તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 18th March 2026
એક્સપોર્ટર્સ ફ્રેઈટ ફોરવર્ડર્સને ૨૫૦થી ૫૦૦ કરોડનું નુકસાન
યુદ્ધ પહેલા નીકળેલા જહાજો પર વોર રિસ્ક સરચાર્જ લદાતા વેપારીઓને ફટકો : ગુજરાતમાં ૬થી ૭ જહાજમાં એક્સપોર્ટર્સના ૧૨૦૦૦ કરતા વધુ કન્ટેનરોને ૨૫૦ કરોડથી ૫૦૦ કરોડની વોર રિસ્ક સર્જન્સી ભરપાઈ કરવી પડશે

અમદાવાદ,તા.૧૮: ઈરાન અમેરિકા-ઈઝરાયલ યુદ્ધથી ગુજરાત અને ભારતના એક્સપોર્ટના ધંધાર્થીઓ અને ફ્રેઈટ કંપનીઓ સંકટમાં આવી ગઈ છે. યુદ્ધને કારણે એક્સપોર્ટર્સ અને ફ્રેઈટ ફોરવર્ડર્સ ઉપર વોર રિસ્ક સરચાર્જનું ગ્રહણ લાગ્યું છે. યુદ્ધ પહેલા જે જહાજો નીકળીને દરિયા વચ્ચે છે તેને પણ આ વધારો લાગુ કરવામાં આવ્યો છે. ગુજરાતમાં ૬થી ૭ જહાજમાં એક્સપોર્ટર્સના ૧૨૦૦૦ કરતા વધુ કન્ટેનરોને ૨૫૦ કરોડથી ૫૦૦ કરોડની વોર રિસ્ક સર્જન્સી ભરપાઈ કરવી પડશે. જો એક્સપોર્ટર્સ તે ભરપાઈ ન કરે તો તે ફ્રેઈટ કંપનીઓ એટલે કસ્ટમ હાઉસ એજન્ટોના માથે આવશે. એટલે કે મોટો આર્થિક ફટકો પડશે.
કોંગ્રેસના પ્રવક્તા પાર્થિવરાજાસિહ કઠવાડિયાએ જણાવ્યું છે કે, શિપિગ કંપનીઓ દ્વારા ૨૦ ડિવિ(ફૂટ)કન્ટેનર પર ૨૦૦૦ ડોલર અને ૪૦ ડિવિ(ફૂટ) પર ૪૦૦૦ ડોલરનો વધારો નાખવામાં આવ્યો છે. ભારતનો મશીનરી, ગારમેન્ટ, ખાદ્ય સામગ્રી સહિત મોટા પ્રમાણમાં યુએઈ, સાઉદી અરેબિયા, બહેરીન, કુવૈત, કતાર અને ઇરાક જેવા દેશો સાથે એક્સપોર્ટનો વ્યવસાય છે. એક્સપોર્ટર્સ પર એકબાજુ ૨૦૦૦થી ૪૦૦૦ ડોલર વોર કન્ટીજન્સી રિકવરી નાખવામાં આવી છે ત્યાં બીજી બાજુ રિજિયોનલ કન્ટેનર લાઇન્સ દ્વારા શિપમેન્ટના જનરલ રેટ વધારી દેવાયા છે. જે શિપમેન્ટમાં ૨૦ જીપી ૩૦૦-૩૫૦ ડોલરથી દુબઈ ટ્રાન્સપોર્ટ થઇ જતા હતા, તેમાં ૨૦૦૦ ડોલરનો વધારો કરવામાં આવ્યો છે અને ૪૦ એચસી કન્ટેનરના શિપમેન્ટમાં ૪૦૦૦ ડોલરનો વધારો ઝીંકવામાં આવ્યો છે. યુદ્ધની કટોકટીના સમયમાં ભાવવધારો અને વોર રિસ્ક સર્જન્સીના લીધે એક્સપોર્ટર્સને કરોડો રૂપિયાનું નુકસાન થશે. કોંગ્રેસ દ્વારા પોર્ટ અને શિપિગ મંત્રીને આ અંગે રજૂઆત કરાશે.
(10:32 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
