તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 17th March 2026
ગુજરાત સરકારનો મોટો નિર્ણય : રાજ્યના 5 વરિષ્ઠ ન્યાયાધીશોને જાહેર હિતમાં તાત્કાલિક અસરથી 'પ્રી-મેચ્યોર રિટાયરમેન્ટ' અપાયું
હાઈકોર્ટની ભલામણ બાદ કાયદા વિભાગે મોરબી, પોરબંદર, રાજકોટ અને મોડાસાના જજને નિવૃત્ત કરવાનો આદેશ કર્યો : નોટિસ પિરિયડના બદલામાં ત્રણ માસનો પગાર અને ભથ્થાં ચૂકવાશે

ગાંધીનગર: ગુજરાત સરકારના કાયદા વિભાગ દ્વારા રાજ્યની ન્યાયિક સેવાના પાંચ જેટલા વરિષ્ઠ અધિકારીઓને તાત્કાલિક અસરથી ફરજમુક્ત કરવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાત હાઈકોર્ટની ભલામણને સ્વીકારીને રાજ્ય સરકાર દ્વારા જાહેર હિતમાં આ પાંચ ન્યાયિક અધિકારીઓને વયમર્યાદા પહેલા જ 'પ્રી-મેચ્યોર રિટાયરમેન્ટ' (અકાળે નિવૃત્તિ) પર ઉતારી દેવામાં આવ્યા છે.
કયા નિયમો હેઠળ કાર્યવાહી થઈ?
કાયદા વિભાગના સચિવાલય દ્વારા બહાર પાડવામાં આવેલા સત્તાવાર જાહેરનામા મુજબ, ગુજરાત સિવિલ સર્વિસીસ (પેન્શન) રૂલ્સ, 2002 ના નિયમ-10 (4) અને ગુજરાત સ્ટેટ જ્યુડિશિયલ સર્વિસ રૂલ્સ, 2005 ના નિયમ-21 હેઠળ મળેલી સત્તાનો ઉપયોગ કરીને આ ન્યાયાધીશોને વહેલા નિવૃત્ત કરવામાં આવ્યા છે. સરકારના આ આદેશ સાથે જ આ તમામ અધિકારીઓની સેવાઓનો તાત્કાલિક અસરથી અંત આવ્યો છે.
ફરજમુક્ત કરાયેલા અધિકારીઓની વિગત:
આ આદેશ હેઠળ જે અધિકારીઓને નિવૃત્ત કરવામાં આવ્યા છે તેમાં મોરબીના પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ પ્રથમેશ વિનોદચંદ્ર શ્રીવાસ્તવ (એમ્પ્લોઈ કોડ: GJ00372) અને મોરબીની જ ફેમિલી કોર્ટના પ્રિન્સિપલ જજ પ્રશાંત વિનોદરાય જોશી (એમ્પ્લોઈ કોડ: GJ00330) નો સમાવેશ થાય છે. આ ઉપરાંત પોરબંદરની ફેમિલી કોર્ટના પ્રિન્સિપલ જજ મોહમ્મદઈલિયાસ ફરીદભાઈ માંડલી (એમ્પ્લોઈ કોડ: GJ00408) ને પણ નિવૃત્ત કરાયા છે.
યાદીમાં અન્ય અધિકારીઓમાં રાજકોટના ધોરાજી ખાતે કાર્યરત 3rd એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ અલીહુસેન મોહિબુલ્લા શેખ (એમ્પ્લોઈ કોડ: GJ00521) અને અરવલ્લીના મોડાસા ખાતેના એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ કીર્તિકુમાર જયંતીલાલ દરજી (એમ્પ્લોઈ કોડ: GJ00461) નો સમાવેશ થાય છે.
નાણાકીય વળતર અને જાણકારી:
નિયમોનુસાર, આ તમામ અધિકારીઓને નોટિસ પિરિયડ આપવાને બદલે ત્રણ મહિનાનો પગાર અને નિયત ભથ્થાં ચૂકવવાનો આદેશ કરવામાં આવ્યો છે. આ આદેશ પર સંયુક્ત સચિવ એચ.એચ. વર્મા દ્વારા હસ્તાક્ષર કરવામાં આવ્યા છે અને તેની નકલ મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી તેમજ કાયદા મંત્રીના અંગત સચિવોને પણ જરૂરી જાણકારી અર્થે મોકલી આપવામાં આવી છે.
રાજ્ય સરકારના આ મોટા પગલાને કારણે ન્યાયિક અને વહીવટી વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે.
(3:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
