તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 18th March 2026
રાજકોટ અને સુરતમાં આંગણવાડી બહેનોની હડતાળ અને ભારે વિરોધ પ્રદર્શન શરૃ
ફરી એકવાર આંગણવાડીની બહેનો મેદાનેઃજો માંગણીઓ નહીં સંતોષાય તો આંદોલન વધુ ઉગ્ર બનાવવાની ચીમકી ઉચ્ચારી છે

અમદાવાદ : જેતપુરમાં આંગણવાડી બહેનોનો આક્રોશ ભભૂકી ઉઠ્યો છે. જેતપુર પંથકની આંગણવાડી મહિલા કર્મચારીઓએ પોતાની પડતર માંગણીઓને લઈને સરકાર સામે મોરચો માંડ્યો છે. ૧૫૨ જેટલી આંગણવાડીની અંદાજે ૩૦૦ જેટલી મહિલા કર્મચારીઓ આજે કામથી અળગી રહીને હડતાળ પર ઉતરી છે. તાલુકા પંચાયત કચેરીએ મહિલા કર્મચારીઓએ સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો છે અને જો માંગણીઓ નહીં સંતોષાય તો આંદોલન વધુ ઉગ્ર બનાવવાની ચીમકી ઉચ્ચારી છે.
લાંબા સમયથી પડતર રહેલા પ્રશ્નો બાબતે આંગણવાડી વર્કર અને હેલ્પર બહેનોએ આજે જેતપુર તાલુકા પંચાયત કચેરી ખાતે ભારે સૂત્રોચ્ચાર સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. અંદાજે ૧૫૨ જેટલી આંગણવાડીની ૩૦૦ જેટલી મહિલા કર્મચારીઓ હાઈકોર્ટના ચુકાદાનો અમલ કરી લઘુત્તમ વેતન આપવા, વર્ગ ૩ અને ૪માં કાયમી સમાવેશ કરવા અને પગાર વધારા સહિતની ૧૨ જેટલી મુખ્ય માંગણીઓ સાથે આ બહેનો રસ્તા પર ઉતરી છે.વિરોધ કરનાર આ કર્મચારીઓનું કહેવું છે કે, વર્કર બહેનોને માત્ર ૧૦,૦૦૦ અને હેલ્પર બહેનોને માત્ર ૫,૫૦૦ રૃપિયા પગાર ચૂકવાય છે. મોંઘવારીના આ સમયમાં, જ્યાં તેલનો ડબ્બો જ ૨૫૦૦ રૃપિયાનો આવે છે, ત્યાં આટલા નજીવા પગારમાં ઘર કેમ ચલાવવું તેવો વેધક સવાલ આ મહિલાઓ સરકારને પૂછી રહી છે. ઓનલાઈન કામગીરી અને BLO જેવી વધારાની ફરજોના અસહ્ય ભારણને કારણે તેઓ બાળકોના પૂર્વ-પ્રાથમિક શિક્ષણ પર પૂરતું ધ્યાન આપી શકતા નથી તેવી પણ તેમની રાવ છે.
આવી જ રીતે પોતાની વ્યથા ઠાલવતા પરાજપુર આંગણવાડી હેલ્પર તલબેન જયસ્વાલે જણાવ્યું હતું કે, અમે ૧૯ વર્ષથી નોકરી કરીએ છીએ, છતાં પગાર માત્ર ૫૫૦૦ છે. આટલા પગારમાં અમે ૪૦ બાળકોને સાચવીએ છીએ. જે હવે પોષાય કેમ નથી. આ મોંઘવારીમાં આટલા પગારમાં પૂરું નથી પડતું. અમારો પગાર ૨૦ હજાર રૃપિયા હોવો જોઈએ. જો પગાર નહીં વધે તો મહિના દિવસમાં કેન્દ્રોને તાળા મારી દઈશું.જ્યારે અન્ય એક મહિલા કર્મચારી પીઠડીયા આંગણવાડી વર્કર ગોસ્વામી મિત્તલે જણાવ્યું હતું કે, વિધવા અને એકલવાયું જીવન જીવતી બહેનો આટલા ઓછા પગારમાં ગુજરાન ચલાવવું મુશ્કેલ છે. જેથી હાઈકોર્ટના ચુકાદાનો સરકાર અમલ કરી અમને વર્ગ ૩ અને ૪માં સમાવેશ કરે અને લઘુત્તમ વેતન આપે. સાથે જ ઓનલાઈન અને BLOની કામગીરીનું ભારણ ઘટાડે જેથી અમે ૩થી ૬ વર્ષના બાળકોના શિક્ષણ પર ધ્યાન આપી શકીએ.નોંધનીય છે કે, આ તરફ સુરતમાં પણ આંગણવાડી મહિલા કર્મચારીઓ દ્વારા ભારે વિરોધ પ્રદર્શન શરૃ થયું છે. દિલ્હી ગેટ ICS ઓફિસ ખાતે અંદાજિત ૧૦૦૦થી વધુ મહિલા કર્મચારીઓ ઉગ્ર વિરોધ નોંધાવી રહી છે. પગાર વધારાની માંગ સાથે આ મહિલાઓ ગુજરાત આંગણવાડી મહિલા મંડળના નેજા હેઠળ ઉગ્ર વિરોધ પ્રદર્શન કરી રહી છે અને દિલ્હી ગેટ ખાતે મહિલા કર્મચારીઓ દ્વારા ચક્કાજામ કરવામાં આવ્યો છે. આ પહેલા મહિલા કર્મચારીઓ દ્વારા ઓનલાઈન કામગીરી બંધ કરાઈ હતી અને આજે આંગણવાડીને તાળાબંધી કરી વિરોધ પ્રદર્શન શરૃ થયું છે. આગામી ૧૮મી તારીખથી શરૃ થયેલા આ વિરોધ પ્રદર્શન આગામી બે દિવસ ૧૯ અને ૨૦ માર્ચ સુધી આંગણવાડીને તાળાબંધી કરી ઉગ્ર વિરોધ કરવાની ચીમકી ઉચ્ચારી છે.
આમ, રાજ્યમાં એક તરફ મહિલા સશક્તિકરણની મોટી મોટી વાતો વચ્ચે આ આંગણવાડી બહેનો પોતાનો હક માંગી રહી છે. બાળકોને સાચવતી, રસોઈ બનાવતી, સાફ-સફાઈ કરતી અને પાયાનું શિક્ષણ આપતી આ મહિલા કર્મચારીઓનું કહેવું છે કે જો સરકાર તેમની વ્યાજબી માંગણીઓ પર વહેલી તકે ધ્યાન નહીં આપે તો આગામી દિવસોમાં આ આંદોલન વધુ ઉગ્ર સ્વરૃપ ધારણ કરશે અને સમગ્ર કામગીરીનો બહિષ્કાર કરવામાં આવશે.
(10:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
