તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 22nd March 2026
અમદાવાદ-વડોદરા હાઈવે પર 'રોકડ' કાયમ માટે બંધ: ૧લી એપ્રિલથી વાસદ અને ખેડા ટોલ પ્લાઝા પર માત્ર ડિજિટલ પેમેન્ટ જ સ્વીકારાશે
ટોલ ટેક્સની ચોરી કરનારા 'નકલી' દસ્તાવેજબાજો પર તવાઈ: FASTag અને UPI વગર પસાર થનારા વાહનોને પોલીસ કાર્યવાહીનો સામનો કરવો પડશે, કેન્દ્ર સરકારના આદેશ બાદ નેશનલ હાઈવે ૪૮ પર કડક નિયમો અમલી

આણંદ: અમદાવાદ અને વડોદરાને જોડતા વ્યસ્ત નેશનલ હાઈવે નંબર ૪૮ પર મુસાફરી કરનારા વાહનચાલકો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. આગામી ૧લી એપ્રિલ ૨૦૨૬થી વાસદ અને ખેડા ટોલ પ્લાઝા પર રોકડમાં ટોલ સ્વીકારવાનું સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવશે. કેન્દ્ર સરકારના માર્ગ અને પરિવહન મંત્રાલય દ્વારા લેવામાં આવેલા આ ક્રાંતિકારી નિર્ણય મુજબ, હવેથી દરેક વાહનચાલકે FASTag અથવા ગૂગલ પે અને ફોન પે જેવી UPI એપ્લિકેશન દ્વારા જ ટોલની ચુકવણી કરવાની રહેશે. આ પગલાનો મુખ્ય ઉદ્દેશ્ય ટોલ પ્લાઝા પર થતી સમયની બચત અને માનવીય હસ્તક્ષેપને ઘટાડીને પારદર્શિતા લાવવાનો છે.
વાસદ અને ખેડા ટોલના મેનેજમેન્ટ દ્વારા લેવાયેલા આ કડક નિર્ણય પાછળ વાહનચાલકો દ્વારા કરવામાં આવતી છેતરપિંડી પણ એક મુખ્ય કારણ છે. ટોલ મેનેજરોના જણાવ્યા મુજબ, અનેક વાહનચાલકો ટોલ મુક્તિ મેળવવા માટે નકલી RC બુક, અન્ય વ્યક્તિના આધાર કાર્ડ અથવા ખોટા રહેઠાણના પુરાવા રજૂ કરીને સરકારના રાજસ્વને નુકસાન પહોંચાડી રહ્યા છે. હવેથી જો કોઈ વાહનચાલક ટોલ પ્લાઝા પર નકલી દસ્તાવેજ બતાવતા ઝડપાશે, તો તેની સામે તુરંત પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવશે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે. આ અંગે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં પણ સત્તાવાર પત્ર રજૂ કરી દેવામાં આવ્યો છે.
નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) ના પરિપત્ર મુજબ, જે સરકારી હોદ્દેદારો કે વાહનોને ટોલમાંથી મુક્તિ આપવામાં આવી છે, તેમણે પણ હવે FASTag આધારિત સિસ્ટમનો જ ઉપયોગ કરવો પડશે. જૂના રેકોર્ડ્સની તપાસ દરમિયાન માલૂમ પડ્યું છે કે ખોટા દસ્તાવેજોને કારણે સરકારને મોટા પ્રમાણમાં આર્થિક નુકસાન થયું છે. આ નુકસાનની ભરપાઈ હવે જે તે વાહનના વર્ગ અને દર મુજબ વસૂલવામાં આવશે. જે વાહનચાલકો પાસે FASTag નથી અથવા તેમાં બેલેન્સ નથી, તેમણે ફરજિયાતપણે ડિજિટલ માધ્યમોનો આશરો લેવો પડશે, અન્યથા તેમને પ્લાઝા પરથી પસાર થવા દેવામાં આવશે નહીં.
આ નવા નિયમના અમલીકરણ માટે ટોલ પ્લાઝા પર સુરક્ષા વ્યવસ્થા પણ સઘન બનાવવામાં આવી છે. વાસદ અને ખેડા ટોલના લાયઝન મેનેજરે સ્પષ્ટ કર્યું છે કે ડિજિટલ ઈન્ડિયાના અભિયાનને વેગ આપવા અને હાઈવે પર ટ્રાફિક જામની સમસ્યા નિવારવા માટે આ ફેરફાર અનિવાર્ય છે. ૧લી એપ્રિલથી રોકડની બારીઓ કાયમ માટે બંધ થઈ જશે, તેથી વાહનચાલકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ સમયસર પોતાના FASTag રીચાર્જ કરાવી લે અથવા UPI પેમેન્ટની સુવિધા તૈયાર રાખે. આ ફેરફારથી હાઈવે પર મુસાફરી વધુ ઝડપી અને વિવાદમુક્ત બનશે તેવી અપેક્ષા છે.
(2:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
