<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th March 2026

૩૮-૫૦લાખ જેટલાં બાળકોને સપ્તાહમાં એક દિવસ અપાતી ‘‘સુખડી'' હવે બંધ

ફિટ ઈન્‍ડિયાના નામે બે વર્ષ પહેલાં જ લાગુ કરેલી યોજનાનું આખરે શટર પાડી દેવાયું : અલ્‍પાહારના મેનુમાં ફેરફાર : મગચાટ, પૌંવા, મિક્ષ કઠોળ ચાટ સહિતના નાસ્‍તો અપાશે

અમદાવાદ,તા.૨૪: રાજ્‍યની ૩૨.૨૩૦ શાળાઓના અંદાજે ૩૮.૫૦ લાખ જેટલા વિદ્યાર્થીઓને મધ્‍યાહન ભોજનની સાથે સપ્તાહમાં એક વખત અપાતી સુખડી બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. ફિટ ઈન્‍ડિયાના નામે તેલની માત્રા ઓછું કરવાનું કારણ ધરી માત્ર બે જ વર્ષમાં સુખડી યોજનાનુ શટર પાડી દેવાયું છે. આ સાથે ભોજન ઉપરાંત અપાતા નાસ્‍તાના મેનૂમાં પણ મોટો ફેરફાર કરાયો છે.

અત્‍યાર સુધી નાસ્‍તામાં ચણા ચાટ અને શ્રી અન્ન મિલેટ સુખડી અપાતી હતી. જેના બદલે હવે મગચાટ, વેજિટેબલ પૌંવા, મિક્ષ કઠોળ ચાટ, શ્રી અન્ન મિલેટ સુખડી અને વેજિટેબલ ઉપમા આપવામાં આવશે.

રાજ્‍યની તમામ સરકારી શાળાના વિદ્યાર્થીઓને મધ્‍યહન ભોજન આપવામાં આવે છે. માર્ચ-૨૦૨૪માં ગુજરાત સરકાર દ્વારા ભોજન ઉપરાંત સપ્તાહમાં એક દિવસ વિદ્યાર્થીઓને સુખડી આપવા અંગે સત્તાવાર ઠરાવ પ્રસિદ્ધ કરાયો હતો. એ પછી નવેમ્‍બર-૨૦૨૪માં બપોરના ભોજન ઉપરાંત પૌષ્ટિક અલ્‍પાહાર આપવાની ‘મુખ્‍યમંત્રી પૌષ્ટિક અલ્‍પાહાર યોજના શરૂ કરાઈ હતી. જોકે આ યોજનામાં ચણા ચાટ અને શ્રી અન્ન મિલેટ સુખડી આપવાનો નિર્ણય કરાયો હતો. આ પ્રમાણે છેલ્‍લા બે વર્ષથી બાળકોને ભોજન અને નાસ્‍તો આપવામાં આવતો હતો.

જોકે ફરી નાસ્‍તાના મેનૂમા ફેરફાર કરવા સાથે સપ્તાહમાં એક દિવસ અપાતી અલાયદી સુખડીને પણ હટાવી દેવાનો નિર્ણય થયો છે. જેમા કારણ આપ્‍યું છે કે, ફિટ ઈન્‍ડિયા મૂવમેન્‍ટ અંતર્ગત પ્રોટિન-એનર્જી રેશિયાને ધ્‍યાને લેતા તેલની માત્રા ઓછી કરવા બાબતે કમિટી દ્વારા ભલામણ કરવામાં આવી હતી. આથી સુખડીને બંધ કરવામાં આવે છે.

વાર    જૂનું મેનુ        નવું મેનુ

સોમવાર    શ્રી અન્ન-મિલેટ સુખડી   મગ ચાટ

મંગળવાર   ચણા ચાટ          વેજિટેબલ પૌંવા

બુધવાર     શ્રી અન્ન-મિલેટ સુખડી   મિક્ષ કઠોળ ચાટ

ગુરૂવાર     ચણા ચાટ          શ્રી અન્ન-મિલેટ સુખડી

શુક્રવાર     ચણા ચાટ          વેજિટેબલ ઉપમા

શનિવાર        શ્રી અન્ન-મિલેટ સુખડી   વેજિટેબલ પૌંવા

 

(10:18 AM IST)