News of Sunday, 22nd March 2026
સુરતમાં યોગની આડમાં નકલી નોટોનું 'સત્યમ' કૌભાંડ: યોગ ગુરુ પ્રદીપ ચીન જઈને શીખ્યો હતો જાળી નોટો છાપવાની કરામત
સત્યમ યોગ ફાઉન્ડેશનના સંચાલકે ડ્રેગનના દેશમાં પાંચ દિવસ રોકાઈને કરન્સી પેપર અને પ્રિન્ટિંગનું લીધું હતું સ્પેશિયલ ટ્રેનિંગ; સ્ટેશનરીની આડમાં ચીનથી મંગાવ્યું સિક્યોરિટી પેપરનું કન્સાઈનમેન્ટ અને ૧૫ લાખની નકલી નોટો બજારમાં વહેતી કર્યાનો ક્રાઈમ બ્રાન્ચનો સનસનાટીભર્યો ખુલાસો

સુરત: હીરાનગરી સુરતમાં યોગની પવિત્ર પ્રવૃત્તિની આડમાં ચાલી રહેલા કાળા કારોબારનો ક્રાઈમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો છે. સત્યમ યોગ ફાઉન્ડેશનના નામે જાણીતા કથિત યોગ ગુરુ પ્રદીપ અને તેના સાગરિત મુકેશ હુમ્મરની પૂછપરછમાં એવો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે કે, આ આખું રેકેટ આંતરરાષ્ટ્રીય સ્તરે ફેલાયેલું હતું. આરોપી પ્રદીપ ગત જાન્યુઆરી મહિનામાં ખાસ ચીનના ગંગાઝાઉ અને કિંગડાઉ શહેરોની પાંચ દિવસની મુલાકાતે ગયો હતો. ત્યાં સ્થાનિક એજન્ટોની મદદથી તેણે કરન્સી સિક્યોરિટી પેપરના સેમ્પલ મેળવ્યા હતા અને ચીની ચલણ તેમજ ભારતીય ૫૦૦ની નોટનું ટ્રાયલ પ્રિન્ટિંગ કરીને તેની ગુણવત્તા ચકાસી હતી. ચીનથી પરત આવ્યા બાદ સુરતમાં મોટા પાયે નકલી નોટો છાપવાનું આખું મશીનરી સેટઅપ ગોઠવવામાં આવ્યું હતું.
તપાસ એજન્સીઓના જણાવ્યા અનુસાર, પ્રદીપે ચીનથી કુલ ત્રણ વાર હાઈ-ક્વોલિટી કરન્સી પેપરનો જથ્થો મંગાવ્યો હતો. આ જથ્થો પકડાય નહીં તે માટે તેણે કસ્ટમ્સ અને અન્ય એજન્સીઓની આંખમાં ધૂળ નાખવા સ્ટેશનરીના સામાનની આડમાં કન્સાઈનમેન્ટ મંગાવ્યું હતું. એક અંદાજ મુજબ, એક બોક્સ દીઠ તેણે દોઢ લાખ રૂપિયાનો ખર્ચ કર્યો હતો. સુરતના કામરેજ નજીક ધોરણ પારડી ગામમાં આવેલા આશ્રમને જ તેણે ટંકશાળ બનાવી દીધી હતી. અત્યાર સુધીમાં તેણે કરોડો રૂપિયાની નકલી નોટો છાપી હોવાની પ્રબળ શક્યતા છે, જેના મૂળ શોધવા માટે ક્રાઈમ બ્રાન્ચની સાથે કેન્દ્રીય તપાસ એજન્સીઓ પણ હવે મેદાનમાં આવી છે.
સૌથી ગંભીર બાબત એ છે કે, આરોપીઓએ આ નકલી નોટોની વિશ્વસનીયતા ચકાસવા માટે આશરે ૧૫ લાખ રૂપિયાની જાળી નોટો અગાઉ જ બજારમાં અલગ-અલગ માધ્યમોથી વહેતી કરી દીધી હતી. આ નોટો અસલી નોટ જેવી જ દેખાતી હોવાથી સામાન્ય માણસ તેને ઓળખી શકે તેમ નથી. પોલીસને શંકા છે કે ગુજરાતના વિવિધ શહેરોમાં આ નકલી નોટો પહેલેથી જ સર્ક્યુલેટ થઈ ગઈ છે. રવિવારે ક્રાઈમ બ્રાન્ચની ટીમે આશ્રમ અને આરોપીઓના નિવાસસ્થાને સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે, જેમાં વધુ વાંધાજનક દસ્તાવેજો અને કાચો માલ મળી આવવાની શક્યતા છે.
આ કૌભાંડમાં ચીની કનેક્શન સામે આવતા હવે કસ્ટમ્સ અને અન્ય સુરક્ષા એજન્સીઓને પણ પ્રાથમિક રિપોર્ટ સોંપવામાં આવ્યો છે. એક યોગ ગુરુ તરીકેની છબી બનાવીને પ્રદીપે જે રીતે દેશના અર્થતંત્રને નુકસાન પહોંચાડવાનું કાવતરું ઘડ્યું છે તેનાથી સુરતવાસીઓ સ્તબ્ધ છે. આગામી દિવસોમાં આ કેસમાં કયા મોટા માથા સામેલ છે અને ચીનથી કાગળ મંગાવવામાં કોણે મદદ કરી હતી તે દિશામાં તપાસ તેજ કરવામાં આવી છે. પોલીસ હવે એવા લોકોની યાદી તૈયાર કરી રહી છે જેમણે આ ટોળકી પાસેથી મોટી માત્રામાં નકલી નોટો ખરીદી હતી.
(11:25 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
