<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 21st March 2026

પાટણના ખેડૂતની 'કુદરતી' કમાલ: યુરિયા-DAP વગર પકવ્યા સોના જેવા બટાકા, ગાય આધારિત ખેતીમાં એક વિઘાએ ₹70 હજારની મબલખ કમાણી

ગોલાપુર ગામના ઉમેદસિંહ સોલંકીએ રાસાયણિક ખાતરને આપી તિલાંજલિ; પહેલી જ વખતના પ્રયોગમાં 100 કટ્ટાનું રેકોર્ડ બ્રેક ઉત્પાદન મેળવી અન્ય ખેડૂતો માટે બન્યા પ્રેરણારૂપ

પાટણ: વર્તમાન સમયમાં જ્યારે ખેતીમાં રાસાયણિક ખાતરો અને જંતુનાશકોનો અંધાધૂંધ વપરાશ વધી રહ્યો છે, ત્યારે પાટણ જિલ્લાના ગોલાપુર ગામના એક ખેડૂતે જમીનની ફળદ્રુપતા અને માનવ સ્વાસ્થ્યને બચાવવાનો ભગીરથ પ્રયાસ કર્યો છે. ઉમેદસિંહ સોલંકી નામના આ ખેડૂતે કોઈ પણ પ્રકારના કેમિકલ વગર, માત્ર ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અપનાવી બટાકાનું મબલખ ઉત્પાદન મેળવી આધુનિક ખેતીની વ્યાખ્યા બદલી નાખી છે.
છાણીયા ખાતરની શક્તિ અને બમણું વળતર
ઉમેદસિંહે તેમના ખેતીના અનુભવ વિશે જણાવતા કહ્યું કે, તેમણે જીવનમાં પ્રથમવાર બટાકાનું વાવેતર કર્યું હતું. કોઈ પણ મોંઘા ખાતરને બદલે તેમણે જમીનમાં 25 થી 30 ટ્રોલી દેશી છાણીયું ખાતર નાખીને કુદરતી પદ્ધતિથી માવજત કરી હતી. પરિણામ એટલું આશ્ચર્યજનક આવ્યું કે, રાસાયણિક ખેતી કરતા ખેડૂતો પણ જોતા રહી ગયા. તેમને પ્રતિ વિઘે અંદાજે 100 કટ્ટા જેટલું માતબર ઉત્પાદન મળ્યું છે. આ બટાકા કદમાં મોટા અને સ્વાદમાં બજારના સામાન્ય બટાકા કરતા ચઢિયાતા સાબિત થયા છે.
ખર્ચ ઓછો અને નફો વધુ
આર્થિક પાસાની વાત કરીએ તો, પ્રાકૃતિક ખેતી ઉમેદસિંહ માટે વરદાન સાબિત થઈ છે. બજારમાં સામાન્ય બટાકા જ્યારે ₹15 પ્રતિ કિલો વેચાય છે, ત્યારે શુદ્ધ અને કેમિકલ રહિત હોવાથી તેમના બટાકાની માંગ વધુ રહેતા તેમને ₹20 સુધીનો ભાવ મળ્યો છે. આમ, ખાતર પાછળનો ખર્ચ શૂન્ય હોવાથી અને ભાવ ઉંચો મળતા તેમને પ્રતિ વિઘે અંદાજે ₹70 હજાર જેટલી ચોખ્ખી આવક થઈ છે.
સરકારની પ્રાકૃતિક ખેતીની ઝુંબેશને વેગ
ગામના સરપંચ દિલીપસિંહે આ સફળ પ્રયોગને બિરદાવતા જણાવ્યું કે, "આ પ્રયોગ સાબિત કરે છે કે જો ગાય આધારિત ખાતરનો ઉપયોગ થાય તો મોંઘા કેમિકલ્સની જરૂર રહેતી નથી." વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાજ્ય સરકાર પણ સતત પ્રાકૃતિક ખેતી પર ભાર મૂકી રહી છે, ત્યારે ઉમેદસિંહની આ સાફલ્યગાથા અન્ય ખેડૂતોને પણ આ દિશામાં વળવા પ્રેરણા આપી રહી છે. ઉમેદસિંહ સોલંકીએ અન્ય ખેડૂતોને અપીલ કરી છે કે, જમીન અને સ્વાસ્થ્ય બંનેને બચાવવા માટે હવે રાસાયણિક ખેતી છોડી 'બેક ટુ નેચર' જવાનો સમય પાકી ગયો છે.

(6:33 PM IST)