<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th March 2026

ગુજરાતમાં આંતરજ્ઞાતીય લગ્નથી સામાજીક ગરમાવો :હવે ચૌધરી અને પાટીદાર સમાજ પણ મેદાનમાં :કાલે રૂણીમાં મહાસંમેલન

સિંગર કિંજલ રબારી પોતાના ઘરે પરત ફરતા રબારી સમાજે તેને 'ગૌરવની ક્ષણ' ગણાવી હતી, પરંતુ આ ઘટનાએ હવે એક નવી જ સામાજિક લડાઈને જન્મ આપ્યો

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી આંતરજ્ઞાતીય અને પ્રેમ લગ્નોને લઈને સામાજિક ગરમાવો જોવા મળી રહ્યો છે. સિંગર કિંજલ રબારી પોતાના ઘરે પરત ફરતા રબારી સમાજે તેને 'ગૌરવની ક્ષણ' ગણાવી હતી, પરંતુ આ ઘટનાએ હવે એક નવી જ સામાજિક લડાઈને જન્મ આપ્યો છે. અન્ય સમાજોના લોકો હવે સવાલ ઉઠાવી રહ્યા છે કે જો રબારી સમાજ પોતાની દીકરી પાછી લાવતો હોય, તો તેમના દીકરાઓ જે અન્ય સમાજની દીકરીઓ લાવ્યા છે, તેમને પણ પરત કરવામાં આવે.

બનાસકાંઠાના રૂણી ગામનો એક કિસ્સો અત્યારે ચર્ચામાં છે, જ્યાં ચૌધરી સમાજની દીકરીએ રબારી સમાજના યુવક સાથે પ્રેમ લગ્ન કર્યા છે. આ મુદ્દે અર્બુદા સેના અને ચૌધરી સમાજ દ્વારા આગામી 18 માર્ચ, 2026 (બુધવાર) ના રોજ રૂણી મુકામે સંગત મંદિરે એક વિશાળ 'મહાસંમેલન'નું આયોજન કરવામાં આવ્યું છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી પોસ્ટ મુજબ, આ બેઠકમાં સમાજની દીકરીને ન્યાય અપાવવા અને ભવિષ્યની રણનીતિ નક્કી કરવા માટે સમસ્ત ચૌધરી સમાજને એકઠા થવા આહવાન કરવામાં આવ્યું છે.

 

માત્ર ચૌધરી સમાજ જ નહીં, ખેડા પાસેના એક કેસમાં પાટીદાર સમાજના અગ્રણીઓ પણ સક્રિય થયા છે. પાટીદાર સમાજની દીકરી અન્ય સમાજમાં પરણી હોવાથી સમાજના આગેવાનો પરિવાર અને દીકરી સાથે રૂબરૂ મુલાકાત કરી તેને પાછી લાવવાના પ્રયાસો હાથ ધરવાના છે. રબારી સમાજના આગેવાન ઠાકરશી રબારીએ જ્યારે નિવેદન આપ્યું હતું કે "અમે અમારી દીકરી કોઈને આપીશું નહીં", ત્યારે હવે અન્ય સમાજો પણ એ જ તર્ક સાથે પોતાની દીકરીઓ પાછી મેળવવા મક્કમ બન્યા છે.

 

જ્યારે ભારત 'વિશ્વગુરુ' બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે અને વૈશ્વિક સ્તરે ટેકનોલોજી તથા વિકાસની વાતો થઈ રહી છે, ત્યારે ગુજરાતમાં દીકરીની પસંદગી અને પ્રેમ લગ્ન પર થતા વિવાદોએ અનેક પ્રશ્નો ઊભા કર્યા છે. ભારતીય સંવિધાન મુજબ, પુખ્ત વયની કોઈપણ વ્યક્તિને પોતાનો જીવનસાથી પસંદ કરવાનો મૂળભૂત અધિકાર છે. કિંજલ રબારીના કેસમાં જે રીતે સામાજિક દબાણ હેઠળ 'ઘરવાપસી' થઈ, તેને ઘણા કાયદાકીય નિષ્ણાતો સંવિધાનના ધજાગરા ઉડાવવા સમાન ગણાવી રહ્યા છે. જો દીકરી પોતાની મરજીથી કોઈની સાથે જીવન વિતાવવા માંગતી હોય, તો સમાજનું બંધારણ દેશના બંધારણથી ઉપર કઈ રીતે હોઈ શકે?

 

એક મહત્વનો પ્રશ્ન એ પણ ઉઠી રહ્યો છે કે જ્યારે કોઈ દીકરો અન્ય સમાજની દીકરી લાવે છે ત્યારે આટલો મોટો હોબાળો થતો નથી, પરંતુ જ્યારે દીકરી અન્ય સમાજમાં જાય છે ત્યારે તેને 'સમાજનું ગૌરવ' હણાયું હોવાનું માનવામાં આવે છે. ઠાકરશી રબારીને પણ સોશિયલ મીડિયા પર સવાલો થઈ રહ્યા છે કે શું તેઓ રબારી સમાજના એ તમામ દીકરાઓને સમજાવશે જે બીજા સમાજની દીકરીઓ લાવ્યા છે?

આ વિવાદ હવે વ્યક્તિગત પસંદગી મટીને સામાજિક પ્રતિષ્ઠાની લડાઈ બની ગયો છે. 18 તારીખની બેઠક બાદ ગુજરાતની સામાજિક સ્થિતિ કઈ તરફ વળે છે તે જોવું રહ્યું. શું કાયદો સર્વોપરી રહેશે કે સામાજિક રીત-રિવાજો? તે હવે આવનારો સમય જ કહેશે.

 

(1:14 PM IST)