તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 23rd March 2026
ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ હોવાની જાહેરાત : સોશિયલ મીડિયા પર વહેતી અછતની ખોટી અફવાઓથી દૂર રહેવા નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની જનતાને અપીલ : જુઓ વિડીયો
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ઈંધણના પુરવઠા અંગે યોજાયેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં લેવાયો મહત્વનો નિર્ણય : દર બે દિવસે પરિસ્થિતિની સમીક્ષા કરવામાં આવશે અને સંગ્રહખોરી કે પેનિક ન કરવા રાજ્ય સરકારની સ્પષ્ટ સૂચના

વિજય વસાણી દ્વારા, ગાંધીનગર: રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી પેટ્રોલ અને ડીઝલની અછત વર્તાઈ રહી હોવાની આશંકા સાથે સોશિયલ મીડિયા પર ચાલી રહેલી વિવિધ અફવાઓ પર રાજ્ય સરકારે પૂર્ણવિરામ મૂક્યું છે. ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ આ બાબતે સત્તાવાર સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે રાજ્યમાં ઈંધણનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને નાગરિકોએ કોઈપણ પ્રકારની ખોટી માહિતીથી ગભરાવાની કે ચિંતા કરવાની જરૂર નથી.
આ વિષયની ગંભીરતાને ધ્યાને લઈને આજે બપોરે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સીધા માર્ગદર્શન હેઠળ ઈંધણના પ્રવર્તમાન જથ્થા અને પુરવઠાની સાંકળ અંગે એક અત્યંત મહત્વની બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં લેવાયેલા નિર્ણયોની વિગતો આપતા હર્ષભાઈ સંઘવીએ ઉમેર્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પોતે આ બાબતે અંગત રસ લઈ રહ્યા છે અને દર બે દિવસે રાજ્યમાં ઈંધણની સ્થિતિનો ખાસ રિવ્યૂ લેવામાં આવી રહ્યો છે.
નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ રાજ્યના તમામ નાગરિકોને ભારપૂર્વક વિનંતી કરી છે કે સોશિયલ મીડિયામાં વહેતી થતી પાયાવિહોણી માહિતી કે અફવાઓ પર વિશ્વાસ ન કરવો અને આવી ભ્રામક વિગતો આગળ ફેલાવવી પણ નહીં. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, "રાજ્ય પાસે પેટ્રોલ અને ડીઝલનો જથ્થો પૂરતા પ્રમાણમાં સંગ્રહિત છે, માટે જનતાએ બિનજરૂરી રીતે ઈંધણનો સંગ્રહ કરવો નહીં કે પેનિકમાં આવીને ગભરાટ ફેલાવવો નહીં."
સરકાર દ્વારા ઈંધણના સપ્લાય અંગે ખાતરી આપવામાં આવી છે કે રાજ્યના તમામ પેટ્રોલ પંપ પર ઈંધણ નિયમિત રીતે મળી રહે તે માટે તંત્ર દ્વારા સતત નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. જો ક્યાંય પણ સપ્લાયમાં ટેકનિકલ ખામી કે અન્ય કોઈ સમસ્યા જણાશે તો તેની તાત્કાલિક નોંધ લઈને ત્વરિત નિરાકરણ લાવવામાં આવશે. હર્ષભાઈ સંઘવીએ વધુમાં જણાવ્યું કે, જો રાજ્યમાં ક્યાંય પણ ઈંધણની તંગી ઉભી કરવાનો પ્રયાસ થાય અથવા અફવા ફેલાવવાની જાણકારી મળે, તો તેવા કિસ્સામાં કડક પગલાં લેવા માટે વહીવટી તંત્રને સજ્જ કરી દેવામાં આવ્યું છે. હાલમાં સમગ્ર રાજ્યમાં ઈંધણની વ્યવસ્થા સુચારુ છે અને સરકાર દરેક ગતિવિધિ પર ઝીણવટભરી નજર રાખી રહી છે.
(5:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
