોલીસ મથકે આ મામલે બી.એન.એસ. કલમ ૧૦૩(૧) (હત્યા) અને જી.પી. એક્ટ ૧૩૫(૧) મુજબ ગુનો (રજી. નં. ૧૧૧૯૧૦૬૬૨૬૦૦૫૭/૨૦૨૬) દાખલ કરી કાયદેસરની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
(10:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
