તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 25th March 2026
અમદાવાદના રાણીપમાં પત્નીના આડા સબંધોથી કંટાળીને પતિએ ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો
રાણીપ પોલીસે સ્યુસાઈડ નોટના આધારે મૃતકની પત્ની વિરુદ્ધ આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

અમદાવાદ :શહેરના રાણીપ વિસ્તારમાં પત્નીના આડા સબંધોથી કંટાળીને પતિએ ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો હોવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. મૃતક યુવકે સ્યુસાઈડ નોટમાં પોતાની હૈયા વરાળ ઠાલવીને અંતિમ પગલું ભરી લીધુ હતુ.
આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, રાણીપ વિસ્તારના એક એપાર્ટમેન્ટમાં રહેતો 42 વર્ષીય યુવકે પોતાના બેડરૂમમાં ચાદરનો ફંદો બનાવને ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. આ બાબતની જાણ થતાં રાણીપ પોલીસ અને એમ્બ્યુલન્સ સહિતનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. જે બાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલીને આગળની તપાસ હાથ ધરી હતી.
પોલીસની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું કે, મૃતકની પત્નીના પરપુરુષો સાથે અનૈતિક સબંધો હતા. આ બાબતનો ભાંડો ફૂટતા પતિએ પત્નીને સમજાવી હતી કે, તું અવળા ધંધા બંધ કરી દે, આપણે બાળકો છે. જો કે પત્નીએ સુધરવાના બદલે પતિ સાથે ઝઘડો કર્યો હતો. આટલું જ નહીં, પત્નીએ પતિ સાથે ઝઘડો કરીને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી. જેના કારણે હતાશ થઈને તેમણે અંતિમ પગલું ભર્યું છે.
આ સાથે જ પોલીસે બેડરૂમમાંથી મૃતકે અંતિમ પગલું ભરતા પહેલા લખેલી સ્યુસાઈડ નોટ કબજે કરી છે. જેમાં તેમણે લખ્યું છે કે, મારી પત્નીના અનેક લોકો સાથે આડા સબંધો છે. હું મારા બાળકોને ખૂબ જ પ્રેમ કરું છુ. મારા કારણે મારી મમ્મી અને ભાઈએ પણ બહુ જ સહન કર્યું છે, હવે હું બધાની માફી માંગુ છું. હું મારા પરિવાર સિવાય જિંદગીની કલ્પના કરી શકતો નથી. હું મરું તો મારા બાળકો નાનાભાઈ અને મમ્મીને સોંપજો. તેમજ શક્ય હોય તો મારી પત્નીને સજા અપાવજો.
હાલ તો રાણીપ પોલીસે સ્યુસાઈડ નોટના આધારે મૃતકની પત્ની વિરુદ્ધ આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
(8:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
