News of Wednesday, 18th March 2026
યુદ્ધને પગલે ગુજરાતમાં અનેક વેપાર ઉદ્યોગને માઠી અસરઃ આયાત-નિકાસ સ્થગિત
પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રી, સિરામીક તથા ગેસ આધારિત ઉદ્યોગો, ફાર્મા, ડાયમંડ જ્વેલરી અને ટુરિઝમ ઇન્ડસ્ટ્રીને માઠી અસર : પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રી પર માઠી અસર, બજારમાં પ્લાસ્ટિકનું રો-મટિરિયલ ખૂટી પડયું:ડાયમંડ અને જ્વેલરીના વેપારીઓ પણ દ્વિધામાં તેમનો માલસામાન બહારના દેશોમાં મોકલી શકાતો નથી

અમદાવાદ,તા.૧૮: અમેરિકા અને ઇઝરાયલે ઇરાન પર હુમલો કરી યુદ્ધ શરૂ કરી દીધું છે. જેમાં એકાદ ડઝન દેશો જોડાઈ ગયા છે. આ પરિસ્થિતિને લઈ દુનિયાભરના વેપાર ઉદ્યોગ પર માઠી અસર પડી રહી છે. ગુજરાતમાં ખાસ કરીને પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રી, સિરામીક તથા ગેસ આધારિત ઉદ્યોગો, ફાર્મા, ડાયમંડ જ્વેલરી અને ટુરિઝમ ઇન્ડસ્ટ્રીને માઠી અસર પડી રહી છે. ઘણા વિસ્તારોમાં ચોક્કસ એકમો ધીમા પાડવા કે બંધ કરવા પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. દેશના તમામ શહેરોમાં ગેસ સિલિન્ડર માટે લાઈનો લાગી હતી. જોકે, બે જહાજ ગેસ સાથે ભારત આવી પહોંચ્યા છે તે રાહતના સમાચાર છે. તેમ નવગુજરાત સમયનો અહેવાલ જણાવે છે.
ઇરાન-અમેરિકા અને ઇઝરાયેલના યુદ્ધને લઈને ઘણા દેશોના એરપોર્ટ અને પોર્ટ પરની કામગીરી થંભી ગઈ છે. જુદા જુદા માલસામાન લઈને એક દેશમાંથી બીજા દેશમાં જવા નીકળેલા જહાજો મધદરિયામાં થોભાવી દેવામાં આવ્યા છે. જેને લઈને લોકોની સાથે સાથે વેપારીઓ પણ ચિતિત છે. ખાસ કરીને ક્રૂડની અછતને લઈને પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીને મોટું નુકસાન થઈ રહ્યું છે.
પ્લાસ્ટિક બોટલોથી લઈને તમામ વસ્તુઓ બનાવવા માટેનું રોમટિરિયલ જે પહેલા સો રૂપિયે કિલો મળતું હતું, તે આજે અઢીસો રૂપિયે પહોંચી ગયું છે. જેને કારણે પાણીની બોટલથી લઈને ગ્લુકોઝ માટેની બોટલ અને પ્લાસ્ટિકની તમામ વસ્તુઓનું ઉત્પાદન ઘટી ગયું છે. મોટા ઓર્ડર કેન્સલ થઈ રહ્યા છે. જોકે, પ્લાસ્ટિકના રોમટેરિયલની અછત દૂર થાય તો ફરીથી આ ઇન્ડસ્ટ્રી ધમધમતી થાય નહિતર ચોક્કસ મોટી સમસ્યા ઊભી થઇ શકે છે તેમ પ્લાસ્ટિકના ઉત્પાદકો સચીન પટેલ અને વિશાલ પટેલે જણાવ્યું હતું.
મોરબીની સિરામીક ઇન્ડસ્ટ્રીને પણ ગેસ અને ઈંધણની અછતને લઈને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ઘણા એકમો હાલ સ્થગિત કરી દેવા પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ફલાઇટના રૂટ સ્થગિત થઈ ગયા છે. જેને કારણે ડાયમંડ અને જ્વેલરીના વેપારીઓ પણ દ્વિધામાં છે. તેમનો માલસામાન બહારના દેશોમાં મોકલી શકાતો નથી.
