<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 21st March 2026

ગાંધીનગરના 'ડોગ લવર્સ' માટે રાહતના સમાચાર: પાળતુ શ્વાનના રજીસ્ટ્રેશનની મુદત લંબાવાઈ, હવે 15 એપ્રિલ સુધી કરાવી શકાશે નોંધણી

મનપાનો મોટો નિર્ણય: અત્યાર સુધી 527 શ્વાન નોંધાયા; કાયદાકીય ગૂંચવણ ટાળવા અને વેક્સિનેશન સર્ટિફિકેટ સાથે નોંધણી કરાવવા મહાનગરપાલિકાની ખાસ અપીલ

ગાંધીનગર: ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં પાળતુ શ્વાન રાખતા નાગરિકો માટે મહાનગરપાલિકાએ મહત્વની જાહેરાત કરી છે. પાળતુ શ્વાનના ફરજિયાત રજીસ્ટ્રેશન માટે અગાઉ જાહેર કરવામાં આવેલી સમયમર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે. હવે શહેરના શ્વાન માલિકો આગામી 15 એપ્રિલ, 2026 સુધી કોઈપણ દંડ કે મુશ્કેલી વગર પોતાના વ્હાલસોયા શ્વાનની સત્તાવાર નોંધણી કરાવી શકશે.
શા માટે લેવાયો આ નિર્ણય?
ગાંધીનગર મનપા દ્વારા અગાઉ 15 ડિસેમ્બર 2025થી 16 માર્ચ 2026 સુધીના 90 દિવસની મુદત આપવામાં આવી હતી. જોકે, હજુ પણ અનેક વિસ્તારોમાં નોંધણી પ્રક્રિયા બાકી હોવાનું જણાતા અને લોકોની રજૂઆતોને ધ્યાનમાં રાખીને તંત્રએ વધુ એક મહિનાની મુદત વધારી આપી છે. અત્યાર સુધીમાં શહેરના 527થી વધુ જાગૃત નાગરિકોએ પોતે જવાબદાર પેટ ઓનર હોવાની સાબિતી આપી રજીસ્ટ્રેશન કરાવી લીધું છે.
રજીસ્ટ્રેશન માટે કયા ડોક્યુમેન્ટ્સ છે જરૂરી?
રજીસ્ટ્રેશનની પ્રક્રિયા ઓનલાઇન અને ઓફલાઇન બંને રીતે સરળ બનાવવામાં આવી છે. અરજદારે ફોર્મ ભરીને જરૂરી દસ્તાવેજો સાથે રૂબરૂ મહાનગરપાલિકાની કચેરીનો સંપર્ક કરવાનો રહેશે. નોંધણી માટે નીચે મુજબના પુરાવા ફરજિયાત છે:
•    પ્રોપર્ટી ટેક્સનું લેટેસ્ટ બિલ (રહેઠાણના પુરાવા તરીકે).
•    સરકારી ઓળખપત્ર (આધાર કાર્ડ/ચૂંટણી કાર્ડ).
•    એન્ટી-રેબીઝ વેક્સિન સર્ટિફિકેટ: માન્ય વેટેનરી ડોક્ટર દ્વારા અપાયેલું હોવું જોઈએ.
•    ફોટા: શ્વાનનો ફોટો, માલિકનો ફોટો અને જ્યાં શ્વાનને રાખવામાં આવે છે તે જગ્યાનો ફોટો.
તંત્રની કડક સૂચના
મહાનગરપાલિકાએ સ્પષ્ટ કર્યું છે કે આ રજીસ્ટ્રેશન માત્ર કાયદાકીય પ્રક્રિયા નથી, પરંતુ જાહેર આરોગ્ય અને સુરક્ષા માટે પણ અનિવાર્ય છે. જો નિર્ધારિત સમયમાં રજીસ્ટ્રેશન નહીં કરવામાં આવે તો ભવિષ્યમાં પાલિકા દ્વારા દંડનીય કાર્યવાહી પણ કરવામાં આવી શકે છે. ગાંધીનગરના શ્વાન પ્રેમીઓએ આ વધારાની મુદતનો લાભ લઈ વહેલી તકે પોતાના પાળતુ શ્વાનને 'સરકારી ચોપડે' નોંધાવી લેવા અનુરોધ કરાયો છે.

(7:29 PM IST)