તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 23rd March 2026
સાબરકાંઠાના પ્રાંતિજમાં પેટ્રોલ અને ડીઝલની અછત સર્જાવાની અફવા: પેટ્રોલ પંપો પર ભારે અફરાતફરી
આગામી દિવસોમાં ઈંધણ નહીં મળે તેવી આશંકા અને ડરને કારણે લોકો પોતાના વાહનો લઈને પેટ્રોલ પંપ પર ઉમટી પડ્યા

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ શહેરમાં આજે પેટ્રોલ અને ડીઝલની અછત સર્જાવાની અફવાએ જોર પકડતા પેટ્રોલ પંપો પર ભારે અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. આગામી દિવસોમાં ઈંધણ નહીં મળે તેવી આશંકા અને ડરને કારણે વહેલી સવારથી જ લોકો પોતાના વાહનો લઈને પેટ્રોલ પંપ પર ઉમટી પડ્યા હતા. સોશિયલ મીડિયા પર વહેતી થયેલી અફવાઓને કારણે લોકોમાં ગભરાટ ફેલાયો હતો, જેને પગલે દરેક પંપ પર વાહનોની લાંબી લાઈનો લાગી ગઈ હતી.
પરિસ્થિતિ એટલી ગંભીર બની હતી કે પેટ્રોલ પુરાવવા માટેની આ કતારો પેટ્રોલ પંપના કમ્પાઉન્ડની બહાર મુખ્ય રસ્તાઓ સુધી પહોંચી ગઈ હતી. વાહનચાલકો કલાકો સુધી લાઈનમાં ઊભા રહીને પણ પોતાની ટાંકી ફૂલ કરાવવા માટે મજબૂર બન્યા હતા. અચાનક વધેલી આ ભીડને કારણે પંપ સંચાલકોને પણ વ્યવસ્થા જાળવવામાં મુશ્કેલી પડી રહી હતી અને આસપાસના વિસ્તારોમાં ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.
સ્થાનિક વહીવટી તંત્ર અને પંપ સંચાલકો દ્વારા લોકોને અપીલ કરવામાં આવી રહી છે કે તેઓ આવી કોઈ પણ પાયાવિહોણી અફવાઓ પર વિશ્વાસ ન કરે. ઈંધણનો પુરવઠો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે અને પુરવઠો ખોરવાવાની કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. લોકોને બિનજરૂરી રીતે લાઈનો ન લગાવવા અને શાંતિ જાળવવા વિનંતી કરવામાં આવી છે જેથી સામાન્ય જનજીવન પ્રભાવિત ન થાય.
(9:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
