તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 24th March 2026
ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ હોવાથી અફવાઓથી દૂર રહેવા સરકારની અપીલ : કોમર્શિયલ ગેસના વપરાશકારોને PNGમાં તબદીલ કરવા અને નવા કનેક્શન ફાળવવા માટે યુદ્ધના ધોરણે કામગીરી શરૂ
રાજ્યમાં પેટ્રોલ-ડીઝલની કોઈ અછત કે રેશિંગ નથી, જ્યારે હોસ્પિટલો અને શૈક્ષણિક સંસ્થાઓ માટે ૧૦૦% ગેસ ફાળવણી કરાઈ : અમદાવાદમાં આગામી ૩ માસમાં ૯૦૦ સોસાયટીઓને PNG નેટવર્ક હેઠળ આવરી લેવાનું લક્ષ્ય

ગાંધીનગર: કેન્દ્ર સરકાર દ્વારા ભારત અને ગુજરાત રાજ્યમાં પેટ્રોલ તથા ડીઝલનો પૂરતો બફર સ્ટોક ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે. રાજ્યમાં ઇંધણના વિતરણ પર કોઈ પણ પ્રકારની રોક નથી, તેથી નાગરિકોને સોશિયલ મીડિયા કે અન્ય માધ્યમો દ્વારા ફેલાતી ખોટી ભ્રામક અફવાઓ પર ધ્યાન ન આપવા અને પેટ્રોલ પંપો પર બિનજરૂરી લાઈનો ન લગાવવા વિનંતી કરવામાં આવી છે. સરકાર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે ઇંધણની કિંમતમાં કોઈ વધારો કે રેશિંગ કરવાની હાલ કોઈ વિચારણા નથી, તેથી જનતાએ અને ડીલર્સે સહયોગ આપવો.
કોમર્શિયલ એલ.પી.જી.ની ફાળવણીમાં મોટો ફેરફાર:
રાજ્યમાં ગેસ વિતરણ વ્યવસ્થાને સુદ્રઢ બનાવવા માટે ઓઈલ માર્કેટિંગ કંપનીઓ સાથે મળેલી બેઠકમાં મહત્વના નિર્ણયો લેવાયા છે. શહેરી વિસ્તારોમાં PNG (પાઈપ્ડ નેચરલ ગેસ) ને પ્રોત્સાહન આપવા માટે કોમર્શિયલ એલ.પી.જી. સિલિન્ડરના વપરાશકારોને PNG કનેક્શનમાં તબદીલ કરવાની પ્રક્રિયાને પ્રાથમિકતા અપાશે. ખાસ કરીને હોટલ, રેસ્ટોરન્ટ, ઢાબા અને ધાર્મિક-સામાજિક સંસ્થાઓને આ યોજના હેઠળ આવરી લેવાશે.
વિવિધ સેક્ટરો માટે નવી ફાળવણી મર્યાદા (કેપ):
જ્યાં PNG નેટવર્ક ઉપલબ્ધ નથી, ત્યાં નીચે મુજબ નવા ફાળવણી ફેરફારો અમલી બનશે:
* ૧૦૦% ફાળવણી: હોસ્પિટલો અને શૈક્ષણિક સંસ્થાઓ.
* ૭૦% ફાળવણી: ફાર્માસ્યુટિકલ ઉદ્યોગ, ડેરી ઉદ્યોગ, સીડ પ્રોસેસિંગ યુનિટ અને એરલાઈન/રેલ્વે કેન્ટીન.
* ૨૫% સુધી વધારો: ફિશરીઝ ઉદ્યોગ, રેસ્ટોરન્ટ/ઢાબા, હોટલ ઉદ્યોગ, કોર્પોરેટ કેન્ટીન, ઇન્ડસ્ટ્રીયલ કેન્ટીન, કોર્પોરેટ ગેસ્ટ હાઉસ અને ફૂડ પ્રોસેસિંગ યુનિટ્સ (જે પહેલા ૧૦% હતી).
* MSME સેક્ટર: દરેક જિલ્લામાં રોજગારી પૂરી પાડતા મહત્વના MSME સેક્ટરની ઓળખ કરી તેમને ૧૦% ની મર્યાદામાં ગેસ પૂરો પાડવામાં આવશે.
PNG નેટવર્કનું સુદ્રઢીકરણ અને સુરક્ષા:
જે વિસ્તારોમાં PNG લાઈન ઉપલબ્ધ છે, ત્યાં ગ્રાહકોએ ફરજિયાતપણે ગેસ કનેક્શન મેળવી લેવાનું રહેશે અને ત્યારબાદ તેમનું જૂનું એલ.પી.જી. કનેક્શન O.M.C. (ઓઈલ માર્કેટિંગ કંપની) ને સરેન્ડર કરવું પડશે. CGD (સીટી ગેસ ડિસ્ટ્રિબ્યુશન) કંપનીઓ દ્વારા નવી સોસાયટીઓ અને છૂટાછવાયા વિસ્તારોમાં ૧૦ દિવસમાં નવા કનેક્શન આપવાની કાર્યવાહી હાથ ધરાશે. આ સમગ્ર કામગીરી માટે મ્યુનિસિપલ કોર્પોરેશન અને માર્ગ-મકાન વિભાગ દ્વારા ૨૪ કલાકમાં ROW (રાઈટ ઓફ વે) ની પરવાનગીઓ વિનામૂલ્યે આપવા આદેશ કરાયા છે.
અમદાવાદમાં વિશેષ ઝુંબેશ:
કેન્દ્રીય ગૃહ મંત્રી અને રાજ્યના મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ અમદાવાદમાં આ કામગીરી પ્રાયોરિટી ધોરણે શરૂ કરાઈ છે. હાલમાં અમદાવાદમાં ૧૨૦૦ થી વધુ કોમર્શિયલ અને ૩.૫૦ લાખથી વધુ ડોમેસ્ટિક કનેક્શનોને PNG માં તબદીલ કરવાની પ્રક્રિયા ચાલુ છે. આગામી ૩ મહિનામાં અમદાવાદની અંદાજે ૯૦૦ સોસાયટીઓને નવા PNG નેટવર્કમાં સાંકળી લેવામાં આવશે. આ સમગ્ર પ્રક્રિયાનું મોનિટરિંગ કલેક્ટર અને જિલ્લા પુરવઠા અધિકારીઓ દ્વારા કરવામાં આવી રહ્યું છે.
(2:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
