તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 23rd March 2026
ગાંધીનગરમાં કમલમ ખાતે ભાજપની પ્રદેશ કારોબારી બેઠકમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે હુંકાર : ૮૯૩૧ દિવસ સુધી શાસનના વડા તરીકે નવો કીર્તિમાન સ્થાપવા બદલ નરેન્દ્રભાઈ મોદીનું અભિનંદન પ્રસ્તાવ સાથે બહુમાન
કલમ ૩૭૦ અને રામમંદિર બાદ હવે યુનિફોર્મ સિવિલ કોડ તરફ મક્કમ ડગ માંડતું સંગઠન : બૂથ સ્તરની સક્રિયતા અને પેજ સમિતિના જોરે આગામી ચૂંટણીઓમાં રેકોર્ડબ્રેક જીત મેળવવા કાર્યકર્તાઓને આહ્વાન કરાયું

ગાંધીનગર:ગાંધીનગરના કોબા સ્થિત ભાજપ પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ’ ખાતે પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માની અધ્યક્ષતામાં પ્રદેશ કારોબારી બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી અને પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં સંગઠનની શક્તિ અને સરકારની ઉપલબ્ધિઓને જન-જન સુધી પહોંચાડી આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ઐતિહાસિક વિજય મેળવવાનો નિર્ધાર કરવામાં આવ્યો હતો.
પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ શહીદ દિવસ નિમિત્તે ક્રાંતિવીર ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવને અંજલિ અર્પી સંબોધન શરૂ કર્યું હતું. તેમણે ભારતીય લોકશાહીના ઇતિહાસમાં સૌથી લાંબા સમય સુધી એટલે કે ૮૯૩૧ દિવસ સુધી સરકારના વડા તરીકે નેતૃત્વ કરી નવો કીર્તિમાન સ્થાપવા બદલ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે ૬ એપ્રિલ ૧૯૮૦ના રોજ સ્થપાયેલ ભાજપ આજે એક વટવૃક્ષ બન્યું છે. ભાજપ માત્ર પક્ષ નથી પણ એક વિચારધારા છે, જે ડૉ. શ્યામા પ્રસાદ મુખરજી અને પંડિત દીનદયાલ ઉપાધ્યાયના એકાત્મ માનવ દર્શનના સિદ્ધાંત પર કાર્ય કરે છે. જગદીશભાઈએ વધુમાં ઉમેર્યું હતું કે બૂથ સ્તરની સક્રિયતા જ ભાજપની અજેય શક્તિનું રહસ્ય છે. રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે યુવાન નીતિન નવીનજીની નિમણૂક અને સંગઠનમાં યુવાનોને મળી રહેલી તકો પક્ષની નવી ઊર્જા દર્શાવે છે.
વૈચારિક પ્રતિબદ્ધતા અંગે વાત કરતા જગદીશભાઈએ સ્પષ્ટ કર્યું હતું કે કલમ ૩૭૦ની નાબૂદી અને અયોધ્યામાં ભવ્ય રામમંદિરના નિર્માણ બાદ હવે ભાજપ યુનિફોર્મ સિવિલ કોડ (UCC) તરફ આગળ વધી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશમાંથી જાતિવાદ, પરિવારવાદ અને ભ્રષ્ટાચાર નાબૂદ કરી વિકાસની રાજનીતિ પ્રસ્થાપિત કરી છે. આયુષ્માન ભારત, ઉજ્જવલા યોજના અને પીએમ કિસાન સન્માન નિધિ જેવી યોજનાઓએ સામાન્ય નાગરિકોનું જીવન સરળ બનાવ્યું છે. ગુજરાતના સંદર્ભમાં તેમણે જણાવ્યું કે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સેમીકન્ડક્ટર પોલિસી, નમો લક્ષ્મી અને નમો સરસ્વતી જેવી યોજનાઓથી શિક્ષણ અને આધુનિકીકરણમાં અગ્રેસર છે. ગુજરાતમાં હાલ ૧૬૨ ધારાસભ્યો અને તમામ મહાનગરપાલિકા તથા જિલ્લા પંચાયતોમાં ભાજપનું શાસન છે, જે જનતાના અતૂટ વિશ્વાસનું પ્રતીક છે.
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે વૈશ્વિક અરાજકતા અને યુદ્ધ જેવી પરિસ્થિતિમાં પણ નરેન્દ્રભાઈ મોદીના વિઝનરી નેતૃત્વ હેઠળ ભારત અવિરત પ્રગતિ કરી રહ્યો છે. તેમણે નોંધ્યું હતું કે વૈશ્વિક યુદ્ધના મોરચેથી ૭૫ હજારથી વધુ ભારતીયોને સહી સલામત પરત લાવવા તે મોટી ઉપલબ્ધિ છે. મુખ્યમંત્રીએ પેટ્રોલ-ડીઝલને લગતી કોઈ પણ પ્રકારની અફવાઓથી દૂર રહેવા અને ગેરમાર્ગે ન દોરાવા નાગરિકોને અપીલ કરી હતી. નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ જણાવ્યું હતું કે ગુજરાત ટૂંક સમયમાં યુસીસી લાગુ કરનાર દેશનું બીજું રાજ્ય બનશે. તેમણે કાર્યકર્તાઓને સરકારના નિર્ણયો જનતા સુધી પહોંચાડવા અને આગામી ચૂંટણીમાં રેકોર્ડબ્રેક પરિણામો લાવવા આહ્વાન કર્યું હતું.
સંગઠન મહામંત્રી રત્નાકરજીએ સંગઠનાત્મક કાર્યક્રમોની વિગતો આપતા જણાવ્યું હતું કે ૨૯ એપ્રિલે મંડલ સ્તરે ‘મન કી બાત ટિફિન કે સાથ’ બેઠક યોજાશે. ૫ એપ્રિલે ઘર-ઘર મહાસંપર્ક અભિયાન અને ૬ એપ્રિલે ભાજપ સ્થાપના દિનની ઉજવણી કરવામાં આવશે. સ્થાપના દિને યુવા મોરચાના કાર્યકર્તાઓ વરિષ્ઠ પદાધિકારીઓના નિવાસસ્થાને પક્ષનો ધ્વજ લગાવશે.
કારોબારી બેઠકમાં અમદાવાદ વિમાન દુર્ઘટનામાં અવસાન પામેલા પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સહિતના વરિષ્ઠ આગેવાનો અને નાગરિકોને શ્રદ્ધાંજલિ અર્પી શોક ઠરાવ પસાર કરાયો હતો. પ્રદેશ ઉપાધ્યક્ષ ગૌતમભાઈ ગેડિયાએ રજૂ કરેલા અભિનંદન પ્રસ્તાવને હર્ષદગિરિ ગોસ્વામી, જશુભાઈ પટેલ અને કૈલાશબેન ગામીતે અનુમોદન આપ્યું હતું. પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે ચૂંટણી અને શિસ્ત સમિતિની રચના માટે પ્રદેશ અધ્યક્ષને સત્તા આપતો પ્રસ્તાવ રજૂ કર્યો હતો, જેને સર્વાનુમતે સ્વીકારવામાં આવ્યો હતો. બેઠકનું સ્વાગત પ્રવચન પ્રશાંતભાઈ કોરાટે, સંચાલન અજયભાઈ બ્રહ્મભટ્ટે અને આભાર વિધિ હિતેન્દ્રસિંહ ચૌહાણે કરી હતી. આ પ્રસંગે અનિરુદ્ધભાઈ દવે સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
(10:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