ગેસની અછતને લઈને ઘણી ફાર્મા કંપનીઓમાં દવાનું ઉત્પાદન થંભી ગયું છે. સાથે સાથે આયાત-નિકાસની કામગીરી પણ સ્થગિત થઈ ગઈ છે. આઇસ્ક્રીમ અને ફૂડ ઇન્ડસ્ટ્રીને પણ તેની આડઅસર થઈ રહી છે. રો મટિરિયલ મોંઘું થઈ રહ્યું છે. ગેસ અને કોલસાનો ભાવ વધતાં તકલીફ શરૂ થઈ ગઈ છે. આયાત-નિકાસ અને ટ્રાન્સપોર્ટેશનની કામગીરી પણ અસર પામી રહી છે. આ તમામ બાબતોની સાથે સાથે ટુરિઝમ ઇન્ડસ્ટ્રીને પણ દુબઈ અને અખાતી દેશોના પ્રવાસ કેન્સલ થતાં મોટું નુકસાન થઈ રહ્યું છે. હજારો ફલાઇટ રદ થતાં એરલાઇન્સ કંપનીઓને પણ નુકસાન થઈ રહ્યું છે.
યુદ્ધને લીધે કેમિકલ ઇન્ડસ્ટ્રીને ઘણી સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છેઃ જૈમિન વસા (પ્રમુખ, ગુજરાત કેમિકલ એસો.)
દુનિયામાં કેમિકલના ઉત્પાદનમાં ભારત ચાઇના પછી બીજા નંબર છે. જ્યારે દેશના કુલ ઉત્પાદનનું ૪૦ ટકા ઉત્પાદન ગુજરાતમાં થઇ રહ્યું છે. માટે ગુજરાત કેમિકલ ઇન્ડસ્ટ્રીનું હબ છે. ગુજરાતમાથી હેવી કેમિકલ, ફાર્મા કેમિકલ, પિગ્મેટ એક્સપોર્ટ કરે છે. યુદ્ધને કારણે નિકાસ અટકી ગઇ છે. જ્યારે રો મટિરિયલના ભાવ વધી ગયા છે. ગ્લોબલી મોટા ઓર્ડર કેન્સલ થતાં વેપારીઓ પરેશાન થઇ રહ્યા છે.
ઇંધણના મુદ્દે ઇન્ડસ્ટ્રીને ખેંચ ન પડે તેવા પ્રયાસ ચાલુઃ પથિક પટવારી (પૂર્વ પ્રમુખ ચેમ્બર)
યુદ્ધને લીધે ગ્લોબલી અસર થઈ રહી છે. જેમાં ભારત મેજર ઇકોનોમી છે અને મિડલ ઇસ્ટમાં ચાલી રહેલા યુદ્ધની અસર થાય તે સ્વાભાવિક છે. બીજું, આપણે એનર્જી માટે અન્ય દેશો પર ૮૦ ટકા આધાર રાખીએ છીએ. તેમ છતાં ડોમેસ્ટિક ગેસની અછત ન થાય તેના માટે કવાયત ચાલી રહી છે. ઇન્ડસ્ટ્રીને પણ ખેંચ ન પડે તેના પ્રયાસો ચાલી રહ્યા છે, જે આવકાર્ય છે.
ગુજરાતમાંથી નિકાસ થતા મસાલાના હજારો કન્ટેનર યુદ્ધને લીધે પોર્ટ પર પડી રહ્યા છેઃ હીરેન ગાંધી (પૂર્વ ચેરમેન ફૂડ કમિટી, ચેમ્બર)
ગુજરાતના મસાલા અને તેજાના દુનિયાભરમાં સપ્લાય થઈ રહ્યા છે ત્યારે આ યુદ્ધની પરિસ્થિતિને લઈને લગભગ ૩૦૦૦થી ૩૫૦૦ કન્ટેનર જુદા જુદા પોર્ટ પર પડી રહ્યા છે. તેની નિકાસ અટકી જતાં વેપારીઓ પરેશાન છે. કન્ટેનર પડી રહેતા ડેમરેજીસ ચડી રહ્યા છે. માટે મસાલાના વેપારીઓ માટે મુશ્કેલી ઊભી થઈ છે.
(10:29 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
