<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th March 2026

ખજૂર ભાઈ' ની સંડોવણી જણાશે, તો તેને પણ છોડવામાં આવશે નહીં : : લાલા આહીર કેસમાં નવો વળાંક :હવે અગ્રણી હમીર બારાડી મેદાને

હમીર બારાડીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, અમારા સમાજના દીકરા પર થયેલો આ હુમલો જરા પણ સહન કરવામાં આવશે નહીં.

અમદાવાદ :સામાજિક કાર્યકર અને આહીર સમાજના યુવાન લાલા આહીર પર થયેલા હુમલાની ઘટનાએ સમગ્ર ગુજરાતમાં ચકચાર જગાવી છે. આ હિંસક ઘટનાને પગલે આહીર સમાજના અગ્રણી હમીર બારાડી મેદાને આવ્યા છે અને તેમણે આ હુમલાને સખત શબ્દોમાં વખોડી કાઢ્યો છે. હમીર બારાડીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, અમારા સમાજના દીકરા પર થયેલો આ હુમલો જરા પણ સહન કરવામાં આવશે નહીં.

 

હમીર બારાડીએ મીડિયા સાથેની વાતચીતમાં આક્રોશ વ્યક્ત કરતા કહ્યું હતું કે, જે કોઈ પણ વ્યક્તિએ આ કાયરતાપૂર્ણ કૃત્ય કર્યું છે, તેની સામે તેઓ મક્કમતાથી ઊભા રહેશે. તેમણે વધુમાં ઉમેર્યું કે, આ ઘટના પાછળ ગમે તેટલી વગદાર વ્યક્તિ હોય, તેને કાયદાના શરણે લાવવામાં આવશે. ખાસ કરીને સોશિયલ મીડિયા પર ચર્ચાતી બાબતો અંગે તેમણે ટકોર કરી હતી કે, જો આ ઘટનામાં જાણીતા કલાકાર અને સામાજિક કાર્યકર નીતિન જાની ઉર્ફે 'ખજૂર ભાઈ' ની સંડોવણી જણાશે, તો તેમને પણ છોડવામાં આવશે નહીં.

 

હમીર બારાડીએ વધુમાં જણાવ્યું કે, "અમે કાયદાકીય રીતે અત્યંત સક્ષમ છીએ અને આ અન્યાય સામે છેક સુધી લડવાના છીએ." આહીર સમાજના યુવાનોમાં આ ઘટનાને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે. હમીર બારાડીએ સમાજના લોકોને શાંતિ જાળવવા અપીલ કરવાની સાથે ખાતરી આપી છે કે દીકરા પર થયેલા હુમલાનો ન્યાય અપાવવા માટે તેઓ પોતે મેદાનમાં છે. આ હુમલો માત્ર એક વ્યક્તિ પર નહીં પણ આખા સમાજની લાગણીઓ પર હોવાનું તેમણે જણાવ્યું હતું.

ગુજરાતના આ કિસ્સામાં હવે પોલીસ તપાસ કઈ દિશામાં જાય છે અને હુમલાખોરોની ધરપકડ ક્યારે થાય છે તેના પર સૌની નજર છે. હમીર બારાડીના આ નિવેદન બાદ સોશિયલ મીડિયા પર પણ આ મામલે ઉગ્ર ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.

(10:08 PM IST)