<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 21st March 2026

સુરત સિવિલમાં માનવતાનું મહાદાન: UP ના 40 વર્ષીય બ્રેઈનડેડ યુવકના અંગદાનથી ત્રણ વ્યક્તિઓને મળશે 'નવજીવન', નવી સિવિલનું 91મું સફળ અંગદાન

ટ્રક પર તાડપત્રી બાંધતા વીજ કરંટ લાગતા માનસિંહ સિંહનું નિધન; પત્ની પુષ્પાબેને હૈયાફાટ રુદન વચ્ચે સ્વજનના અંગો દાન કરી સમાજને ચીંધ્યો નવો રાહ

સુરત: 'દાનમાં સબસે બડા અંગદાન' એ ઉક્તિને સુરતે ફરી એકવાર સાર્થક કરી બતાવી છે. મૂળ ઉત્તર પ્રદેશના અને સુરતને પોતાની કર્મભૂમિ બનાવનાર એક શ્રમિક પરિવારના મોભીએ જતાં-જતાં ત્રણ અજાણ્યા વ્યક્તિઓના જીવનમાં ઉજાસ પાથર્યો છે. નવી સિવિલ હોસ્પિટલ ખાતે આજે 91મું સફળ અંગદાન સંપન્ન થયું છે, જેમાં બ્રેઈનડેડ જાહેર થયેલા 40 વર્ષીય માનસિંહ રાધેશ્યામ સિંહના પરિવારે ભારે હૈયે અંગદાનની સંમતિ આપી માનવતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
કરંટ લાગતા સર્જાયો કાળો કેર
મૂળ યુપીના પ્રતાપગઢના વતની અને વ્યવસાએ ટ્રક ડ્રાઈવર માનસિંહ ગત 17મી માર્ચના રોજ વ્યારા પાસે પોતાના ટ્રક પર તાડપત્રી બાંધી રહ્યા હતા. આ દરમિયાન અચાનક જીવંત વીજતારના સંપર્કમાં આવતા તેમને જોરદાર કરંટ લાગ્યો હતો અને તેઓ ઘટનાસ્થળે જ બેભાન થઈ ગયા હતા. વ્યારાથી તેમને તાત્કાલિક સુરત સિવિલ ખસેડાયા હતા, પરંતુ વિધિના વિધાન મુજબ ન્યુરોલોજિસ્ટ અને ન્યુરોસર્જનની ટીમે તેમને 'બ્રેઈનડેડ' જાહેર કર્યા હતા.
પત્નીનો સાહસિક નિર્ણય: "કોઈનું જીવન બચે તેનાથી મોટું શું?"
જ્યારે હોસ્પિટલના તબીબો અને નર્સિંગ કાઉન્સિલના સભ્યોએ માનસિંહના પરિવારને અંગદાનનું મહત્વ સમજાવ્યું, ત્યારે વાતાવરણ ગમગીન બની ગયું હતું. જોકે, પતિના નિધનના આઘાત વચ્ચે પણ પત્ની પુષ્પાસિંહે અદભૂત સાહસ બતાવ્યું હતું. તેમણે ભીની આંખે કહ્યું કે, "મારા પતિ તો નથી રહ્યા, પણ જો તેમના અંગોથી કોઈ બીજાના ઘરનો ચિરાગ રોશન થતો હોય, તો તેનાથી મોટું પુણ્ય બીજું કયું હોઈ શકે?" પરિવારની આ સંમતિ બાદ માનસિંહનું લીવર અને બંને કિડની દાનમાં લેવામાં આવ્યા હતા.
અમદાવાદ સુધી ગ્રીન કોરિડોર
તબીબી અધિક્ષક ડો. ધરિત્રી પરમારના માર્ગદર્શન હેઠળ સુરત સિવિલના સ્ટાફે યુદ્ધના ધોરણે પ્રક્રિયા પૂર્ણ કરી હતી. માનસિંહના અંગોને અમદાવાદની એપોલો હોસ્પિટલ ખાતે જરૂરિયાતમંદ દર્દીઓ માટે લઈ જવામાં આવ્યા હતા. આ અંગદાનથી ત્રણ પરિવારોમાં ફરી ખુશીઓ પરત ફરશે. સુરતની નવી સિવિલ હોસ્પિટલે આ 91માં અંગદાન સાથે સાબિત કર્યું છે કે અંગદાનની જાગૃતિમાં સુરત સમગ્ર દેશમાં અગ્રેસર છે.

(6:35 PM IST)