<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 21st March 2026

ગુજરાત અશાંતધારો વધુ કડક બનશેઃ મિલકત વેચાણ માટે કલેકટરની મંજૂરી ફરજિયાત, ભંગ બદલ ૫ વર્ષની સજા

ગુજરાત સરકાર રાજ્યના સંવેદનશીલ વિસ્તારોમાં શાંતિ જાળવવા માટે કડક પગલાં લઈ રહી છે : નવા કાયદા હેઠળ, મિલકત વેચાણ માટે કલેકટરની મંજૂરી ફરજિયાત રહેશે અને ડિજિટલ ટેકનોલોજીનો ઉપયોગ થશે. કાયદાનું ઉલ્લંઘન કરનારાઓ સામે કડક દંડની જોગવાઈ પણ કરવામાં આવી છે

અમદાવાદ તા.૨૧: ગુજરાત સરકાર રાજ્યના સંવેદનશીલ વિસ્તારોમાં શાંતિ અને કોમી સંવાદિતા જાળવવા વધુ કડક પગલાં લેવા જઈ રહી છે. આ દિશામાં 'અશાંત ધારો'ને વધુ મજબૂત બનાવતા 'ગુજરાત અશાંત વિસ્તારોમાં મિલકત તબદીલી સુધારા વિધેયક-૨૦૨૬' આગામી વિધાનસભા સત્રમાં રજૂ થવાનું છે. નવા સુધારા મુજબ હવે 'અશાંત વિસ્તાર' શબ્દને બદલે 'નિર્દિષ્ટ વિસ્તાર' જેવા વ્યાપક શબ્દપ્રયોગનો સમાવેશ કરવામાં આવશે, જેથી કાયદાની અસરકારકતા વધારવામાં આવે.

વિધેયકની મહત્વપૂર્ણ જોગવાઈ મુજબ, હવે કોઈપણ નિર્દિષ્ટ વિસ્તારમાં મિલકત વેચવા અથવા હસ્તાંતર કરવા માટે જિલ્લા કલેકટરની પૂર્વ લેખિત મંજૂરી ફરજિયાત બનાવવામાં આવશે. કલેકટર દ્વારા મંજૂરી આપતા પહેલાં માત્ર ખરીદનાર-વેચનારની સંમતિ જ નહીં, પરંતુ મિલકતની વાસ્તવિક કિમત, સોદાની પારદર્શિતા અને તેનાથી વિસ્તારની સામાજિક પરિસ્થિતિ પર કોઈ પ્રતિકૂળ અસર પડશે કે નહીં તેની વિગતવાર તપાસ કરવામાં આવશે. જો મંજૂરી વગર સોદો કરવામાં આવશે તો તે કાયદાકીય રીતે અમાન્ય ગણાશે.

કાયદાના અમલીકરણને વધુ અસરકારક બનાવવા માટે સરકાર ડિજિટલ મેપિંગ અને જીઓ-ફેન્સિંગ જેવી આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરશે. આથી નિર્દિષ્ટ વિસ્તારોની સીમાઓ ચોક્કસ રીતે નક્કી કરી શકાશે. ઉપરાંત, તપાસ પ્રક્રિયામાં પારદર્શિતા લાવવા જિલ્લા કલેકટર પોલીસ અને મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ સાથે મળીને સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)ની મદદ લઈ શકશે. ખાસ બાબત એ છે કે, કલેકટર દ્વારા મંજૂરી આપવામાં આવ્યા પછી પણ રાજ્ય સરકાર 'સુઓ મોટો' સત્તાનો ઉપયોગ કરીને કેસની પુનઃ સમીક્ષા કરી શકશે.

નવા કાયદામાં ઉલ્લંઘન કરનારાઓ સામે કડક દંડની જોગવાઈ પણ કરવામાં આવી છે. નિયમોનું ભંગ કરનારને ૩ થી ૫ વર્ષની સજા થઈ શકે છે. સાથે જ, મિલકતની જંત્રી કિમતના ૨૫ ટકા અથવા રૃ. ૧ લાખ, જે વધુ હોય તે દંડ વસૂલવામાં આવશે. ખોટા દસ્તાવેજો રજૂ કરનાર અથવા ખોટી માહિતી આપનાર સામે ફોજદારી ગુનો નોંધવાની જોગવાઈ પણ રાખવામાં આવી છે.

સરકારના આ પગલાનો મુખ્ય હેતુ હુલ્લડ અથવા હિસાની ભીતિ ધરાવતા વિસ્તારોમાં અનૈચ્છિક સ્થળાંતરને રોકવાનો અને અસામાજિક તત્વો દ્વારા મિલકતો પર થતા ગેરકાયદે કબજાઓને અટકાવવાનો છે. આ સુધારા અમલમાં આવ્યા બાદ સંવેદનશીલ વિસ્તારોમાં મિલકત વ્યવહારો વધુ નિયમિત અને નિયંત્રિત બનશે તેવી અપેક્ષા વ્યકત કરવામાં આવી રહી છે.

(10:32 AM IST)