<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 20th March 2026

વિપક્ષના બેરોજગારીના આક્ષેપો તથ્યવિહીન અને રાજકીય એજન્ડાથી પ્રેરિત : ૧.૧% ના સૌથી નીચા બેરોજગારી દર સાથે ગુજરાત દેશમાં અગ્રેસર

સેમિકન્ડક્ટર ક્ષેત્રે ₹૩૫ હજાર કરોડના રોકાણથી ૫૫ હજાર નવી નોકરીઓ સર્જાશે : ‘જોબ સીકર’ નહીં પણ ‘જોબ ગીવર’ બની રહ્યો છે ગુજરાતનો યુવાન - ભાજપા પ્રદેશ મુખ્ય પ્રવક્તા ડૉ. અનિલ પટેલ

ગાંધીનગર:રાજ્યમાં બેરોજગારીના મુદ્દે કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલા આક્ષેપો પર આકરા પ્રહારો કરતા ભાજપા પ્રદેશ મુખ્ય પ્રવક્તા ડૉ. અનિલ પટેલે જણાવ્યું છે કે, વિપક્ષના આક્ષેપો તથ્યવિહીન, ગેરમાર્ગે દોરનારા અને માત્ર રાજકીય એજન્ડાથી પ્રેરિત છે. તેમણે સ્પષ્ટ કર્યું કે ગુજરાતમાં બેરોજગારીનો દર માત્ર ૧.૧% છે, જે દેશમાં સૌથી ઓછો છે. વાસ્તવિક સમસ્યા આંકડાઓમાં નથી, પરંતુ વિપક્ષની નકારાત્મક માનસિકતામાં છે. જેમને ‘યુનિકોર્ન’ અને ‘પોપકોર્ન’ વચ્ચેનો તફાવત ખબર નથી, તેઓ દેશની રોજગારી પર પ્રશ્નો ઊભા કરી રહ્યા છે.

ભરતી મેળા અને સરકારી નોકરીઓનો ધમધમાટ:
ડૉ. અનિલ પટેલે વિગતો આપતા જણાવ્યું હતું કે, રાજ્ય સરકારના શ્રમ અને રોજગાર વિભાગે ૭ હજારથી વધુ ભરતી મેળાઓ યોજીને ૮ લાખથી વધુ યુવાનોને રોજગારી પૂરી પાડી છે. છેલ્લા પાંચ વર્ષમાં રોજગાર કચેરીઓ દ્વારા ૧૫ લાખથી વધુ ઉમેદવારોને સફળતાપૂર્વક રોજગારી અપાઈ છે. નોકરીદાતા અને ઉમેદવાર વચ્ચે સેતુ બનતા ‘અનુબંધમ’ વેબ પોર્ટલ પર અત્યાર સુધી ૪.૮૦ લાખ ઉમેદવારો અને ૫૪ હજારથી વધુ નોકરીદાતાઓ નોંધાયા છે. આ ઉપરાંત, ગૌણ સેવા પસંદગી મંડળમાં ૫,૬૬૦ અને પોલીસ વિભાગમાં ૧૨,૦૦૦થી વધુ જગ્યાઓની બમ્પર ભરતી પ્રક્રિયાને પણ મંજૂરી અપાઈ છે.

સેમિકન્ડક્ટર અને સ્ટાર્ટઅપ હબ તરીકે ઉભરતું ગુજરાત:
ગુજરાત હવે ‘ઈન્ડિયાઝ ગેટવે ટુ સિલિકોન’ બનવા તરફ અગ્રેસર છે. ધોલેરા SIR અને સાણંદ ખાતે ટાટા ઇલેક્ટ્રોનિક્સ, માઇક્રોન અને CG પાવર જેવા પ્રોજેક્ટ્સ દ્વારા ₹૩૫,૦૦૦ કરોડથી વધુનું રોકાણ થઈ રહ્યું છે, જે ૫૫,૦૦૦થી વધુ રોજગારીની તકો ઉભી કરશે. વર્ષ ૨૦૨૬થી આ પ્રોજેક્ટ્સમાં વાણિજ્યિક ઉત્પાદન શરૂ થવાની અપેક્ષા છે. સ્ટાર્ટઅપ ક્ષેત્રે પણ ભારતમાં નોંધાયેલા ૧.૬૪ લાખ સ્ટાર્ટઅપ્સ પૈકી ગુજરાત મહત્વનું કેન્દ્ર છે. દેશના ૧૨૫થી વધુ યુનિકોર્ન સ્ટાર્ટઅપ્સ ૨૧ લાખ લોકોને રોજગારી આપી રહ્યા છે, જેમાં ગુજરાતનો મોટો ફાળો છે.

MSME અને મોટા પ્રોજેક્ટ્સ દ્વારા આર્થિક ક્રાંતિ:
રાજ્યમાં ૩૭.૫૬ લાખ MSMEs કાર્યરત છે, જે અંદાજે ૧ કરોડ લોકોને આજીવિકા પૂરી પાડે છે. છેલ્લા પાંચ વર્ષમાં આ ક્ષેત્રે ₹૮૬,૫૧૮ કરોડનું રોકાણ થયું છે. ૪૦,૦૦૦ જેટલી ફેક્ટરીઓમાં ૨૩.૫ લાખ કર્મચારીઓ કામ કરી રહ્યા છે. DMIC, ગિફ્ટ સિટી (GIFT City), નવા હાઈવે અને પોર્ટ ડેવલપમેન્ટ જેવા મેગા પ્રોજેક્ટ્સ દ્વારા લાખો પ્રત્યક્ષ અને પરોક્ષ નોકરીઓનું સર્જન થઈ રહ્યું છે. ઈ-શ્રમ પોર્ટલ પર ૧.૧૯ કરોડ બિનસંગઠિત શ્રમિકોની નોંધણી સાથે સરકાર શ્રમિક કલ્યાણ માટે પણ કટિબદ્ધ છે.

વિપક્ષને આકરા પ્રશ્નો:
અંતમાં ડૉ. પટેલે કોંગ્રેસને આડેહાથ લેતા પ્રશ્ન કર્યો હતો કે જો ગુજરાતમાં રોજગાર નથી, તો દેશભરમાંથી લોકો અહીં કામ માટે કેમ આવે છે? ઉદ્યોગપતિઓ રોકાણ માટે ગુજરાતને જ કેમ પ્રથમ પસંદગી આપે છે? તેમણે ઉમેર્યું કે ગુજરાતનો યુવાન આજે ‘જોબ સીકર’ મટીને ‘જોબ ગીવર’ એટલે કે આત્મનિર્ભર ઉદ્યોગસાહસિક બની રહ્યો છે. પીએમ વિશ્વકર્મા યોજના હેઠળ ૧.૮૧ લાખ કારીગરોને તાલીમ આપી ₹૨૯૦ કરોડનું અનુદાન આપી પગભર કરવામાં આવ્યા છે.

(5:04 PM IST)